Western Times News

Gujarati News

એક નવી શરૂઆત-અપેક્ષાથી મુક્ત જીવન એટલે, તંદુરસ્ત સંબંધોની શરૂઆત.

જીવનનો એક પડાવ જે એક નવું સાહસ બની શકે છે . .એક નવો પડકાર ,એક નવો રસ્તો અને નવી ઈચ્છાની પરિપૂર્તિની શરૂઆત થઇ શકે છે .અપેક્ષા વગરનું જીવન એટલે મુક્ત મને ઉડતું પંખી.

મન ક્યારેય થાકતું નથી થતું .પણ . .મનના ઉજાસ અને ચમક ત્યારે ઝાંખા થવાં લાગે છે ,જયારે વ્યક્તિ અફસોસ કરવાં લાગે છે કે . .અરે હું કશું જ માણ્યાં વગર વૃદ્ધ થઇ ગયો .આવાં વ્યક્તિ હકીકતમાં માનસિક અને શારીરિક રીતે પોતાની જાતને મરી ગયેલા સમજતાં હોય છે .

મારા મતે તો વૃદ્ધ થવું એટલે વધુ સમજણ અને વધુ ડાહપણ સાથે જીવનને આવકારવું .લોકો જયારે એવું માનવા લાગે છે ,હું નિવૃત થઈશ પછી શું કરીશ . .!કાયાકલ્પની શક્યતા રહી નથી . .! સમય કેવી રીતે પસાર કરીશ . .!

ત્યારે નક્કી સમજજો ,તમારા મગજે વિચારોનું દેવાળું ફૂક્યું છે .તમે જે ચાલીસ વર્ષે પ્રાપ્ત કરી શકો છો તેના કરતાં વધારે સાઇઠ વર્ષે વધારે પ્રાપ્ત કરી શકો છો .
જે લોકો આવું નથી વિચારતાં અથવા આનાથી વિપરીત વિચારે છે . .એ લોકો કાળક્રમે અંદરથી સડી જાય છે .કેટલીક વાર એટલા માટે નિવૃત થયા બાદ લોકો થોડાક સમયમાં ડિપ્રેશનનો ભોગ બને છે .આપણે જેવું વિચારીયે છીએ એવું જ આપણી જોડે થાય છે .એ સત્ય હકીકત છે.

કોઈપણ કામ શરૂ કરતાં પહેલા કોઈ જયારે એવું કહે ,હવે હું ઘરડા થઇ ગયો . .એના બદલે એવું કહે કે હું વધુ પરિપક્વ બન્યો . એ વધુ યોગ્ય ગણાશે .વૃદ્ધત્વ એ એક સ્વાભાવિક સ્થિતિ છે, પણ એને ઉમળકાપૂર્વક સ્વીકારવાનું કૌવત બહુ ઓછા લોકોમાં હશે . આ મારું માનવું છે.

પોતાના લોકોને પોતાના જીવનની મોટાભાગની સફળતાનો શ્રેય આપવો . .એ એમની દિલથી કદર કર્યા બરોબર છે .કુટુંબમાં નાના – મોટા સૌને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાનો અધિકાર છે . .નિવૃત્તિનો સમય આ અધિકારમાં રહી ગયેલી કચાશ પુરી કરવાંમાં વપરાય તો ,નજીકના લોકોની તમારા અંગેની કેટલીય ગેરસમજ દૂર થઇ જાય એની મને ખાતરી છે .

આરામનો અતિરેક એક પીડા છે . .સજાગતા સાથે કરવામાં આવેલાં સત્કાર્ય નિવૃત્તિની આ પીડા નો ઈલાજ માત્ર છે .સુખ આપીને સુખ મેળવવું . .આ વિચાર એ તમારી માનસિકતાનું સ્તર કેટલું છે એ દર્શાવે છે .

મનુષ્યની ભૂખ હોલવવી એ સત્કર્મ છે ,પણ અબોલ પશુ – પંખીની ભૂખ હોલવવી એ તો એથીયે ચડિયાતું સત્કર્મ છે .નિવૃત્તિનો સમય આવા કાર્યોથી અનોખો સંતોષ આપશે .

મારા મતે મનુષ્યની સૌથી મોટી સંપત્તિ છે . સહાનુભૂતિપૂર્ણ હમસફર .જીવનયાત્રાની અડધી તકલીફ આવો હમસફર મળ્યે દૂર થઇ જાય છે .ભૂતકાળની સ્મૃતિ મધુર કદાચ ના પણ હોય , પણ . અત્યારની ક્ષણો ખોઈ દેશો તો એનું મૂલ્ય તમને મોડેથી સમજાશે ,તેથી હમસફર જોડે મિત્રતાનો પાયો મજબૂતાઈથી નાખજો . જે જેવું છે એનો સ્વીકાર તમારા સુંદર વ્યવહારની નિશાની છે .જો તમારી પાસે સંતોષી મન છે તો , જીવનનો આનંદ માણવા માટેની તમારી પાસે પૂરતી સંવેદનાઓ છે .

સમાજમાં નિવૃત્તિ કે રિટાયરમેન્ટનું આખું ચિત્ર જ બેરંગ બનાવવામાં આવે છે . તમે આવા કોઈ ચિત્ર સામે ના જોતાં .કારણકે એ ખોટું છે તમને ભ્રમિત કરનારું છે . વૃદ્ધત્વ એટલે શું મુત્યુને આવકારવાનો સમય . ??? બિલકુલ નહીં ,એતો છે જીવનને આવકારવાનો અવસર .તમે તમારી જાતને વધુ સુખી ,વધુ સફળ અને વધુ શક્તિશાળી બનતાં જુવો .આ ઉંમરને પોતાની પ્રતિભા અને અનોખું ગૌરવ છે ,જે ક્યારેય ઘરડાં નથી થતાં નિવૃત્તિ એટલે એક નવો રસ્તો અને તમે મનના ખૂણામાં

સંતાડેલા તમામ સ્વપ્નની પરાકાષ્ઠા .
નવા રસ્તાની શોધ કરવાની સાથે સાથે દ્રઢ સંકલ્પ કરવો એ પણ એટલોજ મહત્વનો છે .સંકલ્પના બળે વ્યક્તિને પોતાની અંદર છુપાયેલી ઈચ્છા શક્તિને મજબૂત બનાવી શકે છે .કોઈપણ તકલીફ એ ભલે શારીરિક હોય કે આર્થિક હોય એની સામે કેવી રીતે ઝઝૂમીને આગળ વધવું એ જરૂર શીખવા મળશે . .એમાં બેમત નથી .નિવૃત્તિની ક્ષણોમાં તકલીફો તો હોવાની જ, પણ ધ્યેયપ્રાપ્તિ આડે આવી તકલીફોને અવગણીશું તોજ આપણાં મિત્રો વચ્ચે એક નવી ઓળખ ઉભી કરી શકીશું .

કેટલીક વાર આપણી ઉંમરનો મિત્રો પોતાની આંતરિક અને બાહ્ય પરિસ્થિતિની કંટાળીને નકારાત્મક અભિગમ તરફ વધુ ઝૂકી જાય છે .આવા સમયે એની પડખે ઉભા રહી એને સપોર્ટ કરવો એ આપણી નૈતિકતા નું ઉદાહરણ બને છે .સૌને સાથે લઈને ચાલવાથી તમને અનોખો સંતોષ મળશે.

નિવૃત્તિના સમયે કેટલાંક લોકો જવાબદારીના બોજ નીચે વધુ ને વધુ દબાતાં જતાં હોય એવું લાગે છે .જવાબદારી સંવેદનશીલ વ્યક્તિનો પીછો નથી છોડતી એ સત્ય હકીકત છે .આખી જિંદગી જે જે જવાબદારીઓને પોતાનું કર્તવ્ય સમજીને નિભાવી એ બીજાને સુપ્રત કરવી તો છે . .પણ એ હાથ કે ખભો ક્યાંય એમને નજરે નથી પડતો . આવા સમયે સમજણ સાથેની વાતચીત જરૂર કંઈક રસ્તો કાઢશે .માનીયે એટલું આ સરળ નથી એ સૌને ખબર છે , પણ ક્યારેક તો આ વાત અન્યને કહેવી જ પડશે . મનની વાતો બીજાને કહેવામાં સાચા સમયની પરખ કરી . . વાત કહેવાથી મન પરનો બોજ જરૂર હળવો થશે .

રિટાયરમેન્ટ . .એટલે કે નિવૃત્તિ .

માણસની જિંદગીની દોડ નો એક એવો વિરામ છે જ્યાં વ્યક્તિને વિસામો અને છાંયડો બન્નેની અપેક્ષા જાગે છે .વ્યક્તિને આંતરિક શાંતિ તરફ લઇ જતા રસ્તાની શોધ હોય છે. નિવૃત્તિના સમયમાં તમારે સારા અને સાચા મિત્રો છે તો તમે . .ખુબ સમૃદ્ધ છો પણ ,તમારી મિત્રો ની યાદી જો ટૂંકી છે તો પુસ્તકો તમારા સૌથી બેસ્ટ મિત્રો બનીને રહેશે .પુસ્તકો આપણાં મહાપુરુષોનો અમૂલ્ય વારસો છે ,જે વાંચવાથી વ્યક્તિએ પ્રવૃતિશીલ બનીને જ સફળ થવાય એ બોધ મળે છે . પેન્ટિંગ ,ગાર્ડનિંગ અને બીજા કેટલાય ક્રિયેટિવ કાર્યો વ્યક્તિને માનસિક રીતે એક્ટિવ બનાવે છે .મ્યુઝિક સાંભળવું કે કોઈ વાજિંત્ર વગાડવું હદયને સાચી ટાઠક આપે છે .

કેટલીકવાર વ્યક્તિ નિવૃત થઇ ઈશ્વર પાસે માંગણીઓનું પોટલું લઈને પહોંચી જાય છે .આ સમય ઈશ્વરને ફરિયાદ કરવાનો નહીં પણ , અત્યાર સુધી એણે આપણને જે આપ્યું એના માટે આભાર વ્યક્ત કરવાનો અવસર છે .ઈશ્વર તરફનું સંપૂર્ણ સમપર્ણએ સાચું સુખ છે .

આ સમયગાળા દરમિયાન તમારી સહજવૃતિને વધુ અસરદાર બનાવવાની જરૂર છે .ફરજ અને જવાબદારીના પીંજરામાંથી બહાર નીકળી ક્ષમાપનાની યાત્રામાં જોડાઈ જશો તો જીવવાની મઝા આવશે .મેં કેટલીક વાર જોયું છે ,આ સમયગાળામાં વ્યક્તિ , પશ્ચાત્તાપ કરીને શુદ્ધ થવાની દોડમાં જોડાઈ જાય છે . .પછી શરૂ થાય છે ઉપવાસ અને ભક્તિનો અતિરેક .આ વખતે પરિપક્વ અભિપ્રાય આપવો જરૂરી છે .

વ્યક્તિએ શારીરિક રીતે મજબૂત બને એ માટે પણ યોગ્ય કસરત અને શ્રમ જરૂર કરવો જોઈએ .મોર્નગવાક સૌથી બેસ્ટ રસ્તો છે .સવારની શુદ્ધ હવા તમારામાં નવું જોશ ભરશે .આમ નિવૃત્તિનો સમય ડરી ડરીને જીવવાનું છોડી નીડર બનવાનો મોકો છે .ફૂટબોલની રમતની જેમ જીવનમાં પણ એ સિધ્ધાંતને અનુસરો . .લાઈન પર મજબૂતાઈથી ફટકો મારો .પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખો .બુદ્ધિની ચકાસણી છોડી આત્મગૌરવની લાગણી વધે એ માર્ગ અપનાવવો . જીવન જીવવાની કળામાં . .નિવૃત થઈને એટલે કે પરિપક્વ બનીને જીવવાની કળા મુખ્ય છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.