Western Times News

Gujarati News

દીપડાનો શિકાર કરનારા પાંચ શિકારી ઝડપાયા

પ્રતિકાત્મક

(એજન્સી) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં સસલા જેવા વન્ય જીવોનો શિકાર કરતી ટોળકીના ફાંસલામાં દીપડો ફસાઈ ગયો હતો. દીપડો ફસાઈ જવાને લઈ તે મોતને ભેટ્યો હતો. આ માટે વન વિભાગની ટીમે દીપડાના મોતને લઇ તપાસ હાથ ધરતા શિકારી કરનારી ટોળકી હોવાનું આશંકાએ તપાસ શરુ કરી હતી. જેમાં એક બાદ એક પાંચ આરોપીઓ સુધી વનવિભાગની ટીમ પહોંચી ગઇ હતી. પાંચ આરોપીઓની ધરપકડ કરીને વન વિભાગે જેલના હવાલે કર્યા છે.

ગત ૧૨ ફેબ્રુઆરીએ હિંમતનગરના નરોડા વિસ્તારમાં આવેલા ગૌચરના જંગલ વિસ્તારમાં એક દીપડો ફાંસલામાં ફસાયો હોવાના સમાચાર વન વિભાગને મળ્યા હતા. જેને લઈ વન વિભાગના અધિકારીઓ અનિરુદ્ધસિંહ સિસોદીયા સહિતની ટીમ રેસક્યુ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં જંગલ વિસ્તારમાં ઝાડીઓમાં એક દીપડો ફસાયેલી હાલતમાં જોવા મળ્યો હતો.

વન વિભાગની ટીમ દ્વારા દીપડાને શરુઆતમાં જીવ હોવાનું જણાતા તેને બચાવી લેવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા. પરંતુ દીપડાએ ફાંસલામાંથી બહાર છૂટવા માટે અથાક પ્રયાસો કરતા ગાળીયો વધારે કસાઇ જતા જીવ ગુમાવી દીધો હતો. ઘટના બાદ વન વિભાગે મૃત દિપડાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

જોકે દીપડો જે રીતે ફસાયો હતો એ જોતા આ કામ શિકારીઓનું હોવાની મજબૂત આશંકા સાથે તપાસ શરુ કરી હતી. આસપાસના ફૂટ માર્ક સહિતની કડીઓ મેળવવા સાથે શિકારીઓની ભાળ મેળવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સસલા જેવા પ્રાણીનો શિકાર કરવા માટે બાઇક અને મોપેડના બ્રેક અને ક્લચના તારમાંથી ગાળીયો તૈયાર કરવામાં આવ્યો હતો. જેને જંગલની ઝાડીઓમાં ગોઠવવામાં આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ આરોપીઓને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવી ગાળીયાની ગોઠવણ કરવાની રીત સહિતના પૂરાવાઓ એકઠા કર્યા હતા. તપાસ દરમિયાન એક બાદ એક પાંચ યુવકોના નામ સામે આવ્યા હતા. જેને લઈ વન વિભાગે પાંચ યુવાનોને ઝડપી લીધા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.