Western Times News

Gujarati News

AMTS : સ્વ-માલિકીની શૂન્ય બસ સાથે વર્ષે રૂ. 400 કરોડનું દેવું કરતી સંસ્થા

પ્રતિકાત્મક

AMTS : સ્વ-માલિકીની શૂન્ય બસ સાથે વર્ષે રૂ. 400 કરોડનું દેવું કરતી સંસ્થા

2024-24 બજેટની ચર્ચા દરમ્યાન કોંગ્રેસના આકરા પ્રહાર

(પ્રતિનિધિ) અમદાવાદ,   અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2024-25ના બજેટને મંજૂરી આપવા માટે શરૂ થયેલા બે દિવસીય  બજેટ સત્રના પ્રથમ દિવસે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, વીએસ હોસ્પિટલ, માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય અને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એમ ચારેય વિભાગોના બજેટ ઉપર ચર્ચા થઈ હતી. જેમાં વીએસ હોસ્પિટલના બજેટ ની ચર્ચા મામલે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.

એ.એમ.ટી.એસ ની બજેટ ચર્ચા દરમ્યાન કોંગી કોર્પોરેટર જગદીશભાઈ રાઠોડ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે એક સમયે શ્રેષ્ઠ પરિવહન સેવામાં જેની ગણના થતી હતી તે એ.એમ.ટી.એસ ભાજપના શાસનમાં મૃત:પાય બની ગઈ છે. સંસ્થા પાસે સ્વ-માલિકીની એકપણ બસ નથી તેમ છતાં દર વરસે રૂ.350 કરોડ કરતા વધુ રકમનું દેવું કરે છે. એ.એમ.ટી.એસ. નાગરિકો માટે નહીં પરંતુ કોન્ટ્રાક્ટરો માટે જ ચાલી રહી છે.

સંસ્થાના કિંમતી પ્લોટ કોન્ટ્રાક્ટરોને પાર્કિંગ માટે આપવામાં આવ્યા છે જેની સામે પ્રતિ બસ દૈનિક માત્ર એક રૂપિયો ભાડુ લેવામાં આવે છે. 2005માં સત્તા પરિવર્તન થયું તે સમયે કોંગ્રેસે 521 સ્વ-માલિકીની બસ ભાજપને સોંપી હતી જે પૈકી હાલ એકપણ બસ રહી નથી આ તે કેવું વિકાસ મોડેલ છે તેવો વેધક પ્રશ્ન તેમણે કર્યો હતો.

શેઠ વાડીલાલ સારાભાઈની બજેટ ચર્ચા દરમ્યાન કોંગી કોર્પોરેટર અકબરભાઈ ભટ્ટી એ જણાવ્યું હતું કે વી.એસ.ના સાધનો અને સ્ટાફ એસ.વી.પી.માં ન લઈ જવા માટે 2018માં ઠરાવ થયો હતો તેમ છતાં વી.એસ.ના સ્ટાફ અને સાધનો એસ.વી.પી.માં લઇ જવામાં આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ તમામ સ્ટાફ ના પગાર – પેંશન નો ખર્ચ વી.એસ. ઉઠાવે છે. છેલ્લા 5 વર્ષ દરમ્યાન વી.એસ.માં ઓ.પી.ડી. અને ઈન્ડોર દર્દીઓની સંખ્યા ઘટી છે જયારે બાઉન્સરોની દાદાગીરી વધી છે.

તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે પણ આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપના શાસનમાં વી.એસ. હોસ્પિટલને ખંડેર બનાવી દેવામાં આવી છે. વર્ષ 2011થી 2019 સુધીમાં 2100 કરોડથી વધુનું બજેટ ભાજપ સત્તાધિશો દ્વારા ફાળવવામાં આવ્યું છે. જેમાંથી માત્ર 913 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. આટલી રકમમાં તો નવી હોસ્પિટલ બની શકે તેમ છે.

વી.એસ. માત્ર સાધનો કરતા તેના નવીનીકરણની જરૂર વધારે છે. 2000 થી 2005 ના શાસન દરમિયાન વીએસ હોસ્પિટલમાં ગરીબોની સેવા થતી હતી પરંતુ તમારા શાસનમાં તો વીએસ હોસ્પિટલને સ્મશાન બનાવી દેવામાં આવ્યું છે. 913 કરોડ રૂપિયા ખર્ચ્યા તો ક્યાં ખર્ચ્યા છે એની પાછળ ખર્ચ્યા તેનો અમને હિસાબ આપો. કોંગી નેતાના આક્ષેપ સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જવાબ આપતા કહ્યું હતું કે વી એસ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી વિભાગ શરૂ કર્યા છે.

કરોડો રૂપિયા ની જોગવાઈ કરી છે અમારે વીએસ હોસ્પિટલ ને ખંડેર બનાવવાની નથી આ કોંગ્રેસ ખોટો ભ્રમ ફેલાવી રહી છે. વી.એસ. હોસ્પિટલનું જે હયાત બિલ્ડિંગ છે તેને અમે રીપેર કરવાના છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.