Western Times News

Gujarati News

આજથી હજારો ખેડૂતોની દિલ્હી તરફ કૂચ શરૂઃ શહેર ફરતે કિલ્લેબંધી

નવી દિલ્હી, ખેડૂતોના વિવિધ મુદ્દે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચેની વાતચીત ફરી એક વખત નિષ્ફળ ગઈ છે જેના કારણે ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરવાના છે. વર્ષ ૨૦૨૦-૨૧ જેવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે સરકારે દિલ્હી ફરતે કિલ્લેબંધી કરી દીધી છે.

ખેડૂતોને કોઈ પણ ભોગે શહેરમાં પ્રવેશતા અટકાવવા માટે હજારો પોલીસ કર્મચારી અને અર્ધલશ્કરી દળોની ટૂકડીઓ ગોઠવવામાં આવી છે. ખાદ્યાન્ન મંત્રી પિયૂષ ગોયલ અને કૃષિ મંત્રી અર્જુન મુંડાએ સોમવારે સાંજે ચંડીગઢમાં ખેડૂત આગેવાનો સાથે બેઠક કરી હતી, પરંતુ તેનો કોઈ હલ નીકળ્યો નથી.

તેથી ખેડૂતો પોતે આપેલી ચેતપણી મુજબ આજે દિલ્હી તરફ કૂચ કરવાના છે. આ વખતે ખેડૂત આંદોલનમાં લગભગ ૨૦૦થી વધારે સંગઠનો જોડાયા છે. મંગળવારે સવારે ૧૦ વાગ્યાથી ખેડૂતોની કૂચ શરૂ થશે અને તેને રોકવા માટે દિલ્હીમાં એન્ટ્રીના તમામ રસ્તા પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. હરિયાણાના અંબાલા ખાતે સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

નોઈડા ટ્રાફિક પોલીસે ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને લોકોને માત્ર મેટ્રો દ્વારા મુસાફરી કરવાની સલાહ આપી છે. જરૂરી માલસામાન ભરીને આવતા ટ્રક પણ ચોક્કસ રૂટ પરથી જ આવી શકશે. આજે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય પરિવહનને મોટા પ્રમાણમાં અસર થવાની શક્યતા દેખાય છે.

ખેડૂતોને બળજબરીથી પ્રવેશ કરતા રોકવા માટે અલગ અલગ પ્રકારના વિકલ્પો વિચારવામાં આવ્યા છે. કેટલાક રસ્તા પર વાહન ચાલી ન શકે તે માટે તેને ખોદી નાખવામાં આવ્યા છે અથવા સિમેન્ટના મોટા બેરિકેડ લગાવવામાં આવ્યા છે. અમુક જગ્યાએ રોડ પર લોખંડના ખીલા બેસાડવામાં આવ્યા છે. આ વખતે માર્ચના પહેલા જ દિવસે આશરે ૨૫૦૦ જેટલા ટ્રેક્ટરમાં બેસીને ખેડૂતો આવે તેવી શક્યતા છે.

ઈન્ટેલિજન્સ એજન્સીઓ ખેડૂતોની મુવમેન્ટ પર નજર રાખી રહી છે. આ આંદોલન થવા પાછળનું કારણ અનાજના ભાવની અનિશ્ચિતતા છે. ખેડૂતોની માંગ છે કે કૃષિ પેદાશો માટે લઘુતમ ભાવની એક ગેરંટી મળવી જોઈએ. આ મામલે સરકાર સાથે અત્યાર સુધીમાં થયેલી તમામ વાતચીત નિષ્ફળ ગઈ છે.

૨૦૨૦માં પણ આવી જ રીતે ખેડૂત આંદોલન થયું હતું. પરંતુ પછી સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચી લીધા હતા અને આંદોલન સમેટાઈ ગયું હતું. આ વખતે તમામ પાક માટે સ્જીઁ માટે કાયદાકીય ગેરંટી, સંપૂર્ણ દેવા માફીની માંગ કરવા માટે દિલ્હી ચલો આંદોલન કરવામાં આવે છે.

આ ઉપરાંત તેમની માંગણીઓમાં ખેડૂતો માટે પેન્શન, સ્વામીનાથન કમિશનની ફોર્મ્યુલાનો અમલ અને ૨૦૨૦ના વિરોધ દરમિયાન ખેડૂતો પરના કેસ પાછા ખેંચવાનો પણ સમાવેશ થાય છે. ૨૦૨૦ના આંદોલનનું નેતૃત્વ ભારતીય કિસાન યુનિયન તથા સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે દિલ્હી ચલો વિરોધનું નેતૃત્વ વિવિધ યુનિયનો દ્વારા કરવામાં આવી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.