Western Times News

Gujarati News

આગ લાગે તો કોણ દોડશેઃ અમદાવાદમાં ફાયર બ્રિગેડમાં 276 જગ્યાઓ ભરવાની બાકી

પ્રતિકાત્મક

ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસરની જગ્યા ઈન્ચાર્જના હવાલેઃ ૭૭ ફાયરમેનની જગ્યા પણ ખાલી

(એજન્સી)અમદાવાદ, શહેરમાં સંકટ સમયના અડીખમ પ્રહરી એવા મ્યુનિ. ફાયર બ્રિગેડ દ્વારા રાઉન્ડ ધ ક્લોક જાંબાઝ કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનો આગ અકસ્માત વગેરે માનવસર્જિત કે ભૂકંપ-પૂર જેવી કુદરતી વિપદામાં પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ અમદાવાદીઓના જાનમાલની સુરક્ષા કરતા આવ્યાછે. નાગરિકો માટે મ્યુનિ. ફાયર બ્રિગેડ એ હંમેશાં સંકટ સમયની સાંકળ બની છે. દરમિયાન, મ્યુનિસિપલતંત્ર દ્વારા સંચાલિત ફાયર બ્રિગેડમાં મંજૂર કરાયેલી કુલ જગ્યાઓ પૈકી ૬૫ ટકા જગ્યા ભરાયેલી છે અને હજુ ૩૫ ટકા જગ્યા ભરવાની બાકી છે તેવી માહિતી પ્રકાશમાં આવી છે.

ગોમતીપુર વોર્ડના સિનિયરકોર્પાેરેટર ઈકબાલ શેખ દ્વારા તાજેતરમાં યોજાયેલી મ્યુનિસિપલ બજેટ બેઠક દરમિયાન પૂછાયેલા સવાલોની તંત્ર દ્વારા અપાયેલી સત્તાવાર માહિતી મુજબ મ્યુનિ. ફાયર બ્રિગેડમાં ટેકનિકલ અધિકારી અને કર્મચારી સ્ટાફની કુલ ૭૭૮ જગ્યા મંજૂર થયેલી છે, જે પૈકી ૫૦૨ જગ્યા ભરાઈ છે, જે કુલ શિડ્યુલ જગ્યાની ૬૫ ટકા ભરાયેલી જગ્યા દર્શાવે છે, જ્યારે ૨૭૬ જગ્યા ભરવાની થાય છે.

કોર્પાેરેટર ઈકબાલ શેખને તંત્ર દ્વારા જે તે જગ્યાના સંદર્ભમાં અપાયેલી સત્તાવાર માહિતીમાં દર્શાવ્યા મુજબ ચીફ ફાયર ઓફિસરની એક જગ્યા પૈકી તે જગ્યા ભરવાની બાકી છે. એડિશનલ ચીફ ફાયર ઓફિસરની પણ એક જગ્યા પૈકી તે જગ્યા પણ ભરાઈ નથી અને ઈન્ચાર્જ અધિકારી હાલમાં ફરજ બજાવી રહ્યા છે. ચાર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરપૈકી બે જગ્યા ભરાઈ છે અને બે જગ્યા ખાલી છે.ડિવિઝનલ ફાયર ઓફિસરના મામલે ફાયર બ્રિગેડ વિભાગ નસીબદાર ઠર્યાે છે. આની ચારેય જગ્યા ભરાયેલી છે.

શહેરમાં ચાંદખેડા, સાબરમતી, નવરંગપુરા, થલતેજ, મણિનગર, જશોદાનગર, પ્રહલાદનગર, બોડકદેવ, બોપલ એમ મળીને કુલ ૧૮ ફાયર સ્ટેશન કાર્યરત છે. આ ૧૮ ફાયર સ્ટેશન પૈકી ૧૫ ફાયર સ્ટેશનમાં સ્ટેશન ફાયર ઓફિસર ફરજ બજાવે છે, જ્યારે ત્રણ ફાયર સ્ટેશન ફાયર ઓફિસર વગરના છે. સબ ફાયર ઓફિસરના મામલે કુલ ૨૧ જગ્યા મંજૂર કરાયેલી છે, જેમાં ૧૧ જગ્યાએ સબ ફાયર ઓફિસર ફરજ બજાવતા હોઈ દસ જગ્યા હજુ ભરાઈ નથી. જમાદારના મામલે કુલ ૫૪ જગ્યા પૈકી ૩૫ જગ્યા ભરાયેલી હોઈ ૧૯ જગ્યા ખાલી પડે છે.

શહેરીજનોને આગ લાગવાના કે રેસ્ક્યુના કિસ્સાઓમાં ફાયર બ્રિગેડની યાદ આવે છે અને તેવા સમયે ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનો તુરંત ઘટના સ્થળે દોડી જાય છે. મ્યુનિસિપલ ફાયર બ્રિગેડમાં ફાયરમેનની કુલ ૪૦૮ જગ્યા મંજૂર કરાયેલી છે, જે પૈકી ૨૮૧ જગ્યા પર ફાયરમેન અને ૫૦ ગ્યા પર સહાયક ફાયરમેન કાર્યરત છે, હજુ ૭૭ જગ્યા ભરવાની થાય છે.

ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની ૧૫૯ જગ્યાને મંજૂર કરવામાં આવેલી છે. આ મંજૂર કરાયેલી જગ્યાઓ પૈકી ૧૦૪ જગ્યા પર ફરજ નિભાવી રહેલા પંપ ઓપરેટર છે, જ્યારે ૫૫ જગ્યા ભરવાની બાકી છે, જો કે સહાયક ્‌રાઈવર અને ડ્રાઈવર ઈમર્જન્સીના મામલે ફાયર બ્રિગેડ વિભાગને તમામ જગ્યા ભરવાની થાય છે. સહાયક ડ્રાઈવરની ૨૨ જગ્યા અને ડ્રાઈવર ઈમર્જનસીની ૮૬ જગ્યા ભરવાની પ્રતીક્ષામાં છે.

વર્કશોપ ડિપાર્ટમેન્ટની ૨૬ જગ્યા પૈકી આઠ જગ્યા ભરવામાં આવી છે અને ૧૮ જગ્યા વણભરાયેલી છે, જેમાં ફોરમેનની એક જગ્યા, હેડ મિકેનિકની એક જગ્યા, મિકેનિકની પાંચ જગ્યા ઈલેક્ટ્રિશનય વર્કશોપની બે જગ્યા, ઓટો ઈલેક્ટ્રિશિયનની એક જગ્યા, વેલ્ડરની એક જગ્યા, કાર્પેન્ટરની એક જગ્યા, મોચીની એક જગ્યા, ક્લીનરની એકજગ્યા, સ્ટોરકીપર વર્કશોપની એક જગ્યા ભરાઈ નથી.

માત્ર હેલ્પરની ૧૦ જગ્યા પૈકી આઠ જગ્યા ભરવામાં આવી છે. કુલ ૨૬ જણાના મંજૂર થયેલા સ્ટાફ સામે આઠ કર્મચારી ફરજ બજાવે છે અને ૧૮ની જગ્યા ખાલી પડી છે. અન્ય સ્ટાફ પૈકી સ્ટ્રેચર બેરરની ૧૮ જગ્યામાંથી ૧૭ જગ્યા ભરાઈ ચૂકી છે. સફાઈ કામદારની નવ પૈકી ત્રણ જગ્યા ભરાઈ છે. જ્યારે પાર્ટટાઈમ સ્વિપરની બંને જગ્યા ખાલી પડી છે, આમાં ૨૯ જગ્યા પૈકી ૨૦ જગ્યા ભરાયેલી અને નવ જગ્યા ખાલી પડી છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.