Western Times News

Gujarati News

તોફાનની ઘટનામાં વધુ ૩ર આરોપીઓ ઓળખાયા

શાહઆલમ સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે પોલીસનું સર્ચ ઓપરેશનઃ વધુ ૮ શખ્સોને રાત્રે રાઉન્ડ અપ કરાયા

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં બંધ ના એલાન દરમિયાન આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલા તોફાનો અને પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે આ સમગ્ર ઘટનાક્રમમાં હવે આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ સંપૂર્ણ અહેવાલ મંગાવી આરોપીઓની ધરપકડ કરી લેવાનો આદેશ આપ્યો છે.

બીજીબાજુ તોફાનોની ઘટનાઓની તપાસ ક્રાઈમબ્રાંચને સોંપાતા ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ જુદી જુદી ટીમો બનાવી સંખ્યાબંધ સીસીટીવી કુટેજ એકત્ર કર્યાં છે અને તોફાનગ્રસ્ત વિસ્તારોમાં સતત બીજા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યુ છે. જેમાં ગઈકાલે રાત્રે વધુ ૮ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.


જયારે બીજીબાજુ સીસીટીવી કુટેજાના આધારે ૩ર થી વધુ તોફાનીઓની ઓળખ થઈ ગઈ છે અને તેઓને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ક્રાઈમબ્રાંચના અધિકારી તથા અન્ય સ્ટાફ દ્વારા તોફાનગ્રસ્ત વિસ્તારોમાં પુછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે આ ઉપરાંત આ વિસ્તારોમાં આજે સતત બીજા દિવસે પણ પોલીસનું સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહયુ છે.

શહેરના શાહઆલમ સહિતના વિસ્તારોમાં નાગરિક કાયદા બીલના વિરોધમાં દેખાવો કરવામાં આવી રહયા હતા. શાંતિપૂર્ણ રીતે થઈ રહેલા દેખાવોમાં કેટલાક તોફાની તત્વોએ ટોળામાં ઘુસી પથ્થરમારો શરૂ કરતા અરાજકર્તા ફેલાઈ હતી. તોફાની તત્વોએ પોલીસને ટાર્ગેટ કરી હતી અને પથ્થરમારો કરી તથા પોલીસ જવાનોને ઢોરમાર મારી ઈજા પહોંચાડી હતી.

જેમાં ર૧ જવાનોને ઈજાઓ પહોંચતા સારવાર આપવામાં આવી હતી આ તમામ ઘટનાક્રમના એક પછી એક ચોંકાવનારા વિડિયો વાયરલ થવા લાગ્યા હતાં પોલીસ પર હુમલાની ઘટનાથી રાજયનું ગૃહ વિભાગ ચોંકી ઉઠયું હતું. સાથે સાથે આ સમગ્ર તોફાન પૂર્વ યોજીત હોય તે રીતે આયોજનબદ્ધ રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો

આ તમામ પરિસ્થિતિ  વચ્ચે રાજય સરકારે અમદાવાદમાં થયેલી હિંસક ઘટનાઓની તપાસ ક્રાઈમબ્રાંચને સોંપી દીધી હતી. શાહઆલમમાં થયેલા તોફાનની ફરિયાદ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેકટરે જાતે જ નોંધાવી હતી અને આ ફરિયાદના આધારે અધિકારીઓએ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે કોંગ્રેસના કોર્પોરેટર સહિત ૪૦ જેટલી વ્યક્તિઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. પકડાયેલા આરોપીઓની પુછપરછ કરવામાં આવતા કેટલીક મહત્વપૂર્ણ વિગતો પોલીસને જાણવા મળી છે અને તેના આધારે આ તોફાનમાં સંડોવાયેલા અન્ય શખ્સોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરી દીધા છે.

ક્રાઈમબ્રાંચના અધિકારીઓ તથા સ્થાનિક પોલીસની ટીમો દ્વારા તોફાનગ્રસ્ત વિસ્તારોમાં ગઈકાલે રાત્રે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું તોફાનની ઘટનાઓના સંખ્યાબંધ વિડિયો વાયરલ થયેલા છે અને આ તમામ વિડિયો ક્રાઈમબ્રાંચની ટીમે એકત્ર કરી તેમાં પથ્થરમારો તથા પોલીસ પર હુમલો કરતા કેદ થયેલા શખ્સોની ઓળખવિધિ કરવા માટે સ્થાનિક નાગરિકોની પુછપરછ પણ શરૂ કરી દીધી છે. પોલીસ ટીમોને આ કામગીરી દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ સફળતાઓ મળી રહી છે.

વિડિયો કુટેજના આધારે તોફાનમાં સંડોવાયેલા વધુ ૩ર શખ્સોની ઓળખવિધિ થઈ શકી છે અને આ તમામ શખ્સોની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. પોલીસ ટીમોએ ગઈકાલે રાત્રે તોફાનગ્રસ્ત વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં ૮ થી વધુ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહયું છે.


પકડાયેલા આરોપીઓના મોબાઈલ ફોન પણ એફએસએલમાં તપાસઅર્થે મોકલવામાં આવનાર છે. તોફાન પહેલા એક વોટ્‌સએપ ગ્રુપ બનાવવામાં આવ્યુ હતું અને તે તોફાન બાદ તરત ડીલીટ કરી દેવામાં આવ્યું હતું આ ગ્રુપમાં કોણ કોણ સભ્યો હતા અને તેમાં ક્યા મેસેજા વાયરલ કરવામાં આવ્યા હતા તે અંગેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ક્રાઈમબ્રાંચે શરૂ કરેલી તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આયોજનબદ્ધ રીતે તોફાન થતા જ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં શહેરમાં શાંતિ ડહોળવાનું આ એક ષડયંત્ર હતું અને તોફાનો કરવા માટે કેટલાક શખ્સોને બોલાવવામાં પણ આવ્યા હતા તેવુ અધિકારીઓ પ્રાથમિક તપાસમાં માની રહયા છે.

તોફાન કરવા માટે આવેલા આ શખ્સો પૈકી કેટલાક શખ્સો  પરપ્રાંતિય હોવાનું પણ મનાઈ રહયું છે. જેના પગલે પોલીસે હવે આવા શખ્સોને પણ ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે શાહઆલમ સહિતના વિસ્તારોમાં થયેલા તોફાનના સંદર્ભમાં હવે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરતા તોફાની તત્વોમાં ફફડાટ ફેલાયેલો છે અને વિડિયો કુટેજના આધારે ઓળખી કઢાયેલા આરોપીઓના નામો પણ પોલીસે મેળવી લીધા છે અને આ તમામની ટુંક સમયમાં જ ધરપકડ કરી લેવામાં આવશે તેવુ મનાઈ રહયું છે.

બીજીબાજુ રાજયના ગૃહ વિભાગે પણ આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. એફએસએલ દ્વારા શરૂ કરાયેલી તપાસ બાદ તેના રિપોર્ટના આધારે વધુ શખ્સોની ધરપકડ કરવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.