Western Times News

Gujarati News

ઘટી જશે તમારી લોનનો હપ્તો ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો સંકેત

નવી દિલ્હી, દેશનો સામાન્ય માણસ ઘણાં લાંબા સમયથી રાહ જોઈ રહ્યો છે કે ક્યારે આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરે અને ક્યારે તેને ઈએમઆઈના બોજામાં થોડી રાહત મળે. જોકે હવે આ આતૂરતાનો અંત આગામી સમયમાં આવતો દેખાઈ રહ્યો છે. હાલમાં જ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે સંકેત આપ્યા છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આગામી સમયમાં રેપો રેટમાં ઘટાડો કરી શકે છે.

જેની સીધી અસર ઈએમઆઈની ચૂકવણીની રકમ પર જોવા મળશે અને તે ઘટી શકે છે. તેમણે વિશ્વાસ દર્શાવ્યો કે મોંઘવારી પર કાબૂ મેળવવામાં સફળતા મળી રહી છે અને તે સાથે આરબીઆઈ પોતાની આગામી બેઠકમાં નીતિગત દરોમાં ઘટાડાની જાહેરાત કરી શકે છે.

મોંઘવારી પર કાબૂ પામવા માટે વધાર્યો હતો વ્યાજ દરઃ દેશમાં નીતિગત દર એટલે કે રેપો રેટ ફેબ્રુઆરી ૨૦૨૩થી સતત ૬.૫ ટકાના દરે યથાવત રહ્યા છે. આવું થવા પાછળનું કારણ આરબીઆઈએ જણાવ્યું હતું કે મોંઘવારીને કાબૂમાં કરવા માટેનું છે.

ગોયલે કહ્યું કે દેશની આર્થિક સ્થિતિ મજબૂત છે અને મોંઘવારી કાબૂમાં આવી છે. તેમણે કહ્યું કે ભારતમાં છેલ્લા ૧૦ વર્ષમાં સરેરાશ મોંઘવારી દર ૫થી ૫.૫ ટકા વચ્ચે રહ્યો છે.

આ સૌથી સારું પ્રદર્શન કરનારો દશકો રહ્યો છે. જેના કારણે વ્યાજ દરોમાં ઘટાડો આવ્યો છે અને કેન્દ્રીય બેંક મજબૂત બની છે. તેથી તે આગામી સમયમાં વ્યાજ દરને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું છે ચોક્કસપણે પાછલા કેટલાક વર્ષોમાં મોંઘવારી વધી છે.

જેનું કારણ આંતરાષ્ટ્રીય જિયોપોલિટિકલ સ્થિતિ છે. જેમાં યુક્રેન રશિયા સહિતની ઘટનાના કારણે વ્યાજ દરોમાં ૨.૫૦ ટકા સુધીનો વધારો કરવાની ફરજ પડી છે.

પરંતુ હવે મુદ્રાસ્ફીતિ ઘણા પ્રમાણમાં કાબૂમાં છે. મને આશા છે કે વ્યાજ દરોની સ્થિતિમાં નજીકમાં જ સુધાર આવશે અને તેનાથી આગામી મોનેટરી કમિટીની બેઠકમાં નિર્ણય જડોવા મળી શકે છે, અથવા તો તેના બાદની બેઠકમાં રેપો રેટ જરૂર ઓછો થશે.

૫ એપ્રિલ ૨૦૨૪માં છે આરબીઆઈની આગામી બેઠકઃ તમને જણાવી દઈએ કે કેન્દ્રીય બેંક આરબીઆઈ દર વર્ષે ૪ વાર મોનેટરી કમિટીની બેઠક ફરજીયાતપણે કરે છે. જેમાં તે દેશની આર્થિક સ્થિતિ, મોંઘવારી અને આંતરાષ્ટ્રીય સ્થિતિઓની સમિક્ષાના આધારે નીતિગત વ્યાજ દરો નક્કી કરે છે.

આગામી આરબીઆઈ બેઠક ૫ એપ્રિલના રોજ યોજાશે જેમાં તે વ્યાજ દરો ઘટાડવાની જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ પહેલાની બેઠક ૮ ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ હતી અને તેમાં કેન્દ્રીય બેંકે સતત છઠ્ઠીવાર વ્યાજ દરને યાથાવત ૬.૫ ટકા પર યથાવત રાખ્યો હતો.

કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો આ વર્ષે જાન્યુઆરીમાં ૫.૧ ટકા હતો, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં ૬.૫૨ ટકાના સ્તરે હતો. જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો જાન્યુઆરીમાં ૦.૨૭ ટકાના ત્રણ મહિનાના નીચલા સ્તરે હતો.

જથ્થાબંધ ફુગાવાનો દર મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે નીચે આવ્યો છે. લેટિન અને કેરેબિયન દેશોના પત્રકારોને સંબોધતા, ગોયલે એમ પણ કહ્યું કે સરકાર ૨૦૪૭ સુધીમાં ૩૦,૦૦૦ બિલિયન ડોલરથી ૩૫,૦૦૦ બિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય ધરાવે છે, જે હાલમાં ૩,૭૦૦ બિલિયન ડોલર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.