Western Times News

Gujarati News

ગ્રામ વિકાસ વિભાગ હેઠળના અનુદાન માટેની માંગણીઓ ઉપર બચુભાઇ ખાબડનું સંબોધન

વર્ષ ૨૦૨૪-૨૫ની માંગણી ક્રમાંક ૭૦ હેઠળ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળના પંચાયત વિભાગ માટે મહેસુલી ખર્ચ માટે રૂપિયા ૪૯૮૧.૬૮ કરોડ અને મુડી ખર્ચ માટે રૂપિયા ૧૮૬.૫૦ કરોડ મળી કુલ રૂપિયા  ૫૧૬૮.૧૮ કરોડની માંગણી સન્માનીય ગૃહ સમક્ષ રજુ કરતા હું હર્ષની લાગણી અનુભવુ છુ.

પંચાયત વિભાગની માંગણી ઉપર જે જે માનનીય સભ્યશ્રીઓએ ભાગ લીધો, સૂચનો કર્યા, સમર્થન આપી પોતાના વિચારો વ્યકત્ત કરી રાજ્ય સરકારની કામગીરીને બિરદાવી છે તેઓના રચનાત્મક સુચનોને હું આવકારૂ છું તેમજ આ તબક્કે ચર્ચામાં ભાગ લેનાર સર્વે માન. સભ્યશ્રીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.

પૌરાણિક કાળથી પંચાયતની સંકલ્પના રૂપે ગામને મૂળભૂત એકમ તરીકે ગણવામાં આવે છે. અને ગ્રામ પંચાયતનું અસ્તિત્વ પણ તેટલું જ પૌરાણિક ગણાય છે. અથર્વ વેદ અને ઋગ્વેદમાં પણ તેનો ઉલ્લેખ મળી આવે છે.

૧લી મે, ૧૯૬૦નાં રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતની લોકશાહી ઢબે રચના કરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સત્તા અને નાણાકીય સાધનો પુરાપાડી  વિકાસનાં કાર્યો કરાવવા માટે જરૂરી અધિકારો સુપ્રત કરવાની જોગવાઈ કરવામાં આવી અને રાજ્યમાં ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૬૧થી પંચાયતી રાજ સંસ્થાઓ અમલમાં આવી.

આપણા હાલનાં માન.વડાપ્રધાનશ્રી અને તત્કાલિન માન.મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં પણ પંચાયતોને રાજ્યના વિકાસ માટે મહત્વની પાયાની વ્યવસ્થા તરીકે સ્થાપિત કરેલ છે. વિકાસની અવિરત ચાલતી પ્રક્રિયાને વેગ આપવા છેવાડાનાં માનવી અને વંચીતોના વિકાસ માટે માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ હાલની સરકાર પણ કટીબધ્ધ છે.

ત્રિસ્તરીય પંચાયતી રાજને સુદૃઢ બનાવવા માટે ચિંતન શિબિરમાં કરવામાં આવેલ ભલામણો તેમજ જરૂરીયાતને અનુલક્ષીને ગ્રામ્ય કક્ષાએ માળખાગત સુવિધાના કામો આયોજનબધ્ધ  રીતે થઇ શકે તે માટે જરૂરી તાંત્રીક તેમજ વહીવટી કામગીરી માટે ૨૦૦૦ ઉપરાંત અધિકારી-કર્મચારીઓનુ નવું મહેકમ આગામી સમયમાં ઉભુ કરવામાં આવશે.જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર (સીવીલ, ઇલેક્ટ્રીકલ) ,અધિક મદદનીશ ઇજનેર (સીવીલ, ઇલેક્ટ્રીકલ) ,પ્લાનીંગ આસીસ્ટન્ટ,સેનેટરી ઇન્સ્પેક્ટર જેવી મહત્વની જગ્યાઓ ઉભી કરી પંચાયતોની કામગીરી સરળ અને સુચારૂ રીતે થાય તે માટે બજેટમાં નવી બાબતની જોગવાઇ કરવામાં આવેલ છે.

રાજ્યમાં “મેરી માટી મેરા દેશ” અભિયાન થકી,પોતાનું સમગ્ર જીવન દેશની રક્ષા માટે સમર્પિત કર્યુ હતું તેવા ભારતના વીર અને વીરાંગનાઓના અમુલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા શિલાફલકમ, પંચપ્રાણ પ્રતિજ્ઞા, વસુધા વંદન, વિરોને વંદન, હર ઘર તિરંગા જેવા કાર્યક્રમો દ્વારા ગામે ગામ દેશ ભક્તિની અનેરી ગૌરવપૂર્ણ અનુભુતિ જોવા મળી.

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા”

સરકારની તમામ પ્રજાકલ્યાણકારી યોજનાઓની છેવાડાના નાગરીક સુધી જાગૃતિ કેળવાય તેમજ આ યોજનાઓનો, પાત્રતા ધરાવતાં વંચિત લાભાર્થીઓને લાભ આપી અને તેઓનું  જીવન ધોરણ ઊંચુ લાવી શકાય તેવા ઉમદા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રાજ્યમાં સફળ રીતે આયોજન કરવામાં આવ્યું છે.

પંચાયત ડેવલપમેન્ટ ઈન્ડેક્ષ (PDI) અંતર્ગત ગ્રામ પંચાયત સ્તરે વિવિધ સુચકાંકોની ખુટતી કડીઓ પૂર્ણ કરવા માટે પંચાયતના બજેટમાં ૧ કરોડની નવી બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે.

આમ પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના ઉમદા હેતુથી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે પુરતી વ્યવસ્થા કરી માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના ગરવી ગુજરાત,  ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતીશીલ ગુજરાત એમ  5G ની કલ્પના સાકાર કરવા માટે અમારો પંચાયત વિભાગ કટિબદ્ધ છે.

રાજ્યની પંચાયતી રાજ સંસ્થાઓનાં હિસાબો ઓનલાઇન રીયલ ટાઇમ બેસીસ પર નિભાવવા તથા ચુકવણાં કરવા માટે “પ્રેસા” ( PRAISA) સોફ્ટવેર તૈયાર કરવામાં આવી છે.

PRAISA સોફ્ટવેર દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૩થી સમગ્ર રાજ્યમાં પારદર્શક ચુકવણાની કામગીરી શરુ કરવામાં આવેલ છે. હાલ રાજ્યની ૩૩ જિલ્લા પંચાયત અને ૨૪૮ તાલુકા પંચાયતમાં કામગીરીનો અમલ શરુ કરવામાં આવી છે.

આ સન્માનનીય સભાગૃહને મારા વિભાગની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓને સમાવિષ્ટ કરતી તેમજ ગુજરાતના ગામડાઓના વિકાસની અવિરત પ્રક્રિયાને આગળ ધપાવવા માટે આગામી વર્ષ સને.૨૦૨૪-૨૫ ના અંદાજપત્રમાં મારા પંચાયત વિભાગની માંગણી ક્રમાંક ૭૦ હેઠળની કુલ રૂપિયા ૫૧૬૮.૧૮ કરોડની અનુદાન પરની માંગણીઓ રજૂ કરતા હું ખુબ જ ગૌરવની લાગણી  અનુભવું છું.

હું આપના માધ્યમથી મારા પંચાયત વિભાગ હેઠળની મહત્વની યોજનાઓની વિગતો તમામ સભ્યશ્રીઓના ધ્યાને મુકવા માંગુ છું.

નિર્મળ ગુજરાત ૨.૦ની વાત કરૂ તો..નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત જનભાગીદારી તેમજ જન જાગૃતિના માધ્યમથી તાલુકા કક્ષાએ ક્લસ્ટર બનાવી ગ્રામ પંચાયત ખાતેથી ઘન અને પ્રવાહી કચરાના એકત્રીકરણ, વર્ગીકરણ તેમજ તેના નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવવા માટે રૂ. ૩૦૦ કરોડની નવી બાબતની જોગવાઈ કરવામાં આવી છે.

મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન:

ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતાનું સ્તર ઉંચુ લઇ જઇ લોકોના આરોગ્યમાં સુધારો કરવા અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશન હેઠળ ગામડાઓમાં  ડોર ટુ ડોર ઘન કચરાનું એકત્રીકરણ કરી લેન્ડફીલ સાઇટ સુધી લઇ જવા માટે રાજ્યના તમામ ગામોને આવરી લઇ વ્યક્તિ દીઠ માસિક ચાર રૂપિયા લેખે ગણતરી કરી ગ્રામ પંચાયતની વસ્તીના આધારે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે.

આ માટે, વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૧૭૫.૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ યોજના:-

ગ્રામ પંચાયતો સફાઇ અંગે  જાગૃત બને તે માટે ગ્રામ પંચાયત પોતાની બાકી સફાઇકરની વસુલાત માટે વધુ પ્રયત્નશીલ બને તે માટે વસુલાતના માપદંડોને આધારે પ્રોત્સાહક ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે.

વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂ.૬૬.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

આમ, દરેક ગ્રામ પંચાયતોને સફાઇ માટે મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશન અને સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ અંતર્ગત ગ્રાન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

શહેરી વિકાસ સત્તા મંડળ હેઠળના ગામોની સ્વચ્છતા અંગેની યોજના:

શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતો માં ઉદ્યોગો તથા વાણિજ્યીક પ્રવૃત્તિઓનો વ્યાપ વધુ હોવાથી ઘન કચરો વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. આવી ગ્રામ પંચાયત વિસ્તારોમાં રોડ- રસ્તા પરના સુકા કચરાનું તથા તમામ રહેણાક તથા વાણિજ્યીક વિસ્તારોમાંથી દૈનિક ધોરણે ડોર ટુ ડોર ઘન કચરાને એકત્રિત કરી મહાનગરપાલીકાની લેન્ડ ફિલ સાઇટ સુધી લઇ જવાની વ્યવસ્થા  માટે આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માં કુલ રૂ.૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

 

૧૫મુ નાણાંપંચ :

૧૫મા નાણાપંચ થકી રાજ્યની ત્રણેય સ્તરની પંચાયતોને સર્વાંગી વિકાસની યાત્રામાં જોડીને ત્રીસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ મજબુત બનાવવા  આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ.૨૬૦૦ કરોડ ઉપરાંત નોંધપાત્ર રકમની જોગવાઈ કરવામાં આવેલ છે. આ રકમ પૈકી ૭૦ % રકમ ગ્રામ પંચાયતને, ૨૦% રકમ તાલુકા પંચાયતને તેમજ ૧૦% રકમ જિલ્લા પંચાયતને મળનાર છે. આ રકમ સીધે સીધી જે તે પંચાયતના ખાતામાં જમા કરવામાં આવે છે.  નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસના કામોની પસંદગી અને કામોનો અગ્રતાક્રમ પણ ગ્રામસભા, ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન (GPDP)ના માધ્યમથી નકકી કરીને પાયાના સ્તરે પંચાયતી રાજને વધુ સુદ્રઢ બનાવવામાં આવ્યુ છે.

ઈ-ગ્રામ:

ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત રાજયના ૧૪૧૮૧ ઇ-ગ્રામ સેન્ટર ખાતેથી ઈ-સેવાઓનું વિતરણ કરવામાં આવેલ છે. જેમાં,ગવર્મેન્ટ ટુ સીટીઝન (G2C)સેવાઓ જેવી કે આધારકાર્ડ, આર.ઓ.આર., સીનીયર સીટીઝન પ્રમાણપત્ર , જન્મ-મરણ પ્રમાણપત્ર,  ટેક્ષ કલેકશન , આવકનો દાખલો, વિધવા પ્રમાણપત્ર, ઇ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન વિગેરે તેમજ,બીઝનેસ ટુ સીટીઝન (B2C)સેવાઓ  જેવી કે વિજળી બીલ, ગેસ બીલ, ટેલીફોન/મોબાઇલ બીલ કલેકશન, ખાનગી વીમા કંપનીના પ્રિમિયમ કલેકશન, ડી.ટી.એચ. રીચાર્જ , રેલ્વે, બસ અને હવાઇ મુસાફરી માટેની ઇ-ટીકીટ બુકીગ વિગેરે જેવી સેવાઓ પુરી પાડવામાં આવે છે.

આમ,આ યોજના હેઠળ વિવિધ વિભાગની ૩૨૧ સેવાઓનો લાભ ઈ-ગ્રામ સેન્ટર દ્વારા ગામ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. દર વર્ષે વિવિધ યોજનાઓ હેઠળ અંદાજે ૪.૫૦ કરોડ ટ્રાન્ઝેકશન ઇ-ગ્રામ સેન્ટર થકી થાય છે.

આ યોજના થકી શહેરીજનોને મળતી ઇ-સેવાઓ જેવી જ ઇ-સેવાઓ ગ્રામ્ય કક્ષાએ ગ્રામજનોને મળી રહે છે.આમ આ યોજના થકી ગ્રામજનોને ગ્રામ્ય કક્ષાએ જ સેવાઓ મળતી હોઇ તેઓના સમય અને નાંણાનો બચાવ થાય છે. આ માટે વર્ષ ર૦૨૪-૨૫ માં રૂ.૧૬૦ કરોડની જોગવાઇ કરેલ છે.

પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રીના નિવાસસ્થાન:

ગ્રામ પંચાયત,પંચાયતી રાજ વ્યવસ્થાનો પાયો છે તેમાં ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી કમ મંત્રી સરકારનો સીધો પ્રતિનિધિ છે. ગ્રામ જનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો અવિરત લાભ મળતો રહે તે માટે તલાટી કમ મંત્રીની ગામમાં હાજરી ખુબ જરુરી છે અને તે માટે તેઓને મુખ્ય મથકમાં કામ કરવાની અને રહેવાની યોગ્ય સવલત મળી રહે તે પણ એટલુ જ જરુરી છે, જે ધ્યાને લઈને રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૬ થી નવીન પંચાયત ઘર  કમ તલાટી આવાસ બનાવવા માટે યોજના અમલમાં મુકેલ છે.

આ યોજના અન્વયે અત્યાર સુધીમાં મંજુર કરવામાં આવેલ ૩૧૮૯ ગ્રામ પંચાયત ઘર પૈકી, ૨૮૮૪ નવીન ગ્રામ પંચાયત ઘરના કામો પૂર્ણ થયેલ છે.

વર્ષ ર૦૨૪-૨૫માં  ગ્રામ પંચાયત ઘરની  યોજના માટે રૂ. ૭૨.૦૦ કરોડની જોગવાઇ કરેલ છે.

જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત વહીવટી તંત્ર સંગીન બનાવવું:

ગ્રામ પંચાયત ખાતે પંચાયત ઘરની જે વાત કરી તેમ જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત મકાન બાંધકામની વાત કરૂ તો, આ યોજનાની શરૂઆત વર્ષ ૨૦૧૦-૧૧ થી કરવામાં આવી. તાલુકા પંચાયત મકાન બાંધકામ માટે રૂ.૩.૧૦ કરોડ અને જિલ્લા પંચાયતના મકાન બાંધકામ માટે રૂ.૩૮.૦૦ કરોડ જેટલી માતબર રકમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.

અત્યાર સુધીમાં કુલ ૧૩૮ તાલુકા પંચાયતોના મકાનોના બાંધકામ માટે મંજુરી આપેલ છે.જે પૈકી ૧૦૩ તાલુકા પંચાયત મકાનોના કામ પુર્ણ થયેલ છે. તેજ રીતે  જિલ્લાઓ માટે ૧૫ જિલ્લા પંચાયત મકાનોના બાંધકામ માટે મંજુરી આપેલ છે તે પૈકી ૧૧ મકાનોના કામ પુર્ણ થયા છે. આ માટે વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂ.૬૫.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યની જિલ્લા ,તાલુકા અને ગ્રામ પંચાયત કચેરીઓના મકાનોમાં વિજળીની બચત થાય અને પંચાયતીરાજ સંસ્થાઓને વીજબીલનો બોજો સહન ન કરવો પડે અને  પર્યાવરણનું જતન થાય તેવા ઉમદા હેતુથી નવીન બનેલ ગ્રામ પંચાયત કચેરીના મકાન પર તબક્કાવાર સોલાર રૂફટોપ સીસ્ટમ લગાવવા માટેની યોજના અમલમાં છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં ૩૪૨  ગ્રામ પંચાયત કચેરીના મકાન ઉપર સોલર રૂફ્ટોપ સીસ્ટમ પુરી પાડવા માટે અનુદાન ફાળવવામાં આવી છે.

તેજ રીતે જિલ્લા/તાલુકા  પંચાયત કચેરીના મકાન પર તબક્કાવાર સોલાર રુફટોપ સીસ્ટમ લગાવવા માટેની યોજના પણ અમલમાં છે. જે અન્વયે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૫ તાલુકા પંચાયતનાં મકાનો ઉપર સોલાર સિસ્ટમ પુરી પાડવા માટે અનુદાન ફાળવવામાં  આવેલ છે.

આમ આગામી વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્યની ત્રણેય સ્તરની પંચાયતોના મકાનો માટે આ યોજના હેઠળ કુલ રૂ.૪.૫૦ કરોડની જોગવાઇ કરી છે.

ગ્રામ્ય કક્ષાએ પંચાયત વિસ્તારમાં પાણી અને સ્વચ્છતાના કામો માટેનું સેટઅપ (PMU / PIU):

રાજયમાં પંચાયત વિસ્તારના ૧૮૦૦૦ ઉપરાંતના ગામોની ૧૪૬૦૦ ઉપરાંતની ગ્રામ પંચાયતોમાં સરકારશ્રી દ્વારા અનેકવિધ વિકાસ કાર્યક્રમો નાણાપંચ, સ્વભંડોળ, એમ.પી./એમ.એલ.એ., વિવેકાધીન ગ્રાંટ વિગેરેમાંથી પાણી તથા સ્વચ્છતા, માળાખાગત સુવિધા જેવા સરેરાશ રૂ.૩૦૦૦ કરોડથી વધુનાં વાર્ષિક કામો થાય છે. ગ્રામ્ય કક્ષાએ આ કામો વધુ ઝડપી તથા વઘુ અસરકારક રીતે અમલીકરણ કરી શકાય તે માટે  પ્રોજેક્ટ મોનીટરીંગ યુનીટ ઉભું કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂ.૨૩.૬૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

બદલાતા સમય અને ટેક્નોલોજીના યુગમાં તાલીમ એ વ્યક્તિ વિકાસ અને કૌશલ્ય વધારવા માટે ખુબજ જરૂરી બાબત છે. તાલીમએ નિરંતર ચાલતી પ્રકિયા છે. રાજયમાં પંચાયત વિભાગ હેઠળ ખૂબ જ મોટા પ્રમાણમાં અધિકારી/ કર્મચારીગણ તેમજ પદાધિકારીઓને તાલીમ આપવામાં આવે છે.

જે બાબત ધ્યાને લઇ પંચાયત વિભાગના પદાધિકારીશ્રીઓને તથા વિવિધ સંવર્ગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓની પૂર્વ સેવા તાલીમ આપવા માટે ટેકનોલોજીના ઉપયોગ થકી અધતન સુવિધાઓ સહિતનું  રાજ્ય કક્ષાનું અદ્યત્તન પંચાયત તાલીમ કેન્દ્ર બનાવવા વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂ.૨૦.૦૦ કરોડની જોગવાઈ કરી છે

આપણા દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઇ પટેલને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી આપવા તથા આવનાર પેઢીઓ સુધી લોકોના હદયમાં તેમની યાદગીરી સચવાઇ રહે તેવા શુભ આશયથી કેવડીયા કોલોની ખાતે સ્ટેટ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ખૂબ જ ટુંકા સમયમાં લોકોના હદયમાં સ્થાન મેળવેલ છે. અને હવે તો તે આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામેલ છે. જયાં રોજના હજારોની સંખ્યામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસીઓ મુલાકાત લે છે. જેના કારણે તે વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારમાં રોજગારીની વિપુલ તકો ઉભી થયેલ છે. આવા સ્ટેટ્યુ ઓફ યુનિટી ડેવલપમેન્ટ ઓથોરીટી વિસ્તાર નજીકમાં આવતાં ગામોમાં શહેરી વિસ્તાર જેવી જ પીવાના પાણી, ગટર વ્યવસ્થા, રોડ રસ્તાની તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતી માળખાકીય સુવિધાઓ અગ્રતાક્રમે ઉપલબ્ધ કરાવવી ખુબ જ જરૂરી છે. જે માટે વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૧૦.૦૦ કરોડની જોગવાઇ કરવામાં  આવી  છે.

સમરસ યોજના:

વાદ નહીં, વિવાદ નહીં, પરંતુ સંવાદ દ્વારા સર્વ સંમતીથી (બિન હરીફ) ચૂંટાયેલ ગ્રામ પંચાયતને પ્રોત્સાહક રકમ આપવાની યોજના એટલે સમરસ યોજના જેના થકી,

અત્યાર સુધીમાં કુલ-૧૪૭૨૮ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થયેલ છે તે પૈકી ૭૬૯ ગ્રામ પંચાયતો મહિલા સમરસ જાહેર કરીને અત્યાર સુધીમાં  કુલ રૂા.૩૧૧.૭૬  કરોડની પ્રોત્સાહક રકમ આવી ગ્રામ પંચાયતોને આપવામાં આવી છે. આગામી વર્ષ ર૦૨૪-૨૫માં આ યોજના હેઠળ કુલ રૂા.૨૦ કરોડની જોગવાઇ કરી છે.

મુખ્યમંત્રી  ગ્રામ અસ્મિતા યોજના:

ગ્રામિણ સ્તરે ગ્રામ પંચાયતોમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ કરી ગ્રામજનોનું જીવનધોરણ ઉંચું લાવવા, જાહેર ગ્રંથાલયો બનાવવા, ગામલોકોના સ્વાસ્થ્યના સુધારા માટે કસરતના સાધનો પુરા પાડવા, સ્મૃતિ સ્મારકોનું રિપેરીંગ કરવા, ગામનું ગેઝેટીયર બનાવવા જેવી બાબતોનો સમાવેશ કરી મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના બના વવામાં આવેલ છે.

આ યોજના હેઠળ વર્ષ ર૦૨૪-૨૫ માં રૂ.૧૧.૦૦કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ગરીબ કલ્યાણ મેળા:

રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળા થકી દૂર અને અંતરિયાળ વિસ્તારના લોકો સુધી વ્યકિતલક્ષી અને સમૂહલક્ષી યોજનાનો સીધો લાભ સરળતાથી પહોંચે તેમજ આ યોજનાઓના લાભ મેળવી તેમના જીવન ધોરણ ઉન્નત થાય અને તેઓ રાજ્યની મુખ્ય વિકાસની ધારામાં જોડાય તેવા અભિગમ સાથે રાજય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના થકી રાજ્ય સરકારની યોજનાઓનો લાભ, લાભાર્થીઓને સીધેસીધો સ્થળ ઉપર જ આપવામાં આવે છે.

અત્યાર સુધીમાં કુલ ૧૬૦૪ ગરીબ કલ્યાણ મેળા દ્વારા રાજ્યનાં જુદા જુદા વિભાગોની વિવિધ યોજનાઓ અન્વયે ૧.૮૪ કરોડ લાભાર્થીને રૂા.૩૫૬૬૮ કરોડની નાણાકીય સહાય ચુકવેલ છે. આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માટે ગરીબ ક્લ્યાણ મેળાના આયોજન માટે રૂ.૬.૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

પંચાયત વિભાગ એ ગામડાના છેવાડાના માનવીને લાભ આપતો, વંચિતોનો વિકાસ કરતો વિભાગ છે અને જે રીતે મેં મારા વિભાગની કામગીરીનો વૃત્તાંત રજૂ કર્યો છે તે ધ્યાને લેતાં મારા વિભાગની અનુદાન માટેની માંગણીઓની નાણાંકીય જોગવાઇનો અંદાજપત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમ‌,  રાજથ મંત્રી શ્રી બચુભાઇએ ગૃહમાં ઉમેર્યું હતું.

પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળની માંગણીઓ આજે વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.