Western Times News

Gujarati News

IIT-ગાંધીનગર ખાતે રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ શિલાન્યાસ-લોકાર્પણ કાર્યક્રમો યોજાયો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા IIT- ગાંધીનગરના એકેડમિક બિલ્ડિંગનું લોકાર્પણ તેમજ હોસ્ટેલ્સ-સ્ટાફ ક્વાટર્સ બિલ્ડિગનો જમ્મૂથી વર્ચ્યુઅલી શિલાન્યાસ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે જમ્મુથી સમગ્ર દેશના શિક્ષણ-કૌશલ્યના ૮૩ સંકુલોનો શુભારંભ, સમર્પણ અને શિલાન્યાસ કરાવ્યો હતો. આ સાથે તેમણે ગુજરાતમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી – ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, ગાંધીનગરના એકેડેમિક બિલ્ડીંગ ફેઝ-૧(બી) નું લોકાર્પણ અને વિદ્યાર્થીઓની હોસ્ટેલ તથા સ્ટાફ ક્વાર્ટર્સ બિલ્ડીંગનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરાવ્યો હતો. આ અવસરે આઈઆઈટી, ગાંધીનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. Prime Minister Narendra Modi dedicated the Academic Buildings of Phase 1 B at IIT Gandhinagar over video conference on  Feb 20, 2024. The PM also laid the foundation stone for student hostels and staff.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના શિક્ષણ-કૌશલ્યના સ્થાનકો રાષ્ટ્રને સમર્પિત કરીને વિકસિત ભારતભણી વિરાટ ઉડાન આદરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની પ્રતિભા, પરિશ્રમ અને કર્મયોગથી ભારતનું ગૌરવ અને ગરિમા વધાર્યા છે. ભારતના નાગરિકો, ખાસ કરીને દેશની યુવા પેઢી ગર્વ અનુભવી રહી છે કે, એવા કાલખંડમાં આપણે છીએ જ્યાં વિકાસ તેજ ગતિથી થઈ રહ્યો છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દરેક ક્ષેત્રે સમૃદ્ધ ભારતમાં અનેક સંભાવનાઓ હોવા છતાં અન્ય રાષ્ટ્રોની સરખામણીએ પ્રગતિમાં વિલંબ થયો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે પ્રગતિની હરણફાળ ભરી છે. દેશના ૨૫ કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે. ભારત ૧૧મી અર્થવ્યવસ્થામાંથી પાંચમી અર્થવ્યવસ્થા પર પહોંચ્યું છે અને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા સાથે મહાશક્તિ બનવા જઈ રહ્યું છે ત્યારે આ દેશના યુવાનો મહાન રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપે, સહયોગ આપે.

‘વિકસિત ભારતની દિશામાં એક ઊંચી ઉડાન’ના મંત્ર સાથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વિવિધ શહેરોમાં શિક્ષા અને કૌશલ્ય વિકાસના હેતુથી રૂ.૧૩,૩૦૦ કરોડની અલગ અલગ પરિયોજનાઓનો મૌલાના આઝાદ સ્ટેડિયમ, જમ્મૂથી વર્ચ્યુઅલી ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે IIT-ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની  પ્રેરક ઉપસ્થિતિમાં એકેડમિક બિલ્ડિંગ ફેઝ -૧ Bનું લોકાર્પણ તેમજ હોસ્ટેલ્સ અને સ્ટાફ ક્વાટર્સ બિલ્ડિગનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.

આઈ.આઈ.ટી-ગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. રજત મૂનાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે પ્રકૃતિ સાથે સમન્વય સાધીને IIT-ગાંધીનગરને સસ્ટેનેઇબલ કેમ્પસ બનાવવાની પ્રેરણા આપી હતી. આજે IIT-ગાંધીનગરનું કેમ્પસ સસ્ટેનેઇબલ ઉપરાંત પોલ્યુશન ફ્રી અને કાર્બન પોઝિટિવ કેમ્પસ બન્યું છે, અને અન્ય સંસ્થાનો માટે પ્રેરણારૂપ બન્યું છે.

તેમણે વિગતો આપતાં ઉમેર્યું હતું કે, IIT-ગાંધીનગર ખાતે એકેડેમીક બિલ્ડિંગના ફેઝ-૧B હેઠળ વિવિધ ભવનોનું નિર્માણ કરાયું છે. જેમાં અદ્યતન લેબોરેટરી, લાઇબ્રેરી, મેકર્સ સ્પેસ તેમજ વર્ગખંડો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ૧૨૦૦ વિદ્યાર્થીઓને રહેવાની ઉત્તમ સગવડ પૂરી પાડવા માટે ૩૬,૦૦૦ સ્ક્વેર મીટર વિસ્તારમાં નવીન હોસ્ટેલ તેમજ ૩૫,૦૦૦ સ્ક્વેર મીટર વિસ્તારમાં નવા ૧૮૩ સ્ટાફ ક્વાર્ટરનું નિર્માણ કરવા માટે વડાપ્રધાનશ્રીના હસ્તે વર્ચ્યુઅલ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

આજે વડાપ્રધાનશ્રી દ્વારા જમ્મૂથી ભારતભરમાં વર્ચ્યુઅલી ૨૫ સેન્ટ્રલ સ્કૂલ્સ,૧૯ જવાહર નવોદય વિદ્યાલય,૧૨ સેન્ટ્રલ યુનિવર્સિટીઝ,૧૦ IITs, ૫ IIITs, ૩ IIMs, ૨ IISER, ૪ NITs,૧ AICTE અને ૨ સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે IIT-ગાંધીનગર ખાતે પ્રોફેસર, ફેકલ્ટીઝ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.