Western Times News

Gujarati News

સરકાર દ્વારા 6082 કેસમાં 647 કરોડની તબીબી બોન્ડની વસુલાત કરવામાં આવી- આરોગ્ય મંત્રી

ગ્રામ્ય વિસ્તારોમાં ડૉક્ટરોની ઘટ નિવારવા સરકારી હોસ્પિટલમાં ફરજિયાત  એક વર્ષ બોન્ડ સેવાની જોગવાઇ છે

સરકારી મેડીકલ કૉલેજમાં MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા  વિધાર્થીઓ પાસેથી ૧ વર્ષની ગ્રામ્ય સેવાની સામે રૂા.ર૦.૦૦ લાખનો બોન્ડ લેવાય છે-રાજ્યમાં વર્ગ-૨ ના ૩૯૮૦ તબીબી અઘિકારીઓ દર્દીઓની સેવામાં સેવારત

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે બોન્ડ વસુલાત સંદર્ભે વિધાનસભામાં પુછાયેલ પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે, રાજયમાં MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ માટે એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજયુએટ કોર્ષીસ, ગાંધીનગર ધ્વારા નીટ આધારીત મેરીટ બનાવી ઓન લાઇન પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

પ્રવર્તમાન નિતી મુજબ રાજયમાં સરકારી મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિધાર્થીઓ પાસેથી ૧ વર્ષની ગ્રામ્ય સેવાની સામે રૂા.ર૦.૦૦ લાખનો બોન્ડ લેવામાં આવે છે.GMERS સંચાલિત મેડીકલ કોલેજો અને સ્વ-નિર્ભર મેડીકલ કોલેજોમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે એમ.વાય.એસ.વાય, કન્યા કેળવણી નિધિ, ફ્રી-શિપ કાર્ડનો લાભ લઇ પ્રવેશ મેળવતા વિધાર્થીઓને પણ બોન્ડનિતી લાગુ પડે છે.

રાજયમાં એમ.બી.બી.એસ. પાસ વિધાર્થીઓને તેમનો અભ્યાસક્રમ પૂર્ણ કરે ત્યારબાદ તેમને ડીગ્રી સર્ટીફીકેટ આપવાની કાર્યવાહી જે તે યુનિર્વસીટી ધ્વારા કરવામાં આવે છે.

રાજયમાં એમ.બી.બી.એસ. પાસ કરેલ ઇન્ટર્નશીપ કરતા  ડોકટરોને ગુજરાત મેડીકલ કાઉન્સીલ ધ્વારા પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ આપવામાં આવે છે. ઇન્ટર્નશીપ પૂર્ણ થયા બાદ યુનિર્વસીટીની પ્રોવિઝનલ ડીગ્રીના આધારે ફાઇનલ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે.

રાજયમાં હાલ કુલ-૩૯ મેડીકલ કોલેજો અને એક એઇમ્સ મેડીકલ કોલેજ કાર્યરત છે. જેમાં કુલ-૭૦૫૦ બેઠકો છે. તેમાં ૬-સરકારી, ૧૩- જીએમઇઆરએસ સંચાલિત, ૩-મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત, ૧૬- સ્વનિર્ભર મેડીકલ કોલેજો, ૧-ડીમ્ડ યુનિર્વસીટી સંચાલિત અને ૧-એઇમ્સ રાજકોટ મેડીકલ કોલેજો કાર્યરત છે.  તેમાં સરકારી મેડીકલ કોલેજોમાં ૧૪૦૦ બેઠકો, જીએમઇઆરએસ મેડીકલ કોલેજોમાં ૨૧૦૦, મ્યુનિસિપલ કોર્પોરેશન મેડીકલ કોલેજોમાં ૭૦૦,  સ્વ-નિર્ભર કોલેજોમાં ૨૬૫૦, ડીમ્ડ યુનિર્વસીટી કોલેજમાં ૧૫૦ બેઠકો અને એઇમ્સ રાજકોટમાં ૫૦ બેઠકો છે.

રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૬૦૮૨ કેસમાં રૂ.૬૪૭.૬૫ કરોડની બોન્ડ વસુલાત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.