Western Times News

Gujarati News

પ્રોપર્ટી ટેક્સના કરદાતાઓ માટે ‘હેલ્પ ડેસ્ક’ શરૂ કરાશે

ઓછું ભણેલા કે ઓનલાઈન અરજીની સમજણ ન ધરાવતા કરદાતાઓને હેલ્પ ડેસ્કમાં ટેકનિકલ માર્ગદર્શન પૂરું પડાશે

(એજન્સી) અમદાવાદ, રાજયની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદનો વિકાસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. શહેર જાણે કે સિમેન્ટ- કોંક્રીટના જંગલમાં ફેરવાઈ ગયું હોય તેમ આકાશને આંબતી ઉંચી ઉંચી બિલ્ડિંગ પણ હવે સામાન્ય બાબત બની છે. અમદાવાદ જેટલું હોરિઝોન્ટલ વિકાસ નથી પામતું એનાથી દસ ગણું વર્ટિકલી વધતું જાય છે.

પરિણામે રહેણાક અને બિનરહેણાક મિલકતોની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. હાલમાં શહેરમાં અંદાજે રર લાખથી વધુ મિલકતો છે, જેમનો પ્રોપર્ટી ટેકસ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરવામાં આવે છે. આવા લાખો પ્રોપર્ટી ટેકસારકો માટે શહેરના ભાજપના શાસકો નીતનવાં આયોજન હાથ ધરતા રહ્યા છે, જેના કારણે પ્રોપર્ટી ટેકસધારકો કે કરદાતાઓની હાડમારી ઓછી થાય. આ દિશામાં વધુ એક ડગલું શાસક પક્ષ દ્વારા ભરવામાં આવી રહ્યું છે, જેઅંતર્ગત શહેરમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતાં મ્યુનિસિપલ રેવન્યૂ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા કહે છે, પ્રોપર્ટી ટેકસના કરદાતાઓને નામ ટ્રાન્સફર, ક્ષેત્રફળ, માલિકીના પ્રશ્નો, ખાલી-બંધ મિલકત વગેરે મામલે ખાસ કરીને ઓછું ભણેલા કે ઓનલાઈન અરજીની પ્રક્રિયા ન જાણતા લોકોને અડચણમાં મુકાવું પડે છે. આ બાબતોમાં કરદાતાઓને વધુ સરળીકરણ થાય અને તેમને યોગ્ય દિશાનું માર્ગદર્શન મળી રહે તેવા આશયથી મ્યુનિ. તંત્રના સાત ઝોનમાં ઝોનદીઠ એક હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવશે.

ઝોનદીઠ એક હેલ્પ ડેસ્ક શરૂ કરવાની વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવાઈ રહી છે, જેમાં આઉટસો‹સગથી કામ લેવાશે. આ હેલ્પ ડેસ્ક તંત્રના ઓફિસ અવર્સમાં ફરજ બજાવશે અને બે કર્મચારીની નિમણુક કરવામાં આવશે. હેલ્પ ડેસ્કમાં કરદાતાઓને કઈ રીતે ઓનલાઈન અરજી કરવી, કયા પેપરની આવશ્યકતા પડશે વગેરે બાબતોને લઈને પુરેપુરી ટેકનિકલ મદદ અપાશે તેમ પણ રેવન્યુ કમિટિના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા વધુમાં કહે છે.

હેલ્પ ડેસ્કમાં આવેલી રજૂઆતોને દરરોજ સાંજે ઝોનના ટેકસ વિભાગના ઉચ્ચ અધિકારી સમક્ષ મુકાશે અને આ ઉચ્ચ અધિકારી આગળની બાબતમાં પ્રક્રિયા હાથ ધરી કરદાતાને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સહાયરૂપ બનશે તેમ ચેરમેને જણાવ્યું છે.

એક તરફ પ્રોપર્ટી ટેકસધારકોને ટેકનિકલ સહાય પૂરી પાડવા માટે શાસકોએ હેલ્પ ડેસ્કની વ્યવસ્થા ગોઠવવાની દિશામાં કવાયત આરંભી છે તો બીજી તરફ પૂર્વ ઝોનમાં મ્યુનિ. પ્રોપર્ટી ટેકસ વિભાગે એસઆરપી જવાનોને સાથે રાખીને ડિફોલ્ટર્સની મિલકતોને તાળાં મારવાની કામગીરી હાથ ધરી છે. ગઈ કાલે પૂર્વ ઝોનમાં ડિફોલ્ટર્સની કુલ રર૭ કોમર્શિયલ મિલકતને તંત્રએ તાળાં મારી રૂ.ર.૧૦ કરોડનો ટેકસ વસૂલ્યો હતો. વિરાટનગરના શ્રીહરિ એસ્ટેટ અને ક્રિશ્ના એસ્ટેટ, વસ્ત્રાલના આસ્થા કોમ્પલેક્ષ, હાથીજણના રાધે કોર્નર, ઓઢવના વી.કે. એસ્ટેટ વગેરે સ્થળોએ તંત્રા ત્રાટક્યું હતું.

શહેરના સૌથી સુખી અને સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનની સૌથી વધુ ર૧૯ર મિલકતને તંત્રએ તાળાં મારી દીધા હતા. આ ઝોનમાંથી સત્તાવાળાઓએ રૂ.૧.૧૪ કરોડની આવક મેળવી હતી. વાસણાના રિવર સાઈડ પાર્ક, ગુપ્તાનગર, પ્રવીણનગર, પાયલ શોપિંગ સેન્ટર, સીજી રોડના પાર્કર હાઉસ, આરંભ, આશ્રમ રોડના મરડિયા પ્લાઝા, સ્ટેડિયમના સંપન્ન કોમ્પલેક્ષ, નિર્માણ ટ્રેડ સેન્ટર વગેરે સ્થળોએ તંત્રએ સીલિંગ ઝુંબેશ હાથ ધરી હતી.

ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડના પેરેડાઈઝ પ્લાઝા, ક્રિશ્ના કોમ્પલેક્ષ, દેવપ્રીત કોમ્પલેક્ષ, બિનોરી સ્કવેર-ર, અર્સિટા હેરિટેજ બિલ્ડિંગ વગેરે સ્થળોએ આવેલી મોટી રકમના ડિફોલ્ટર્સની મિલકતને તંત્રએ સીલ કરતાં ડિફોલ્ટર્સમાં ગભરાટ પ્રસરી ગયો હતો. ઉત્તર પશ્ચિમ ઝોનમાં કુલ ૧ર૮ર મિલકતને તાળાં મારી તંત્રએ રૂ.૧.૧૮ કરોડની આવક વસુલી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.