Western Times News

Gujarati News

શાહઆલમમાં પ હજારના ટોળા સામે ફરિયાદ દાખલ

કોર્પોરેટર સહિત ૪૯ વ્યક્તિની ધરપકડઃ તોફાનગ્રસ્ત વિસ્તારોમાં પોલીસનું રાતભર કોમ્બીંગ

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના શાહઆલમ વિસ્તારમાં ગઈકાલે અમદાવાદ બંધના એલાન દરમિયાન દેખાવો કરી રહેલા ટોળામાંથી અચાનક જ પથ્થરમારો શરૂ થતાં પરિસ્થિતિ  વણસી હતી ટોળા દ્વારા પોલીસકર્મીઓને ટાર્ગેટ બનાવવામાં આવતા ર૧થી વધુ પોલીસ કર્મીઓને ઈજા પહોંચી છે જેમાંથી ત્રણ કોન્સ્ટેબલોને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા હાલ તેઓ સારવાર હેઠળ છે.

બીજીબાજુ શહેરમાં આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલા તોફાનોથી પોલીસતંત્ર ચોંકી ઉઠયુ છે અને તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ અપાતા શહેરના તોફાનગ્રસ્ત વિસ્તારોમાં રાતભર કોમ્બીંગ કરી કોંગ્રેસના કોર્પોરેટર સહિત ૪૯ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.

ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પ હજારના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને બાકીના આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલના તોફાન બાદ આજે સવારથી જ આ વિસ્તારોમાં જનજીવન રાબેતા મુજબ જાવા મળી રહયું છે.

પરંતુ ગૃહવિભાગે અમદાવાદ શહેરમાં પોલીસને સ્ટેન્ડ ટુ નો આદેશ આપેલો છે જેના પગલે આ તમામ વિસ્તારોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તથા એસઆરપીની વધુ બે ટીમોને તૈનાત કરી દેવાઈ છે.

નાગરિકતા બીલના વિરોધમાં અમદાવાદ શહેરમાં ગઈકાલે બંધ નું એલાન આપવા ઉપરાંત ઠેરઠેર દેખાવો કરવામાં આવ્યા હતાં આ દરમિયાન શાહઆલમ વિસ્તારમાં દેખાવો દરમિયાન પરિસ્થિતિ  વણસી હતી શાંતિપૂર્ણ રીતે રેલી યોજી દેખાવો કરી રહેલા ટોળામાંથી પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઈ હતી. સ્થળ પર તૈનાત પોલીસ જવાનોમાંથી મહિલા પોલીસની છેડતી પણ કરવામાં આવી હતી.

જેના પગલે પોલીસ એલર્ટ થઈ હતી પરંતુ આ દરમિયાનમાં જ તોફાની તત્વોએ આ પરિસ્થિતિનો  લાભ ઉઠાવ્યો હતો અને ટોળામાં ઘુસી પથ્થરમારો શરૂ કરતા જ નાસભાગ મચી ગઈ હતી. હિંસક બનેલા ટોળાએ પોલીસ જવાનોને ઘેરી લઈ હુમલો કર્યો હતો એક પોલીસ જવાનને ખૂબ જ નિર્દયતાથી માર મારવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયેલા છે. જયારે પોલીસ જવાનોને ખુણામાં ધકેલી તેમના પર જારદાર પથ્થરમારો કરાતા કુલ ર૧ જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતાં આ સમગ્ર ઘટનાક્રમના પગલે આ વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.


પોલીસતંત્ર દ્વારા તાત્કાલિક વધુ બંદોબસ્ત ફાળવી તોફાની ટોળાઓને વિખેરી નાંખ્યા હતાં પોલીસ ઉપર આયોજનબદ્ધ રીતે કરાયેલા હુમલાની ઘટનાથી પોલીસ અધિકારીઓ તાત્કાલિક આ સમગ્ર ઘટનાક્રમમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા માટે આદેશ આપતા જ પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું અને તમામ સીસીટીવી કુટેજા એકત્ર કરવામાં આવી રહયા છે.

પ્રાથમિક કામગીરીમાં જ પોલીસે મોડીરાત સુધીમાં કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન સહિત ૪૯ વ્યકિતઓની ધરપકડ કરી લેવામાં આવી છે. શાહઆલમમાં અચાનક જ આયોજનબદ્ધ રીતે થયેલા તોફાનની ઘટના બાદ પોલીસે આ સમગ્ર વિસ્તારમાં કોમ્બીંગ ઓપરેશન શરૂ કરી દીધુ હતું બીજીબાજુ શહેરના પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ રાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે તોફાનગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.

પોલીસ કમિશ્નર દ્વારા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં સૌ પ્રથમ પ હજારના ટોળા સામે ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો. ઈસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર જે.એમ. સોલંકી ખુદ ફરિયાદી બન્યા છે અને તેમણે ફરિયાદ નોંધાવતા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.

પોલીસ અધિકારીઓ દ્વારા આ સમગ્ર ઘટનાના વિડીયો કુટેજ મેળવવામાં આવી રહયા છે. બીજીબાજુ રેલીની મંજુરી માંગનાર તમામની પુછપરછ કરવામાં આવનાર છે. પોલીસ અધિકારીઓ ચોક્કસપણે માને છે કે આ એક પૂર્વ આયોજીત ષડયંત્ર હતું જેથી તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર છે.

ઈજાગ્રસ્ત તમામ પોલીસ જવાનોને એલ.જી. હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતાં જયાં માથાના ભાગે પથ્થરો વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા ત્રણ જવાનોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે જયારે બાકીના તમામને સારવાર આપી રજા આપી દેવામાં આવી છે.

અચાનક જ શરૂ થયેલા પથ્થરમારા બાદ આ વિસ્તારમાં અફડાતફડીનો માહોલ જાવા મળ્યો હતો જાકે ગણતરીની મીનીટોમાં જ આટલા બધા પથ્થરો આવ્યા ક્યાંથી તે અંગે પણ પોલીસે તપાસ શરૂ  કરી છે તથા વિડીયો કુટેજમાં પથ્થરમારો કરતા દેખાઈ રહેલા શખ્સોની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આજે સવારથી જ ફરી એક વખત આ વિસ્તારમાં તોફાની તત્વોને શોધવા માટે પોલીસ અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહયું છે. રાજયના પોલીસવડાએ અમદાવાદ શહેરમાં ગઈકાલે થયેલા તોફાનો બાદ એસઆરપીની વધુ બે ટુકડીઓ ફાળવી છે અને આ તમામ જવાનોને તોફાનગ્રસ્ત વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે.

ગઈકાલના તોફાન બાદ આજે સવારથી જ આ તમામ વિસ્તારોમાં જનજીવન રાબેતા મુજબ જાવા મળી રહયું છે અને તમામ દુકાનો અને બજારો ખુલી જતા લોકો જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ખરીદતા જાવા મળ્યા હતાં તેમ છતાં શહેર પોલીસ કમિશ્નરે સમગ્ર શહેર પોલીસને સ્ટેન્ડ ટુ નો આદેશ આપેલો છે અને તોફાનીતત્વો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ બાદ સમગ્ર વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.