Western Times News

Gujarati News

સિંહોના ભવિષ્યને  વધુ સુરક્ષિત કરવા પ્રોજેક્ટ લાયન અમલી: કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૨૦૦ લાખની સહાય

Gujarat Gir lions count increased

Photo : Twitter

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાઈક સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે.

આજે વિધાનસભા ખાતે રાજ્યમાં સિંહ સંરક્ષણ માટે સહાય અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતના પનોતાપુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એશિયાટીક સિહોના ભવિષ્યને સુરક્ષિત કરવા પ્રોજેક્ટ લાયન અમલી બનાવ્યો  છે. જે હેઠળ સિંહોની વધતી સંખ્યા માટે વધુ સુરક્ષિત રહેઠાણના વ્યવસ્થાપન,સ્થાનિક નાગરિકોની આજીવિકા નિર્માણ અને તેમની સહભાગીદારી નિશ્ચિત કરવામાં આવી છે.

આ ઉપરાંત બિગ કેટ ડીસીસ ડાયગ્નોસ્ટીકસ અને સારવાર વિષયક જ્ઞાનનું વૈશ્વિક હબ બનાવવા આવશે સાથે સાથે  પ્રોજેક્ટ લાયન દ્વારા જૈવિક સંરક્ષણ માટે પણ સઘન પ્રયાસો કરાશે.  આ માટે કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી ૨૦૨૩ની સ્થિતિએ રૂ. ૨૦૦ લાખની સહાય મળી છે.

મંત્રી શ્રી પટેલે સિહોના સંરક્ષણ માટે લેવાયેલા પગલાની વધુ વિગતો આપતા કહ્યું કે, સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓની બિમારી તેમજ અકસ્માત વખતે તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસરની તેમજ વન વિભાગ દ્વારા સિંહોના અવર-જવર વાળા વિસ્તારમાં તકેદારી રાખવા માટે વન્ય પ્રાણી મિત્રોની પણ નિમણૂક કરવામાં આવી છે. વન્યપ્રાણીઓના રેસ્ક્યુ માટે રેપિડ એક્શન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરવામાં આવી છે.

જુદા જુદા સ્થળોએ વન્યપ્રાણી સારવાર કેંદ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અભ્યારણ્ય વિસ્તારમાંથી પસાર થતા જાહેર માર્ગો પર સ્પીડ બ્રેકરો મુકવામાં આવ્યા છે. લોક જાગૃતિના ભાગરૂપે વન્યપ્રાણી સંરક્ષણમાં સહકાર આપવા માટે જાહેર માર્ગો પર સાઇન બોર્ડ મુકવામાં આવેલા છે.

સિંહ તથા અન્ય વન્યપ્રાણીની હત્યા અટકાવવા ક્ષેત્રિય સ્ટાફ દ્વારા સતત ફેરણા અને નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે તથા સ્ટાફને વાહન, હથિયાર, વોકીટોકી ફાળવવામાં આવી છે. સમયાંતરે પોલીસ વિભાગ, વન વિભાગ અને પી.જી.વી.સી.એલ.વિભાગ દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે.

ગીર બોર્ડર અને તેના આસપાસના રેવન્યુ વિસ્તારોમાં અસુરક્ષિત ખુલ્લા કુવાઓને પેરાપેટ વોલ બાંધી સુરક્ષિત કરવાની કામગીરી વન વિભાગ દ્વારા હાથ ધરાઈ છે. આ સિવાય અદ્યતન લાયન એમ્બ્યુલન્સ વસાવવામાં આવી છે. સક્કરબાગ તથા બરડામાં સાતવિરડા ખાતે કોરેન્ટાઇન ઝોન બનાવવામાં આવ્યો છે. સિંહોને રેડિયો કોલરીંગ કરવામાં આવ્યું છે. સાસણ ખાતે હાઇટેક મોનીટરીંગ યુનિટની સ્થાપના કરવામાં આવી છે અને લોકજાગૃતિના કામો કરવામાં આવે છે. રાજુલા-પીપાવાવ રેલ્વે ટ્રેકની આજુબાજુ ચેઇનલીંક કરવામાં આવી છે. ટ્રેકર્સની નિમણૂકની સાથે સ્ટાફને સમયાંતરે તાલિમ આપવામાં આવે છે‌‌ તેમ, મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.