Western Times News

Gujarati News

ઈરાને પાકિસ્તાનની સરહદમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી

તહેરાન, ઈરાને ફરી એકવાર પાકિસ્તાનમાં ઘુસીને હુમલો કર્યો છે. તેમની સેનાએ જૈશ-અલ-અદલના ઠેકાણાઓ પર હુમલો કરીને આતંકી સંગઠનના કમાન્ડર ઈસ્માઈલ શાહબક્ષ અને તેના કેટલાક અન્ય સહયોગીઓને મારી નાખ્યા છે.

ઈરાનના સરકારી મીડિયાને ટાંકીને આ માહિતી બહાર આવી છે. અહેવાલ છે કે ઈરાનની સેનાએ શુક્રવારે સાંજે સીસ્તાન-બલુચિસ્તાનના સરહદી પ્રાંતની નજીક પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી શાહબક્ષને ઠાર માર્યો હતો. તાજેતરમાં બંને દેશોએ એકબીજા પર હવાઈ હુમલા કર્યા હતા.

મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, જૈશ અલ-અદલની રચના વર્ષ ૨૦૧૨માં થઈ હતી. ઈરાને તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ એક સુન્ની આતંકવાદી જૂથ છે. આ સંગઠન ઈરાનના દક્ષિણ-પૂર્વ પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનથી સંચાલિત છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં જૈશ અલ-અદલે ઈરાની સેનાના જવાનોને નિશાન બનાવ્યા છે અને તેમના પર હુમલા કર્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જૈશ અલ-અદલે સિસ્તાન-બલુચિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો અને તેની જવાબદારી લીધી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૧ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા.

મીડિયા રિપોર્ટ્‌સમાં કહેવામાં આવ્યું છે કે ગયા મહિને એકબીજાના વિસ્તારોમાં આતંકવાદી ટાર્ગેટ પર હવાઈ હુમલા બાદ પાકિસ્તાન અને ઈરાન સુરક્ષામાં સહયોગ કરવા માટે સહમત થયા હતા.

આ કરારની જાહેરાત પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની અને તેમના ઈરાનના સમકક્ષ હોસૈન અમીર-અબ્દુલ્લાહિયાને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરી હતી. આ પત્રકાર પરિષદ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયમાં યોજાઈ હતી.

આ દરમિયાન જિલાનીએ કહ્યું હતું કે ઈરાન અને પાકિસ્તાન બંને જલદી ગેરસમજ દૂર કરી શકે છે. બંને દેશો પોતપોતાના ક્ષેત્રમાં આતંકવાદ સામે લડવા અને એકબીજાની ચિંતાઓને દૂર કરવા પણ સંમત થયા હતા.

જો કે ઈરાનના હુમલા બાદ ફરી એકવાર બંને દેશો વચ્ચે તણાવ વધવાની પૂરી શક્યતાઓ છે. સમજૂતી પહેલા તેહરાન અને ઈસ્લામાબાદ વચ્ચે તણાવ વધી ગયો હતો. ઈરાને જૈશ અલ-અદલના બે હેડક્વાર્ટરને નષ્ટ કરવા માટે ૧૬ જાન્યુઆરીની મોડી રાત્રે પાકિસ્તાનમાં મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા.

પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે ઈરાનના હુમલામાં બે બાળકોના મોત થયા છે અને ત્રણ છોકરીઓ ઘાયલ થઈ છે. હુમલા બાદ પાકિસ્તાને ૧૭ જાન્યુઆરીએ ઈરાનથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. તેના એક દિવસ પછી, ૧૮ જાન્યુઆરીએ, પાકિસ્તાને જવાબી કાર્યવાહીમાં ઈરાનની અંદર હુમલો કર્યો. ઈસ્લામાબાદે કહ્યું હતું કે તેણે આતંકવાદી સંગઠનો બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (મ્ન્હ્લ)ના સ્થાનોને નિશાન બનાવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.