Western Times News

Gujarati News

પોલીસનું સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને એ માટે ‘અમદાવાદ સીટી પોલીસ સ્પોર્ટ્સ-૨૦૨૪’નું આયોજન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૧૯ ફેબ્રુઆરીએ ‘અમદાવાદ સીટી પોલીસ સ્પોર્ટ્સ-૨૦૨૪’નો પ્રારંભ થશે-શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે આયોજિત આ સ્પોર્ટ્સ મીટમાં ૧૧ ટીમો ભાગ લીધો છે –  કુલ ૧૩ રમતો રમાશે

આ સ્પોર્ટ્સ મીટમાં અમદાવાદ શહેરના અંદાજે 1500 જેટલાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લીધો હતો.

રાજ્યમાં કાયદો વ્યવસ્થાના સુદ્રઢ અમલ અને જન સલામતી માટે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અત્યંત પડકારજનક અને ખુબ જ કઠીન હોય છે. પોલીસ પ્રજાની સુરક્ષા અને સલામતી માટે ૨૪ કલાક કામગીરી કરે છે ત્યારે કામના ભારણ વચ્ચે પોલીસ જવાનોનું શારીરીક અને માનસિક સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને એ પણ જરૂરી છે ત્યારે રમત-ગમતે  હંમેશા શારીરિક ફિટનેસ, શિસ્ત અને ખેલની ભાવના – મનોબળને વધારવા માટે મુખ્ય ભૂમિકા ભજવી છે.  અમદાવાદ શહેર પોલીસમાં આંતરિક સ્તરે રમત- ગમતની પ્રતિભાને અને કૌશલ્યને બહાર  લાવવા અને રમત-ગમતમાં પોલીસનો રસ વધારવા માટે ‘અમદાવાદ સીટી પોલીસ સ્પોટ્સ મીટ-૨૦૨૪’ નું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે ૧૯ ફેબ્રુઆરીના રોજ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે આવેલા જે.ડી.નગરવાલા સ્ટેડિયમમાં ‘અમદાવાદ સીટી પોલીસ સ્પોર્ટ્સ-૨૦૨૪’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ ઉદ્ઘાટન સમારોહમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના પોલીસવડા શ્રી વિકાસ સહાય તેમજ અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી.એસ મલિક પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્પોર્ટ્સ મીટમાં સમગ્ર અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રમત-ગમતની એક્ટિવિટીઓની વિવિધ તમામ શ્રેણીઓમાં ભાગ લેવા માટે ૧૧ ટીમો તૈયાર કરવામાં આવી છે, જેમાં અમદાવાદ શહેરના આશરે 1500 જેટલાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લેશે.

આ સ્પોર્ટ્સ મીટની કુલ ૧૧ ટીમોમાં  પ્રથમ ટીમ તરીકે ઝોન-૧,  દ્વિતીય ટીમ  ઝોન-૨, ત્રીજી ટીમ ઝોન-૩, ચોથી ટીમ ઝોન-૪, પાંચમી ટીમ ઝોન-૫, છઠ્ઠી ટીમ ઝોન-૬, સાતમી ટીમ ઝોન-૭, આઠમી ટીમ તરીકે મુખ્ય મથક, નવમી ટીમ ટ્રાફિક, દસમી ટીમ ક્રાઈમ બ્રાન્ચ તેમજ ૧૧મી ટીમ તરીકે સી.પી કચેરી, વિશેષ શાખા, કંટ્રોલ રૂમ અને અન્ય શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સ્પોર્ટ્સ મીટમાં કુલ ૧૩ રમતો નક્કી કરવામાં આવી છે, જેમાં હોકી, વોલીબોલ, ફુટબોલ, કબડ્ડી, ટેનિસ, હેન્ડબોલ, કુસ્તી, ટેબલ ટેનિસ, રસ્સા ખેંચ, બેડમિન્ટન, બાસ્કેટ બોલ, એથ્લેટીક્સ તેમજ શુટીંગ/ફાયરીંગ (ફક્ત અધિકારીશ્રીઓ માટે) સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સાથે એથ્લેટીક્સમાં ( ૧) ૧૦૦ મીટર દોડ (૨) ૨૦૦ મીટર દોડ (૩) ૪૦૦ મીટર દોડ (૪) ૮૦૦ મીટર દોડ (૫) ૧૫૦૦ મીટર દોડ (૬) વિઘ્ન દોડ-૧૦૦ મીટર (૭) વિઘ્ન દોડ-૪૦૦ મીટર (૮) રીલે રેસ – ૪*૧૦૦ મીટર (૯) રીલે રેસ – ૪*૪૦૦ મીટર (૧૦) લાંબી કૂદ (૧૧) ઊંચી કૂદ (૧૨) ટ્રીપલ જમ્પ (૧૩) ગોળા ફેંક (૧૪) વાંસ કૂંદ (૧૫) ચક્કા ફેંક (૧૬) હેમર થ્રો (૧૭) બરસી ફેંક (૧૮) ભાલા ફેંક જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીના જણાવ્યા અનુસાર, આ તમામ રમતો માટે મેદાન અને સ્ટેડિયમ નક્કી કરવામાં આવ્યું છે અને મેદાનને તૈયાર કરી દેવામાં આવ્યા છે.  આ રમતો નિયમાનુસાર રમાય એ માટે નેશનલ ગેમ્સના નિયમો અને એસ.ઓ.પી લાગુ કરાશે. આ રમતોમાં રેફરી પણ SAG અને ફેડરેશનથી આવશે. આ રમતો માટે દરેક ઝોનની ટીમમાં વધારેમાં વધારે ૧૦૦ પુરૂષ ખેલાડી અને ૫૦ મહિલા ખેલાડી રાખવામાં આવી હતી.

તમામ ઝોનની ટીમમાં ઉત્તમ ખેલાડી જ ભાગ લે તે હેતુસર અત્યારથી જ પ્રેક્ટીસ મેચો ચાલુ કરવામાં આવી છે. ઝોનની ટીમોમાં તમામ ખેલાડીઓને ગેમની એકસુત્રતા જળવાય તે માટે એક જ રંગના ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ પણ આપવામાં આવશે. તમામ રમતો માટે સાધનોની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.

આ સ્પોર્ટ્સ મીટનો ઉદ્ઘાટન સમારોહમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સમાપન કાર્યક્રમમાં પરેડ અને પુરસ્કાર વિતરણ પણ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમોમાં અને રમતોમાં પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, પોલીસ હેડ ક્વાટર્સના પરિવારો (મહિલાઓ અને બાળકો) અને સામાન્ય નાગરિકો પ્રેક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.