Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર થતા ફેન્સના દિલ તૂટ્યા

બિનોની, ૧૯ નવેમ્બર ૨૦૨૩ના ઓસ્ટ્રેલિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપની ફાઈનલમાં ભારતને કારમો પરાજય આપી અનેક ફેન્સના દિલ તોડી નાખ્યા હતા. હવે તેના ત્રણ મહિના બાદ ફરી વિશ્વકપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો છે.

હવે અન્ડર-૧૯ વિશ્વકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ કમાલનું પ્રદર્શન કરતા ભારતીય ટીમનું ટાઈટલ જીતવાનું સપનું તોડી નાખ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૫૩ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ ૧૭૪ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેણે ૭૯ રને હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા ચોથીવાર અન્ડર-૧૯ વિશ્વકપમાં વિજેતા બન્યું છે.

ઓસ્ટ્રેલિયાએ આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. અર્શિન કુલકર્ણી ૩ રન બનાવી કેલમ વિડલરનો શિકાર બન્યો હતો. ભારતે ધીમી શરૂઆત કરી અને પ્રથમ પાવરપ્લેમાં માત્ર ૨૮ રન બનાવ્યા હતા. ભારતને ૪૦ રનના સ્કોર પર મુશીર ખાનના રૂપમાં મોટો ઝટકો લાગ્યો હતો. મુશીર ૩૩ બોલમાં ૩ ચોગ્ગા સાથે ૨૨ રન બનાવી આઉટ થયો હતો.

સેમીફાઈનલમાં ભારતને શાનદાર જીત અપાવનાર ઉદય સહારન અને સચિન ધસ પણ ફાઈનલમાં સારૂ પ્રદર્શન કરી શક્યા નહીં. ઉદય સહારન માત્ર ૮ રન બનાવી આઉટ થયો હતો. જ્યારે સચિન ધસ ૯ રન બનાવી આઉટ થયો હતો. ભારતે ૬૮ રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

ભારતને પાંચમો ઝટકો પ્રિયાંશુ મોલિયાના રૂપમાં લાગ્યો હતો. મોલિયા ૨૧ બોલમાં ૯ રન બનાવી આઉટ થયો હતો.
ભારતીય ઓપનર આદર્શ સિંહે ખુબ ધીમી શરૂઆત કરી હતી. સિંહ શરૂઆતમાં સંઘર્ષ કરી રહ્યો હતો. પરંતુ તે ભારતની સાતમી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. આદર્શ સિંહે ૭૭ બોલમાં ૪ ફોર અને ૧ સિક્સ સાથે ૪૭ રન બનાવ્યા હતા. તે બ્રેડમેનનો શિકાર બન્યો હતો.

રાજ લિંબાણી શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. મુરુગન અભિષેકે ૪૬ બોલમાં ૫ ચોગ્ગા અને ૧ સિક્સ સાથે ૪૨ રન બનાવ્યા હતા. સૌમ્ય પાંડે અંતિમ વિકેટના રૂપમાં આઉટ થયો હતો.

અન્ડર-૧૯ વિશ્વકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૫૩ રન બનાવ્યા હતા. આ અત્યાર સુધી રમાયેલા અન્ડર-૧૯ વિશ્વકપનો સૌથી મોટો સ્કોર છે. ઓસ્ટ્રેલિયા તરફથી હરજાસ સિંહે અડધી સદી ફટકારી હતી. સિંહે ૬૪ બોલમાં ૩ ફોર અને ૩ સિક્સ સાથે ૫૫ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન હ્યુજ વેઇબજેને પણ ૬૬ બોલમાં ૫ ચોગ્ગાની મદદથી ૪૮ રન ફટકાર્યા હતા.

આ સિવાય ઓપનર હેરી ડિક્ષોને ૫૬ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ સિક્સ સાથે ૪૨ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમે પણ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી.

રોફ મેકમિલન ૨, અને વિકેટકીપર રેયાન હિક્સ ૨૦ રન બનાવી આઉટ થયા હતા. અંતિમ ઓવરોમાં ઓલિવર પીકે એક છેડો સાચવી ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૨૫૦ને પાર પહોંચાડ્યો હતો. પીક ૪૩ બોલમાં ૨ ફોર અને ૧ સિક્સ સાથે ૪૬ રન બનાવી અણનમ રહ્યો હતો.

ભારત તરફથી રાજ લિંબાણીએ ૧૦ ઓવરમાં ૩૮ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય નમન તિવારીને ૨ તથા મુશીર ખાન અને સૌમ્ય પાન્ડેને એક-એક વિકેટ મળી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.