Western Times News

Gujarati News

અમદાવાદમાં ડબલ સિઝનઃ વહેલી સવારે અને રાત્રે ઠંડી, દિવસે ગરમી

સૂર્યની ઉત્તર તરફની ગતિ રહેતાં દિવસનું તાપમાન વધીને ગરમી લોકોને પરેશાન કરી શકે છે

(એજન્સી)અમદાવાદ, શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ડબલ સિઝનનો વાવર છે, કેમ કે વહેલી સવારે અને રાત્રે વાતાવરણમાંનીઠંડક શિયાળાનો અહેસાસ કરાવે છે, જયારે જેમ જેમ સૂર્યનારાયણ આકાશમાં ઉપર ચડતા જાય છે તેમ તેમ ગરમીની તીવ્રતા વધતી જાય છે એટલે દિવસ દરમિયાન લોકો ગરમી અનુભવી રહ્યા છે. જોકે આ ડબલ સિઝનના હિસાબે શહેરમાં ફરીથી વાઈરલ ઈન્ફેકશનના કેસ વધ્યા છે. તાવ, ખાંસી, શરદીના દર્દીઓથી સરકારી અને ખાનગી દવાખાના ઉભરાઈ રહ્યાં છે.

આજે શહેરમાં ૧૭.૭ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધુ હતું. આજની સવારે અમદાવાદીઓ માટે ઠંડક લઈને આવી હતી. આગામી દિવસોમાં ઠંડી ૧૭થી ૧૮ ડિગ્રીની વચ્ચે રહેનાર હોઈ આવી આહ્‌લાદક ઠંડી અમદાવાદમાં જળવાઈ રહેશે, જયારે ગઈકાલે ગરમી ૩૦ ડિગ્રી જેટલી નોંધાઈ હતી. આગામી ૧ર ફેબ્રુઆરી સુધી શહેરમાં ૩૦ થી ૩૧ ડિગ્રીની વચ્ચે ગરમી પડી શકે છે. એટલે દિવસ દરમિયાન લોકો ગરમી અનુભવશે.

રાજયમાં કડકડતી ઠંડી જણાતી નથી અને સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી લઘુતમ તાપમાનમાં ઉલ્લેખનીય ફેરફાર થવાનો નથી એટલે અત્યારની ઠંડી અને ગરમી જળવાઈ રહેશે. બીજા અર્થમાં અમદાવાદની જેમ ગુજરાતમાં પણ ઠંડી અને ગરમીનું મિશ્ર હવામાન ચાલુ રહેવાનું છે.

રાજયના પાટનગર ગાંધીનગરમાં આજે ૧પ.૮ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. આટલી ઠંડી સાથે ગાંધીનગર રાજયનું કોલ્ડેસ્ટ શહેર બન્યું હતું. રાજયના અન્ય પ્રમુખ શહેરોની ઠંડી તપાસતા અમરેલીમાં ૧૭.૬, વડોદરામાં ૧૭, ભાવનગરમાં ૧૯.૮, ભુજમાં ૧૮.૮, દમણમાં ૧૮.૬, ડીસામાં ૧૮.ર, દિવમાં ૧૭.૪, દ્વારકામાં ર૧.૮, કંડલામાં ર૦.ર, નલિયામાં ૧૬.૧ અને ઓખામાં ર૧.૭ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.