Western Times News

Gujarati News

મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વૈદિક ઋષિ નહીં, પરંતુ ભારતીય ચેતનાના ઋષિ હતા

 દેશ આજે સ્વામી દયાનંદજીની ૨૦૦મી જન્મજયંતી મનાવી રહ્યો છે.

લાલા લજપતરાય, રામપ્રસાદ બિસ્મિલ, શ્રદ્ધાનંદજી જેવા ક્રાંતિકારીઓની એક શ્રુંખલા દયાનંદજીના વિચારોથી પ્રભાવિત થઈ રાષ્ટ્રસેવામાં સમર્પિત થયા હતા.

નારી શક્તિ વંદન અધિનિયમ પાસ કરી મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં મહિલા આરક્ષણ પૂરું પાડવામાં આવ્યું

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતી માટે  કાર્ય કરી રહ્યા છે- મહર્ષિના જન્મ સ્થળ-મહોત્સવના સ્થળેથી દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનો સંદેશો મળી રહ્યો  છે

વિશ્વ વિભૂતિ એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મ જયંતી અન્વયે ટંકારા ખાતે ભવ્યાતિભવ્ય જન્મોત્સવ-સ્મરણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ મહોત્સવના દ્વિતીય દિવસે આર્ય સમાજના સંસ્થાપક અને મહાપુરુષ એવા દયાનંદ સરસ્વતીજીને સ્મરણાંજલિ અર્પણ કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આર્ય સમાજના અનુયાયીઓને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા હતા. ગુજરાતના  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે બીજા દિવસે કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દેશ આજે સ્વામી દયાનંદજીની ૨૦૦મી જન્મજયંતી મનાવી રહ્યો છે. આજે મારા માટે ટંકારા પહોંચવું સંભવ ન હતું, પરંતુ હું મન, હ્રદયથી તમારી વચ્ચે જ છું. આજે સ્વામીજીના યોગદાનો યાદ કરવા આર્ય સમાજ આ મહોત્સવ મનાવી રહ્યો છે એ વાતનો મને ખૂબ જ આનંદ છે. આ આયોજન નવી પેઢી માટે દયાંદનજીના જીવનથી પરિચિત થવાનું માધ્યમ બનશે એવો મને વિશ્વાસ છે. દયાનંદજીની જન્મભૂમિ ગુજરાતમાં જ જન્મ અને તેઓની કર્મભૂમિ હરિયાણામાં પણ લાંબા સમય સુધી કાર્ય કરવાનો અને જાણવાનો મને અવસર મળ્યો છે એ મારા માટે સૌભાગ્યની વાત છે.

જીવનમાં દયાનંદજીના પ્રભાવ વિશેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ઈતિહાસમાં કોઈ એવો દિવસ, પળ, કે ક્ષણ હોય છે જે ભવિષ્યની દિશા બદલી શકે છે. સ્વામી દયાનંદજીનો જન્મ પણ આવી જ અભૂતપૂર્વ ક્ષણ હતી. સમાજનો એક વર્ગ જયારે સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાથી દૂર જઈ રહ્યો હતો ત્યારે દયાનંદજીએ ‘વેદો તરફ પાછા વળો’ નો મંત્ર આપી રૂઢિઓ પર પ્રહારો કર્યા હતા, જેના કારણે આજે લોકો વૈદિક ધર્મને જાણતા અને અનુસરતા થયા છે.

અંગ્રેજી હકુમત જ્યારે ભારતીય સંસ્કૃતિને હીન બતાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે લાલા લાજપતરાય, રામપ્રસાદ બિસ્મિલ, શ્રદ્ધાનંદજી જેવા ક્રાંતિકારીઓની એક શ્રૃંખલા દયાનંદજીના વિચારોથી પ્રભાવિત થઈ રાષ્ટ્રસેવા માટે તૈયાર થઈ રહી હતી. મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વૈદિક ઋષિ જ નહિ પરંતુ રાષ્ટ્રચેતનાના ઋષિ પણ હતા. ભારત આજે અમૃતકાળના પ્રારંભના વર્ષમાં છે ત્યારે ઉજ્જવળ ભવિષ્યનું સપનું જોનારા દયાનંદજીના સ્વપ્નના ભારતનો આ અમૃતકાળમાં વિકાસ થાય એવો વડાપ્રધાનશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આજે દેશ-દુનિયામાં આર્ય સમાજના ૨.૫ હજાર સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ તથા ૪૦૦થી વધારે ગુરુકુળોમાં હજારો વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આર્ય સમાજ ૨૧મી સદીમાં નવી ઊર્જા સાથે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી ઉપાડે એજ દયાનંદજીને સાચી શ્રદ્ધાંજલિ હશે. આર્ય સમાજના વિદ્યાલયો, કેન્દ્રો સમાજને જોડી લોકલ ફોર વોકલ, આત્મનિર્ભર ભારત, પર્યાવરણ માટે પ્રયાસ, જલ સંરક્ષણ, સ્વચ્છ ભારત અભિયાન, મિશન લાઇફ, મિલેટ્સ અન્ન પ્રોત્સાહન, યોગ વગેરેમાં મોટી ભૂમિકા નિભાવી શકે છે.

આર્ય સમાજની સ્થાપનાના ૧૫૦મા વર્ષનો આરંભ થઈ ગયો છે. આ અવસરને યાદગાર બનાવવા દરેક યુવાનો પ્રાકૃતિક ખેતી વિશેની જાણકારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પણ આ દિશામાં સક્રિય પ્રયત્નો કરી રહ્યા છે. સ્વામીજીની જન્મભૂમિ ટંકારાથી દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતીનો સંદેશો મેળવે તેમ તેઓએ ઉમેર્યું હતું. દેશની દીકરીઓ આગળ વધે તે માટે નારી શક્તિ વંદન અધિનિયમ પાસ કરી લોકસભા અને વિધાનસભામાં મહિલા આરક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. “મેરા યુવા ભારત”માં  આર્ય સમાજના વિદ્યાર્થીઓ પણ જોડાય એવો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાસંગિક ઉદ્ધબોધન કરતાં જણાવ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો દેશની સમૃદ્ધિ તથા ઉન્નતિમાં અનન્ય ફાળો રહ્યો છે. તેઓએ ૧૮૭૫ માં મુંબઈ ખાતે આર્ય સમાજની સ્થાપના કરી જયારે ૧૮૭૯ માં હરિયાણાના રેવાડીમાં દેશની સૌ પ્રથમ ગૌશાળાનું નિર્માણ કર્યું. મુગલો અને અંગ્રેજો દ્વારા આર્થિક રીતે ખોખલા બનાવી દેવાયેલ ભારતની અર્થવ્યવસ્થા ફરી મજબૂત બને તે માટે મહર્ષિએ કૃષિ અને ગૌ સંવર્ધન પર વિશેષ ભાર મૂકી પ્રેરક પ્રયાસો હાથ ધર્યા.

૧૦ લાખ લોકોને ગૌ હત્યા ન કરવાના તેઓએ પ્રણ લેવડાવ્યા અને તેના હસ્તાક્ષર તેઓએ રાણી વિક્ટોરિયાને ઇંગ્લેન્ડ મોકલ્યા. કિસાનોને તેઓએ રાજાઓના રાજા કહ્યા.  આજે કેન્દ્ર તથા રાજ્યની સરકાર પણ ગૌ સંવર્ધન અને કૃષિ ક્ષેત્રે અનેક પગલાંઓ લઈ મહર્ષિ દયાનંદજીની ગૌસેવાની પરિકલ્પનાને સાકાર કરી રહી છે. સરકાર દ્વારા આગામી પાંચ વર્ષમાં સ્વાસ્થ્ય, પર્યાવરણ, પાણી અને ધરતીને બચાવવા પ્રાકૃતિક કૃષિનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવનાર છે સાથે સાથે વૈજ્ઞાનિક ઢબે અનેક આધુનિક પ્રયોગો સાથે ગાયોની નસલોનો વિકાસ અને વિસ્તાર પણ કરાશે.

આ પ્રસંગે મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગના કેન્દ્રિય મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ વિશ્વના ૧૭થી વધુ દેશો, સમગ્ર દેશ અને રાજ્યના ખૂણે ખૂણેથી આવેલા આર્ય સમાજના અનુયાયીઓનું સ્વાગત કરતાં જણાવ્યું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીજી, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીની ધરા એવા ગુજરાતમાં સૌનું અંતઃ કરણથી સ્વાગત કરું છું. આપણા દેશ પર હજારો વર્ષ સુધી મુગલો અને અંગ્રેજોએ શાસન કર્યું અને દેશને હાની કરવામાં કોઈ કચાસ ન રાખી. તેમ છતાં આપણી સંસ્કૃતિ ટકી રહી એની પાછળ મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવી વિભૂતિઓનું મહત્વનું યોગદાન રહ્યું છે.

શ્રી દયાનંદ સરસ્વતીનો મૂળ મંત્ર હતો ભારત તથા ભારતનો પ્રત્યેક નાગરિક બળવાન બનવો જોઈએ. જેના માટે તેમણે નિર્વ્યસની અને મજબૂત સમાજ રચના માટે અથાગ પ્રયાસો કર્યા, આપણી સંસ્કૃતિ અને વેદોને અર્વાચીન સમયમાં પુનઃ સ્થાપિત કરવા માટેનું ભગીરથ કાર્ય કર્યું.

વધુમાં તેમણે ઉમેર્યું કે, ગુજરાતના રોજડ ખાતે આવેલા આશ્રમમાં જવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. રોજડ આશ્રમના અનુયાયીઓએ વેદોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો જેનો એક ગુજરાતી તરીકે મને ગર્વ છે. જે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેનું વિમોચન કરવામાં આવ્યું હતું. સ્વામી દયાનંદ સરસ્વતીની પ્રેરણાથી શ્યામજી કૃષ્ણવર્માથી લઈને ભગતસિંહ સુધીના લડવૈયાઓ તૈયાર થયા અને દેશની આઝાદીની લડતમાં યાહોમ કરીને કૂદી પડ્યા.

ટંકારાની આ તીર્થભૂમિ પર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનુ જ્યોતિ તીર્થ નિર્માણ પામવા જઈ રહ્યું છે. ગુરુકુળ તેમજ તેમના વિચારો પ્રસ્થાપિત કરી, સાંભળી અને જોઈ શકાય તે માટે અદ્યતન સાધનોની સુવિધા અહીં વિકસાવાશે અને ગુજરાતની અંદર દેશનું અગત્યનું તીર્થ આકાર પામશે તે પણ સૌ ગુજરાતીઓ માટે ગૌરવની બાબત છે.

આ પ્રસંગે ટંકારા ખાતે આવેલા ઓવરબ્રિજને મહર્ષિ દયાનંદ સરસ્વતી સેતુ નામ આપવાની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય સર્વેશ્રી  દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, દર્શિતા શાહ, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, સિક્કિમના પૂર્વ રાજ્યપાલશ્રી ગંગાપ્રસાદ ચૌરસિયા, જિલ્લા કલેકટરશ્રી કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, આર્ય સમાજના અગ્રણીશ્રીઓ પૂનમ સૂરી, વિનય આર્ય, અજય શહગલ, સુરેશચંદ્ર આર્ય,  સુરેન્દ્રકુમાર આર્ય, ધર્માનંદજી આર્ય, શ્રી નંદિતાજી સહિત આર્ય સમાજના અગ્રણીશ્રીઓ તેમજ દેશ-વિદેશથી આવેલા મહેમાનશ્રીઓ  અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.