Western Times News

Gujarati News

ડોર ટુ ડોર કચરો ઉપાડવા આવતી ગાડીઓમાં ચાલી રહ્યું છે આવું કૌભાંડ

પ્રતિકાત્મક

કચરો એકત્રિત કરવાની કામગીરીમાં રેતી પથ્થરો ભરાતા એજન્સીને નોટીસ-ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાના મામલે વજન વધારવા રેતી પથ્થરના કોથળા ભરાતા હોવાની ફરિયાદ સામે કોર્પોરેશન એકશન મોડમાં

ગાંધીનગર, કોર્પોરેશન દ્વારા શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા માટે સફાઈ એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે આ એજન્સી દ્વારા વધારે વજન બતાવવા માટે કચરાની સાથે માટી અને પથ્થરના કોથળા ભરવામાં આવતા હોવાનું ધ્યાને આવ્યું છે જેના અંતે કોર્પોરેશન દ્વારા આ એજન્સીને નોટીસ આપવામાં આવી છે.

ટેન્ડરની શરતોમાં સ્પષ્ટ કરવામાં આવેલી છે છતાં પણ એજન્સી દ્વારા આ પ્રકારની પેરવી કરવામાં આવતી હોવાનો મામલો પ્રકાશમાં આવતા કોર્પોરેશનનું તંત્ર પણ એકશન મોડમાં આવ્યું છે શહેરના વિસ્તારોને બે ભાગમાં વહેંચીને જુદી જુદી એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે આ અન્વયે નવા વિસ્તારોમાં દરબાર એજન્સીની જવાબદારી છે તો

બીજી તરફ સેકટર એરિયામાં સ્વચ્છતા કોર્પોરેશન નામની એજન્સી આ કામગીરી કરે છે. જયારે આ કામને અનુલક્ષી એજન્સીને ટન મુજબ રૂ.ર૪૮૮ની ચુકવણી કરવામાં આવે છે પરંતુ એજન્સી દ્વારા વધુ વજન દર્શાવવા માટે કચરાની સાથે માટી અને પથ્થરો પણ ઉલેચવામાં આવે છે. જયારે આ હરકત મામલે વિપક્ષના નેતા અંકિત બારોટે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી હતી.

ફરિયાદના અંતે એજન્સીને નોટીસ આપવામાં આવી છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર જે.એમ. ભોરણિયાએ આપેલી નોટીસમાં જણાવ્યા મુજબ ટેન્ડરની શરત અન્વયે કોન્ટાકટર કાટમાળ, માટી, પથ્થર, ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ, મેડિકલ વેસ્ટનું એકત્રિકરણ અને પરિવહન કરવાનું રહેતું નથી.

આવા સંજોગોમાં ગાડીમાં પથ્થર રેતી ભરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હોવાના ફોટોગ્રાફ સામે આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે ટેન્ડરની શરત અન્વયે જવાબદાર સામે માસિક બીલના ૧૦ ટકા સુધીની રકમની પેનલ્ટી કેમ ના કરવી તેનો ખુલાસો પણ બે દિવસમાં કરવા સૂચના આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.