Western Times News

Gujarati News

USA અલાબામા સ્ટેટમાં વધુ એક ગુજરાતી મોટલ માલિકની ઠંડા કલેજે હત્યા

અલાબામા સ્ટેટના શેફિલ્ડમાં મોટેલમાં રૂમ બાબતે બોલાચાલીમાં હત્યા થયાનું અનુમાન-અમેરિકન હત્યારો પકડાઈ ગયો

અમદાવાદ, અમેરિકામાં વધુ એક ગુજરાતીની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. અલાબામા સ્ટેટના શેફિલ્ડ શહેરમાં પોતાની મોટેલ ચલાવતા પ્રવીણ રાવજીભાઈ પટેલને 08 ફેબ્રુઆરી 2024ના દિવસે તેમની જ મોટેલમાં ગોળી મારવામાં આવી હતી.

આ મામલામાં પોલીસે 34 વર્ષના વિલિયમ મૂરે નામના એક અમેરિકન યુવકની ધરપકડ કરી છે. શેફિલ્ડ પોલીસના જણાવ્યા અનુસાર, પ્રવીણ પટેલ હિલક્રેસ્ટ મોટેલના માલિક હતા, જેમના પર વિલિયમ મૂરે સવારે ગોળી ચલાવી હતી. પ્રવીણ પટેલને ગોળી માર્યા બાદ ઘટનાસ્થળ પરથી ભાગી ગયેલા હત્યારાને પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી લીધો હતો.

લોકલ મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, વિલિયમ જેરેમી મૂરે મોટેલના માલિક પ્રવીણ પટેલની મોટેલમાં રૂમ લેવા માટે આવ્યો હતો, અને તે વખતે જ બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. પોલીસે હત્યારાને શોધવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લઈને વાહનોની અવરજવર પણ થોડા સમય માટે બંધ કરાવી દીધી હતી, તેમજ સ્કૂલોમાંથી પણ તમામ પ્રકારની આવનજાવન અટકાવાઈ હતી. Chief Ricky Terry said Pravin Raojibhai Patel, owner of the Hillcrest Motel, was gunned down this morning. A short time later, police arrested William Jeremy Moore, 34.

જોકે, હત્યારો પકડાઈ ગયા બાદ પોલીસે લોકડાઉન ઉઠાવી લીધું હતું. આ ઘટના સવારે નવ વાગ્યાની આસપાસ બની હતી, અને એકાદ કલાકમાં જ પોલીસે હત્યારાને પકડી લીધો હતો. તેની પાસેથી પ્રવીણ પટેલ પર જેનાથી ગોળી ચલાવાઈ હતી તે હથિયાર પણ મળી આવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રવીણ પટેલ પર ત્રણ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા, અને તેઓ પોતાની મોટેલના રિસેપ્શન એરિયામાં જ ઢળી પડ્યા હતા.
76 વર્ષના પ્રવીણ પટેલ મૂળ ચરોતરના રહેવાસી હતા તેમજ વર્ષોથી પોતાના ફેમિલી સાથે અમેરિકામાં સેટલ થયા હતા તેવું જાણવા મળી રહ્યું છે.

પ્રવીણ પટેલની મોટેલની આસપાસ પોતાના બિઝનેસ ધરાવતા લોકોએ તેઓ ખૂબ જ સારા વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું, તેમની હત્યાના કારણે અલાબામામાં રહેતા ગુજરાતી સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે, તેમની હત્યા શા માટે કરવામાં આવી તે અંગે હજુ સુધી પોલીસે કોઈ વધારે વિગતો જાહેર નથી કરી.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં લૂંટના ઈરાદે અવારનવાર નિર્દોષ લોકોની હત્યા થતી હોવાના સમાચાર બહાર આવતા રહે છે, પરંતુ આ કેસમાં પ્રવીણ પટેલની મોટેલમાં રૂમ લેવા માટે આવેલા હત્યારાએ તેમના પર ફાયરિંગ કેમ કર્યું તે હજુ સુધી જાણવા નથી મળ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.