Western Times News

Gujarati News

હિંદુ – મુસ્લિમ બંને થઇ કુલ 11 જોડાઓ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં જોડાયા

પાલેજ ચિશ્તીયા નગર કમ્પાઉન્ડ ખાતે ચોખરું – સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સંપન્ન

(પ્રતિનિધિ) હાંસોટ, મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાલેજ ચિશ્તીયાનગર કમ્પાઉન્ડ ખાતે તા. ૧૧/૦૨/૨૦૨૪ ને રવિવારનાં રોજ ચોખરું સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ લગ્નોત્સવનું આયોજન પ્રેરણાનાં પથદર્શક રાજવલ્લભ, મહાત્મા,

આચાર્ય હિઝ હોલીનેસ ખ્વાજા મતાઉદ્દીન ઉર્ફે મોટામિયાં ચિશ્તી-ત્રીજા, હિઝ હોલીનેસ ખ્વાજા નિઝામુદ્દીન મોટામિયાં ચિશ્તી, તથા ચોખરાના પ્રણેતા હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી અને હાલનાં ચોખરાનાં પ્રમુખ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબ, મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનાં વર્તમાન ગાદીપતિ-

સજ્જાદાનશીન ખાનવાદા-એ-ચિશ્તીયા-ફરીદીયા-સાબિરીયા અને ઉત્તરાધિકારી ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. અહીં હિંદુ – મુસ્લિમ બંને થઇ કુલ ૧૧ જોડાઓ લગ્નગ્રંથિથી જોડાયા ત્યારે ચિશ્તીયાનગરની પવિત્ર ધરતી પર કોમી એકતાનાં દ્રશ્યો સર્જાયાં હતાં. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાનથી કરવામાં આવ્યો હતો.

સમારોહન્‌ મુખ્ય વક્તા ડૉ.મતાઉદ્દીન ચિશ્તી સાહેબે પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ દરેક સમાજને મદદરૂપ થઇ રહ્યું છે. અત્રે ઉપસ્થિત સૌનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે ‘યહી હૈ ઇબાદત, યહી દીનો ઇમાન, વકત પર કામ આયે ઇન્સા કો ઈન્સા’. નવ યુગલોનું સાંસારિક જીવન સુખમય અને સફળ નીવડે એ માટે દુઆઓ અર્પી હતી. તેમણે નવયુગલોને સંદેશ આપ્યો હતો કે સ્નેહ, સમજણ અને સૌહાર્દનાં સમન્વયથી જીવનનો ભવસાગર સફળ બનાવો, ભૂતકાળને ભૂલી વર્તમાનને યાદ કરી તમારા જીવનને આગળ ધપાવજો. સદર સમારોહને સફળ બનાવવા માટે યુવાનોની પ્રશંસા કરી સૌને અભિનંદન પાઠવ્યા હતાં.

સલીમ સેગવાવાલાએ ઉપસ્થિત અતિથિઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત ટ્રસ્ટીઓ તેમજ સખી દાતાઓનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યુ હતું. શિરહાન કડીવાલાએ સંસ્થા દ્વારા થઇ રહેલી સેવાકીય પ્રવૃતિઓ વિશે સુંદર ચિતાર રજૂ કર્યો હતો. ઇમરાન કડીવાલા તેમજ ઇમ્તિયાઝ મોદીએ વર્ષોથી ચાલતી ગાદીની અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ દરેક સમાજને મદદરૂપ થાય છે એમ જણાવ્યું હતું. આ તકે વિવિધ સમાજનાં યુવાનો તેમજ ટ્રસ્ટને મદદરૂપ બનનાર સખી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આગામી ચોખરું – વર્ષ ૨૦૨૬ માં જાહેર કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. દરેક યુગલને કુલર, તિજોરી, પલંગ તેમજ ઘર વસાવવા પૂરતો તમામ સામાન આપી બપોર બાદ વિદાય વખતે દરેક જોડાને ‘ઘરે ઘરે વૃક્ષ વાવો’ અભિયાન અંતર્ગત એક એક વૃક્ષ આપવામાં અર્પણ કરીને તેનું જતન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.