Western Times News

Gujarati News

ભરૂચના નેશનલ હાઈવે ઉપર ગેસના બોટલો ભરેલ ટેમ્પોએ પલ્ટી મારી

સદ્દનસીબે કોઈ જાનહાની નહિઃ ક્રેનની મદદથી ટેમ્પાને સાઈડ કરાયો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ માંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર અસુરીયા નજીક રાંધણ ગેસનો બોટલ ભરેલો ટેમ્પો પલ્ટી મારી જતાં દોડધામ મચી ગઈ હતી.જેમાં ટેમ્પા ચાલકને ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જોકે અકસ્માતમાં મોટી દુર્ઘટના નહિ સર્જાતા રાહતનો શ્વાસ લીધો હતો.તો સદ્દનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારની વહેલી સવારે ભરૂચ માંથી પસાર થતો નેશનલ હાઈવે.નંબર ૪૮ પરથી મુંબઈ તરફથી એક આઈસર ટેમ્પા નંબર એમએચ ૧૫ ડીકે ૯૫૯૯ નો ચાલક રાંધણ ગેસના બોટલો ભરી વડોદરા તરફ જઈ રહ્યો હતો.તે દરમ્યાન અસુરીયા પાટિયા પાસેથી પસાર થતા ટેમ્પો અચાનક પલ્ટી જતાં હાઈવે ઉપર ગેસના બોટલો ફેલાઈ ગયા હતા.

ગેસના બોટલો માર્ગ પર પડતા એક સમયે અન્ય વાહન ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી.પલ્ટી મારેલ ટેમ્પો રસ્તા વચ્ચે જ પડતા થોડા સમય માટે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.તો ઘટનાની જાણ નબીપુર પોલીસ મથકમાં થતા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને સુરક્ષાના ભાગરૂપે ફાયર ફાયટરોને દોડાવવામાં આવ્યા હતા.

અકસ્માતમાં ઘાયલ ટેમ્પો ચાલકને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.રસ્તા ઉપર પડેલ ટેમ્પોને પોલીસે ક્રેઈનની મદદથી સીધો કરી રાંધણ ગેસના બોટલોને સાઈડમાં હટાવી હાઈવે ક્લીયર કરાવી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો.જોકે સદ્દનસીબે ગેસના બોટલો ખાલી હોવાથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી.જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.