Western Times News

Gujarati News

ગાંધીનગરમાં ઘોડી પર સવાર દલિત વરરાજાને લાફા ઝીંકાયા

ગાંધીનગર, ગુજરાતના ગાંધીનગરમાં ઘોડી પર સવાર વરરાજા પર હુમલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપ છે કે અહીં ચાર યુવકોએ વરરાજા સાથે મારઝૂડ અને ગાળાગાળી કરી હતી, કારણ કે તે દલિત સમુદાયનો હતો.

ત્યારબાદ વરરાજાને કારમાં જાન લઇને દુલ્હનના ઘરે જવું પડ્યું હતું. આ સમગ્ર મામલે વર પક્ષના લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. પરિવારજનોએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી, જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરીને કેસ નોંધ્યો હતો.

આ સમગ્ર ઘટના પાટનગર ગાંધીનગર જિલ્લાના ચડસણા ગામમાં ૧૨ ફેબ્રુઆરીએ બપોરે બની હતી. માણસા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર, આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ IPC અને એટ્રોસિટી એક્ટની અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગેની ફરિયાદ વરરાજાના પિતરાઈ ભાઈએ નોંધાવી હતી.

ફરિયાદ નોંધાવનાર ભાઈના જણાવ્યા અનુસાર ૧૨મી ફેબ્રુઆરીની બપોરે આ લગ્ન વરઘોડામાં લગભગ ૧૦૦ લોકો સામેલ થયા હતા. આ સમય દરમિયાન વરરાજા ઘોડી પર સવાર હતા, ત્યાં હાજર તમામ લોકો નાચતા-ગાતા હતા અને વરઘોડો કન્યાના ઘર તરફ લઈ જઇ રહ્યા હતા.

આ દરમિયાન એક યુવક બાઇક પર આવ્યો હતો અને સીધો વરરાજા પાસે ગયો હતો. તે યુવકે ઘોડી પર બેઠેલા વરને નીચે ખેંચ્યો અને તેને થપ્પડ મારવા લાગ્યો.

એટલું જ નહીં, આરોપી યુવકે વરરાજા પર જાતિ આધારિત અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. આરોપીએ ઘોડી પર સવારી કરતા વર સામે વાંધો ઉઠાવતા કહ્યું કે ફક્ત તેના સમુદાયના લોકો જ ઘોડી પર સવારી કરી શકે છે.

તેણે એમ પણ કહ્યું, “તમારી મર્યાદામાં રહો, શું તમે ગામડાની પરંપરા નથી જાણતા”. આ દરમિયાન જ્યારે ત્યાં હાજર લોકો વરરાજાને બચાવવા આગળ આવ્યા ત્યારે વધુ ત્રણ યુવકો ત્યાં આવ્યા હતા. ચારેય જણાએ યુવકને માર મારવાનું શરૂ કર્યું.

આ દરમિયાન આરોપી યુવકે ઘોડીના માલિક અને ડીજેને પણ ધમકાવીને ભગાડી દીધા હતા. તેમની ફરિયાદમાં વર પક્ષના લોકોએ આરોપ લગાવ્યો છે કે આ દરમિયાન તેમનું ખૂબ અપમાન કરવામાં આવ્યું હતું, જેના કારણે તેમને કારમાં દુલ્હનના ઘરે જવું પડ્યું હતું.

કેસની માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓના નામ શૈલેષ ઠાકોર, જયેશ ઠાકોર, સમીર ઠાકોર અને અશ્વિન ઠાકોર છે. તે તમામ પછાત વર્ગના છે. હાલ પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.