Western Times News

Gujarati News

CBSE બોર્ડની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થશે

અમદાવાદ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને સોશિયલ મીડિયા હેન્ડલ્સની યાદી બહાર પાડી છે, જે સીબીએસઈના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યાં છે અને ખોટી માહિતી ફેલાવી રહ્યાં છે.

સીબીએસઈએ વિદ્યાર્થીઓ માટે એલર્ટ પણ જાહેર કર્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓએ આ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર બિલકુલ વિશ્વાસ ન કરવો જોઈએ. બોર્ડે કહ્યું કે, સીબીએસઈ પાસે માત્ર એક જ ઓફિશિયલ એક્સ એકાઉન્ટ સીબીએસઈ૨૯ છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ આના પર જ આધાર રાખવો જોઈએ.

સીબીએસઈએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના ધ્યાનમાં આવ્યું છે કે, ઘણા ટ્‌વીટર પર એવા એકાઉન્ટ છે જે લોકોને ગેરમાર્ગે દોરવા માટે સીબીએસઈના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યા છે.

સીબીએસઈએ સોશિયલ મીડિયા હેન્ડલ્સની યાદી પણ બહાર પાડી છે. જે બોર્ડના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યાં છે તેના ફોટો સહિત લિસ્ટ બહાર પાડ્યું છે. સેન્ટ્રલ બોર્ડે વધુમાં એમ પણ કહ્યું કે, આ નકલી હેન્ડલ્સ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સીબીએસઈ ૨૦૨૪ની ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરી એટલે કે આવતી કાલથી પ્રારંભ થવાની છે. બોર્ડે એડમિટ કાર્ડ પણ જાહેર કરી દીધા છે.

હોલ ટિકિટ ઓફિશિયલ વેબસાઇટ પર બહાર પાડવામાં આવી છે. નિયમિત વિદ્યાર્થીઓને તેમની શાળાઓમાંથી પ્રવેશ કાર્ડ મળશે. જ્યારે પ્રાઈવેટ વિદ્યાર્થીઓએ ઓફિશિયલ વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. સીબીએસઈ ૧૦મી બોર્ડ પરીક્ષા ૨૦૨૪ ૧૫ ફેબ્રુઆરીથી ૧૩ માર્ચ ૨૦૨૪ દરમિયાન લેવામાં આવશે. જ્યારે ૧૨માંની બોર્ડની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરીથી ૨ એપ્રિલ ૨૦૨૪ દરમિયાન યોજાશે.

એક્ઝામ સવારે ૧૦.૩૦ વાગ્યે શરૂ થશે અને બપોરે ૧.૩૦ વાગ્યે પુરી થશે. વિદ્યાર્થીઓને પેપર વાંચવા માટે ૧૫ મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. એક્ઝામ સીબીએસઈ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન હેઠળ લેવામાં આવશે. વિદ્યાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના ૩૦ મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. વધુ માહિતી માટે તમે સીબીએસઈ વેબસાઇટની વિઝિટ કરી શકો છો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.