Western Times News

Gujarati News

કરોડો રૂપિયાના જીરા કૌભાંડમાં આરોપીના આગોતરા જામીન ફગાવાયા

ફિલ્મની ક્રાઈમ સ્ટોરીને ટક્કર મારે એવો કિસ્સો-જીરા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આનંદ ચંદ્રાના આગોતરા જામીન ફગાવાયા

અમદાવાદ, કોઇ હિન્દી ફિલ્મની સ્ટોરી કે ક્રાઇમ કોન્સીપરસીને ટક્કર મારે તેવો કિસ્સો ગુજરાત હાઇકોર્ટમાં આવ્યો હતો. આશરે પોણા છ કરોડના જીરાના માલને સંગ્રહ કરવા માટે વિશાળ ગોડાઉન ભાડે રખાયુ, જેનું ગોડાઉન ભાડે રખાયુ તેના જ એરિયા મેનેજર મારફતે કરોડોનો જીરાનો માલ સંગ્રહિત કરાયેલા ગોડાઉનની રખેવાળી કરવા સુપરવાઇઝર નીમાયો.

બીજીબાજુ, પાક લોનના ઓઠા હેઠળ જીરાના લાખો કિલો માલ પર કરોડો રૂપિયાની લોનો જુદી જુદી બેકોમાંથી લઇ લેવાઇ. બેંકોમાંથી કરોડો રૂપિયા સેરવી લીધા બાદ પોલીસમાં ફરિયાદ કરાઇ કે, જીરાનો માલ તો ખુદ સુપરવાઇઝર જ ચોરી ગયો છે અને ફરિયાદ કરનાર કોણ..તો જેણે માલ મૂકયો તો એ પોતે. બીજીબાજુ, કરોડો રૂપિયાનો જીરાનો માલ ખુલ્લા બજારમાં બારોબાર વેચી મરાયો.

એટલું જ નહી, જીરાનો કરોડો રૂપિયાનો માલ ચોરાઇ ગયો હોવાની ફરિયાદના આધારે ઇન્શ્યોરન્સ પકવવાનો પ્રયાસ થયો. ચોંકાવનારી વાત તો એ સામે આવી કે, આ સમગ્ર કૌભાંડમાં ફરિયાદ નોંધાવનાર પણ આરોપી મંડળીનો સભ્ય પૈકીનો પોતે પણ આરોપી જ હતો. કરોડો રૂપિયાના આ જીરા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આનંદ ચંદ્રાને આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.સી.દોશીએ સાફ ઇન્કાર કરી દીધો હતો.

આરોપીઓની મોડેસ ઓપરેન્ડી અને ગુનાની આખી શૃંખલા જાણી ખુદ હાઇકોર્ટ પણ એક તબક્કે ચોંકી ઉઠી હતી અને સમગ્ર કૌભાંડન ખૂબ જ ગંભીર ગણાવી આનંદ ચંદ્રા મુખ્ય સૂત્રધાર હોઇ તેની આગોતરા જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. આર્ય કોલેટરલ વેર હાઉસીંગ સર્વિસીસ પ્રા.લિના આરોપી ડાયરેકટર આનંદ ચંદ્રાની આગોતરા જામીન અરજીનો સખત વિરોધ કરતાં રાજય સરકાર તરફથી અધિક સરકારી વકીલ અસ્મિતા પટેલે આ કેસમાં બહુ સનસનીખેજ અને ચોંકાવનારી હકીકતો હાઇકોર્ટના ધ્યાન પર મૂકતાં જણાવ્યું કે,

મેસર્સ યુગ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ચેતન પૂંજાભાઇ પટેલે કડી પોલીસ મથકમાં આર્ય કોલેટરલ વેરહાઉસીંગ સર્વિસીસ પ્રા.લિ.ના સુપરવાઇઝર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આક્ષેપો મુજબ, આર્ય કોલેટરલના કડી વેરહાઉસીંગ(વિશાળ ગોડાઉન)માં તા.૧૬-૩-૨૦૨૧થી તા.૨૪-૪-૨૦૨૧ દરમ્યાન રૂ.પાંચ કરોડ, ૬૨ લાખ, ૮૩ હજાર, ૭૫૦ની કિંમતનો ૭૪૦૬ જીરાની મોટી બોરીઓ(થેલીઓ)નો ચાર લાખ, ૫૪ હજાર, ૨૭૦ કિલોગ્રામ જેટલો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો.

ચેતન પટેલે જીરાનો આટલો મોટો જથ્થો રાખવા માટે આર્ય કોલેટરલને પોણા બે લાખ જેટલું ભાડુ પણ ચૂકવ્યું હતું. બીજીબાજુ, જીરાના આ જથ્થા પર ચેતન પટેલે ICICI બેંકમાંથી રૂ.૨.૧૬ કરોડ, એકસીઝ બેંકમાંથી રૂ.૯૩ લાખ, ૩૮ હજાર અને આર્યધીનમાંથી રૂ.૯૪ લાખ, ૧૨ હજારની લોન લઇ લીધી હતી. કરોડો રૂપિયાના જીરાના માલની અને ગોડાઉનની રખેવાળી કરવા આર્યધીન ફાયનાન્સીયલ પ્રા.લિના એરિયા મેનેજર પ્રકાશ ડી.પરમાર મારફતે અમિત પ્રજાપતિ નામના એક શખ્સને ગોડાઉનના સુપરવાઇઝર તરીકે નિયુકત કર્યો હતો.

ત્યારબાદ તા.૨૪-૫-૨૦૨૧ના રોજ આખા રાજયના વેર હાઉસના નિયંત્રણ રાખનાર કલસ્ટર મેનેજર દિપક વિશ્વકર્માએ ફરિયાદી ચેતન પટેલને બોલાવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા સુપરવાઇઝર અમિત પ્રજાપતિએ ગોડાઉનમાં કરોડો રૂપિયાનો જીરાનો માલ ઉપાડી(ચોરી) લીધો છે અને ચાવી વોચમેનને આપી છે. જેથી ચેતન પટેલે જેના મારફતે સુપરવાઈઝર રાખ્યો હતો તે પ્રકાશ પરમાર અને અન્ય બે સીકયોરીટી ગાર્ડ સાથે ગોડાઉનનું વેરીફાય કર્યું તો કરોડોનો જીરાનો માલ ગાયબ હતો.

જેથી ચેતન પટેલે આશરે પોણા છ કરોડ રૂપિયાના જીરાના માલની ચોરીની ફરિયાદ આપી હતી. અધિક સરકારી વકીલ અસ્મિતા પટેલે હાઇકોર્ટને જણાવ્યું કે, કૌભાંડની ગુનાહિતતા અને મોડેસ ઓપરેન્ડીની શૃંખલા આટલેથી અટકતી નથી પરંતુ આગળ વધે છે. સમગ્ર જીરા કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે આનંદ ચંદ્રાનું નામ ખૂલ્યું છે. જેના કહેવાથી જ ઉપરોકત તમામ આરોપીઓએ પ્લાનીંગ મુજબ, ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો છે.

જેમાં ચેતન પટેલ ફરિયાદી પણ પોતે જ આરોપી નીકળ્યો છે. આરોપીઓએ સૌપ્રથમ આનંદ ચંદ્રાના કહેવાથી જીરાનો કરોડોનો માલ ગોડાઉનમાં ભાડે મૂકી દીધો, એ પછી જુદી જુદી બેંકોમાંથી કરોડો રૂપિયાની લોનો મેળવી લીધી એ પણ જીરાના માલના વજનની, માલના સંગ્રહની બોગસ રિસીપ્ટ સહિતના દસ્તાવેજોના આધારે. બેંકોમાંથી કરોડોની લોન મેળવી લેવાઇ તેમાંથી રૂ.૯૦ લાખ ખુદ ફરિયાદી ચેતન પટેલને ટ્રાન્સફર કરાયા હતા.

લોનો લઇ લીધા બાદ બીજીબાજુ, આરોપીઓએ કરોડો રૂપિયાનો જીરાનો માલ ખુલ્લા બજારમાં વેચી કાઢયો અને ત્યાંથી પણ કરોડો રૂપિયાની કમાણી કરી. આટલુ ઓછુ હોય તેમ જીરાના કરોડોના માલની ચોરીની ફરિયાદના આધાર પર ઇન્શ્યોરન્સની રકમ પકવવાનો હીન પ્રયાસ કરાયો. બહુ ખતરનાક ષડયંત્ર અને પ્લાનીંગવાળી મોડેસ ઓપરેન્ડીના આધારે કરોડો રૂપિયાના જીરા કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે.

મુખ્ય સૂત્રધાર આનંદ ચંદ્રા આ કેસમાં નાસતો ફરે છે અને તેથી તેની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી બને છે. તેથી હાઇકોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવી દેવા જોઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ જે.સી.દોશીએ જીરા કૌભાંડના સૂત્રધાર આનંદ ચંદ્રાના આગોતરા જામીન આકરા વલણ સાથે ફગાવી દીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.