Western Times News

Gujarati News

આશા પારેખે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી

મુંબઈ, દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખને રવિવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અહીં તેમને બ્રેસ્ટ કેન્સરની સારવાર કરાવી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ૮૨ વર્ષીય અભિનેત્રીને રવિવારે સવારે ૮ વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અહીંના ઓપરેશન થિયેટરમાં બે કલાક સુધી તેમની સર્જરી કરવામાં આવી હતી.

૬૦ અને ૭૦ના દાયકાની સૌથી પ્રખ્યાત અભિનેત્રી આશા પારેખને ૨૦૨૨માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ ભારતીય ફિલ્મ ઉદ્યોગનો સર્વોચ્ચ એવોર્ડ છે. આ એવોર્ડ અભિનેત્રીને ફિલ્મ ઉદ્યોગમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યો હતો.

આશા પારેખને ૬૮મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. દાદાસાહેબ ફાળકેથી સનમાનિત થનાર છેલ્લી મહિલા ગાયિકા આશા ભોંસલે હતાં. તેમને ૨૦૦૦માં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આશા પારેખ પહેલાં આશા ભોંસલે, લતા મંગેશકર, દુર્ગા ખોટે, કાનન દેવી, રુબી મેયર્સ, દેવિકા રાની પણ આ એવોર્ડ મેળવી ચૂક્યાં છે. દેવિકા રાની વર્ષ ૧૯૬૯માં આ એવોર્ડ મેળવનારાં પ્રથમ અભિનેત્રી હતાં.

આશાનો જન્મ ૨ ઓક્ટોબર ૧૯૪૨ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. ગુજરાતી પરિવારમાં જન્મેલા આશા હાલમાં ડાન્સ એકેડમી ‘કારા ભવન’ ચલાવી રહી છે. આ ઉપરાંત તેમની હોસ્પિટલ ‘મ્ઝ્રત્ન હોસ્પિટલ એન્ડ આશા પારેખ રિસર્ચ સેન્ટર’ પણ મુંબઈના સાંતાક્રુઝમાં ચાલી રહી છે.

આશા ઇન્ડસ્ટ્રીમાં ‘જ્યુબિલી ગર્લ’ તરીકે પણ જાણીતાં છે. આ કારણ છે કે તેમની ફિલ્મો ૨૫ અઠવાડિયાંથી વધુ સમય સુધી થિયેટરોમાં ચાલી હતી. આશાએ માત્ર ૧૦ વર્ષની ઉંમરે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

તેમણે ૧૯૫૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આસમાન’માં પહેલીવાર બાળકલાકાર તરીકે કામ કર્યું હતું. આ પછી તેમણે બિમલ રોયની ફિલ્મ ‘બાપ બેટી’ (૧૯૫૪) માં કામ કર્યું, પરંતુ એ ફિલ્મ ફ્લોપ થવાને કારણે તેઓ એ હદે નિરાશ થયાં કે ફિલ્મોમાં કામ ન કરવાનો નિર્ણય લીધો.

આ પછી તેમણે ૧૬ વર્ષની ઉંમરે ફિલ્મોમાં પાછા ફરવાનું નક્કી કર્યું. તેઓ વિજય ભટ્ટની ફિલ્મ ‘ગુંજ ઊઠી શહનાઈ’ (૧૯૫૯)માં કામ કરવા માગતા હતા, પરંતુ દિગ્દર્શકે તેમને એવું કહીને તક આપી ન હતી કે તેઓ સ્ટાર મટીરિયલ નથી. જોકે બીજા જ દિવસે, નિર્માતા સુબોધ મુખર્જી અને દિગ્દર્શક નાસિર હુસૈને તેમને તેમની ફિલ્મ ‘દિલ દેકે દેખો’ (૧૯૫૯)માં સાઈન કર્યાં.

આ ફિલ્મમાં આશા પારેખની સામે શમ્મી કપૂર હતા. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ અને આશા રાતોરાત બોલિવૂડની સુપરસ્ટાર બની ગઈ. આ ફિલ્મ પછી હુસૈને આશાને ૬ વધુ ફિલ્મો આપી- ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ (૧૯૬૧), ‘ફિર વહી દિલ લાયા હૂં’ (૧૯૬૩), ‘તીસરી મંઝિલ’ (૧૯૬૬), ‘બહારોં કે સપને’ (૧૯૬૭). , ‘પ્યાર કા મૌસમ’ (૧૯૬૯) અને ‘કારવાં’ (૧૯૭૧) અને બધી બોક્સ ઓફિસ પર સફળ રહી.

આ સિવાય આશાએ પોતાના કરિયરમાં ‘કટી પતંગ’, ‘ઉપકાર’, ‘આન મિલો સજના’ અને ‘લવ ઇન ટોકિયો’ જેવી સુપરહિટ ફિલ્મો પણ આપી.

લાઇફટાઇમ અચીવમેન્ટ અને પદ્મશ્રી એવોર્ડઃ તેમની ૪૦ વર્ષની કારકિર્દીમાં આશા પારેખે લગભગ ૯૫ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લે ૧૯૯૯માં આવેલી ફિલ્મ ‘સર આંખો પર’માં જોવા મળ્યાં હતાં. તેમને ૧૧ વખત લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.