Western Times News

Gujarati News

PM મોદીના વીડિયો સાથે ચેડા કરનાર ટ્રક ડ્રાઇવર ઝડપાયો

આરોપીનો ઈરાદો અનામત મેળવતી જ્ઞાતિના લોકોને દુષ્પ્રેરીત કરવાનો હતો

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમા પીએમ મોદીના સંસદમાં સંબોધનના વીડિયો સાથે છેડછાડ કરવાના કેસમાં સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી છે. વીડિયો વાયરલ કરનાર આરોપી મહેન્દ્ર ડોડીયાની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપીએ પીએમ મોદીનો ભાષણના વીડિયોને મોડિફાય કર્યો હતો. આરોપીનો ઈરાદો અનામત મેળવતી જ્ઞાતિના લોકોને દુષ્પ્રેરીત કરવાનો હતો.

આરોપી મહેન્દ્ર ડોડીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંસદમાં અનામતને લઈ આપેલી સ્પીચને છેડછાડ કરી એક બનાવટી વીડિયો વાયરલ કર્યો હતો. અનામતને લઈ ગેરમાર્ગે દોરી અને વાતાવરણને તંગ કરવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો. જે વીડિયોની જાણ સાયબર ક્રાઈમને થતાં આરોપી મહેન્દ્ર ડોડીયાની ઓઢવથી ધરપકડ કરી છે.

આરોપી મહેન્દ્ર ડોડીયા ઓઢવનો રહેવાસી છે અને ટ્રક ડ્રાઇવર છે, તાજેતરમાં મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં આરોપીએ દસ્ક્રોઇ વોર્ડને લઈને આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ માંગી હતી, પરંતુ તેને ટિકિટ આપવામાં આવી નહોતી. જોકે હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોઈ પણ પાર્ટીની ટિકિટ મળે અને સમાજમાં તેનું વર્ચસ્વ ઉભુ થાય તેવા ઇરાદે આરોપીએ પ્રધાનમંત્રીને બદનામ કરવા માટે સંસદની સ્પીચને છેડછાડ કરીને અનામતનો વીડિયો વાયરલ કર્યો હતો.

સરકારની છબી ખરડાય તેવું કૃત્ય કરતા આરોપી મહેન્દ્રની સાયબર ક્રાઈમ ધરપકડ કરીને તેનો મોબાઈલ એફ.એસ.એલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ રાજકીય લાભ મેળવવાના હેતુથી તેમજ દેશમાં અનામત મેળવી જુદી જુદી જ્ઞાતિ અને વર્ગના લોકોને દુષપ્રેરિત કરવાના ઇરાદાથી આ વીડિયો વાયરલ કર્યો હોવાની કબૂલાત કરી છે, પરંતુ આરોપીની આવી હરકત પાછળ અન્ય વ્યક્તિની સંડોવણી છે કે નહિ તે દિશામાં તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.