Western Times News

Gujarati News

બે વર્ષમાં અમદાવાદના ૨૯૭ બાળકો ગંભીર બીમારીના શિકાર

ગાંધીનગર, છેલ્લા બે વર્ષમાં ૨૯૭ જેટલા બાળકો ગંભીર બીમારીના શિકાર બન્યા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. ગુજરાત વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના આરોગ્ય મંત્રીએ વિગતો જાહેર કરી છે.

જેમાં અમદાવાદની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોની આરોગ્યની તપાસ દરમિયાન કેટલાક બાળકો હ્રદય, કિડની અને કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા હોવાની વિગત સામે આવી છે. ગાંધીનગર ગુજરાત વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અમદાવાદ જિલ્લાના બાળકોમાં ગંભીર બીમારી સામે આવી છે. જેમાં ૨૯૭ બાળકોમાં હૃદય, કિડની અને કેન્સર જેવા ગંભીર રોગો સામે આવ્યા છે.

છેલ્લા એક વર્ષમાં અમદાવાદ જિલ્લાના ૩ લાખ ૬ હજાર ૯૭ બાળકોની આરોગ્ય તપાસમાં વિગત ખુલી છે. જેમાં ૧૭૪ બાળકોને હૃદય, ૭૫ બાળકોને કિડની અને ૪૮ બાળકોને કેન્સરની સારવાર અપાઇ છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના પ્રશ્નમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલએ લેખિત જવાબ રજૂ કર્યો છે.

૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં કુલ ૩ લાખથી વધુ બાળકોની શાળા આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે.

૨૯૭ બાળકોની શાળા આરોગ્ય તપાસમાં ગંભીર બીમારીથી બાળકો પીડાતા હોવાની વિગતો સામે આવી. જે અંતર્ગત હ્રદય, કિડની અને કેન્સર જેવા ગંભીર રોગ ધરાવતા બાળકોની સારવાર માટે સરકાર દ્વારા નીચે મુજબની વ્યસ્થા કરવામાં આવી છે.

હ્રદયની બીમારીવાળા બાળકોને યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડીયોલોજી અને રીસર્ચ સેન્ટર, અમદાવાદ જ્યારે કીડનીની બિમારીવાળા બાળકોને ઇન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીસ અને રીસર્ચ સેન્ટર, અમદાવાદ અને કેન્સરની બીમારીવાળા બાળકોને એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ, અમદાવાદમાં સારવાર આપવામાં આવી છે.

મહત્વનું છે કે, રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળામાં આરોગ્ય તપાસ કેમ્પ હાથ ધરવામાં આવે છે. માત્ર ગંભીર બીમારીથી પિડાતા બાળકો જ નહિ કુપોષણથી પીડાતા બાળકોને પણ પોષણ યુક્ત આહાર આપવાની યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.