Western Times News

Gujarati News

પંજાબી મહિલાએ ૯૮ લાખનો ચૂનો ચોપડ્યો

મહેસાણા, મહેસાણામાં રહેતા એક પંજાબી પુરુષ સાથે પંજાબની જ એક મહિલાએ છેતરપિંડી કરી છે. પંજાબી પુરુષે પત્નીનું અવસાન થયા બાદ એકલતા દૂર કરવા માટે બીજા લગ્ન કર્યા હતા. બીજી પત્નીએ વિવિધ બહાના કાઢીને ૮૯.૯૩ લાખ રૂપિયા પડાવ્યા હતા અને ૯ લાખની કિંમતના ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ હતી.

જેથી આ આધેડ વયના શખ્સે મહેસાણાની બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. મહેસાણાની રાજધાની ટાઉનશીપમાં અનમોલ બંગલોઝમાં રહેતા ૫૮ વર્ષીય હુકુમસિંહ જાગીરસિંહ વિરદી સાથે આ છેતરપિંડીની ઘટના બની છે. પંજાબના ફિરોજપુર જિલ્લાના લહેરા રોહી ગામના તેઓ વતની છે.

તેઓ મહેસાણમાં નાની દાઉ ગામની સામે વિશ્વકર્મા મોટર વર્કશોપ ચલાવે છે. તેમના પત્ની મનજીતકૌર અને મોટા પુત્રનું ૨૦૨૧માં કોરોના કાળમાં અવસાન થયું હતું. એકલતા દૂર કરવા અને પૌત્રીની સંભાળ લેવા માટે તેમણે બીજા લગ્ન કરવાનું વિચાર્યું હતું.

જેથી ઓક્ટોબર ૨૦૨૨માં શાદી ડોટ કોમ એપ્લિકેશન પરથી લાયક જીવનસાથીની શોધ શરૂ કરી હતી. આ દરમિયાન પંજાબના લુધિયાણા જિલ્લાના બીજા ગામના મનદીપકૌર બલજિંદરસિંહ સિદ્ધુ સાથે મેટ્રિમોનિયલ સાઈટ પર તેમની મુલાકાત થઈ.

બંનેએ મોબાઈલ પર વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. લગ્નનું નક્કી કરવા તેઓ લુધિયાણાની એક હોટલમાં મળ્યા હતા. બાદમાં તેમને લુધિયાણામાં જ શિલ્પા સોહનલાલ પ્રશાર (શર્મા)ના ઘરે મળવા બોલાવ્યા હતા. શિલ્પાની ઓળખ મનદીપકૌરે બહેનપણીની પુત્રી તરીકે આપી હતી. ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ હુકુમસિંહ અને મનદીપકૌરના લગ્ન ફિરોજપુરના જીરા ખાતે ગુરુદ્વારામાં થયા હતા.

બાદમાં મનદીપકૌર મહેસાણા રહેવા આવી ગઈ હતી. જોકે, કોઈને કોઈ કારણોસર તેણે હુકુમસિંહને શારીરિક સંબંધ નહોતો બાંધવા દીધો. મનદીપકૌર અવારનવાર પંજાબ આવતી-જતી હતી. તેની સાથે શિલ્પાની પણ અવરજવર રહેતી હતી. અવારનવાર સગાની બીમારીના બહાના હેઠળ હુકુમસિંહ પાસેથી તેના તથા શિલ્પાના બેંક અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતી હતી.

આ રીતે ઓનલાઈન અને રોકડ મળીને કુલ ૮૯,૯૩,૫૦૦ રૂપિયા મેળવ્યા હતા. બાદમાં મનદીપકૌરના પુત્ર ગુરપ્રિતની સગાઈ માટે ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ દંપતી અને શિલ્પા પંજાબના દોરાહા મંડી ગયા હતા. એ સમયે મનદીપકૌરે હુકુમસિંહના મૃતક પુત્ર સુખવિંદરસિંહ તથા તેની પત્નીના ૧૮ તોલા (૯ લાખ રૂપિયાની કિંમતના)ના ઘરેણાં પહેરવા માટે લીધા હતા.

પરંતુ ત્યાં સગાઈ યોજાઈ જ નહોતી. બીજા દિવસે હુકુમસિંહ મહેસાણા આવી ગયા જ્યારે મનદીપકૌર થોડા દિવસ પછી આવશે એમ કહીને રોકાઈ હતી. બાદમાં કેટલાય દિવસો વિત્યા પણ તે પાછી ના આવી અને વિવિધ બહાના બતાવતી રહી. જેથી તપાસ કરતાં હુકુમસિંહને ખબર પડી કે, મનદીપકૌર પૈસા પડાવીને છેતરપિંડી કરવાની ટેવવાળી હોવાનો ખુલાસો થયો હતો.

જેથી તેમણે તેની સામે મહેસામાની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મનદીપકૌર, શિલ્પા પ્રશાર તેમજ ગુરુપ્રિતસિંહ સામે ૯૮,૯૩,૫૦૦ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.