Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી USના પ્રેસિડન્ટ બને તેવી પૂરી શક્યતા

બાઈડેનની ઉંમર હોવાથી અમેરિકનો તેમને પ્રેસિડન્ટ તરીકે જોવા માગતા નથી

ભારતીય મૂળના રાજકારણી અને બિઝનેસમેન વિવેક રામાસ્વામી પણ મજબૂત સ્થિતિમાં છે અને તેઓ વાઈસ પ્રેસિડન્ટ બને તેવી શક્યતા છે

નવી દિલ્હી, અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી હવે નજીક આવી ગઈ છે અને એક સમયે જેને તરંગી અને ધૂની કહીને ઉતારી પાડવામાં આવતા હતા તે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત યુએસના પ્રેસિડન્ટ બને તેવી શક્યતા છે. આ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ટ્રમ્પની ઉમેદવારી લગભગ નક્કી માનવામાં આવે છે. તેઓ બીજી વખત પ્રેસિડન્ટ પણ બની શકે છે. અત્યારના પ્રમુખ જો બાઈડેનની ઉંમર વધારે છે અને અમેરિકનો તેમને ફરીથી પ્રેસિડન્ટ તરીકે જોવા માગતા નથી.

મોટા ભાગના અમેરિકન માને છે કે ટ્રમ્પ વખતે વધારે સારી કામગીરી થઈ હતી. નવેમ્બર મહિનામાં અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી યોજાશે. સાઉથ કેરોલિનામાં યોજાયેલી રિપબ્લિકન પાર્ટીની પ્રાઈમરીમાં ટ્રમ્પે તેમના હરીફ નિક્કી હેલીને આસાનીથી હરાવી દીધા હતા. નિક્કી હેલી ભારતીય મૂળના ઉમેદવાર છે. આ વિજય પછી યુએસ પ્રેસિડન્ટની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવા માટે એક કદમ આગળ વધ્યા છે.

તેઓ હવે જો બાઈડન સામે ટક્કર લેશે. ડોનાલ્ડ ટ્રમ્પના રનિંગ મેટ એટલે કે ટ્રમ્પ પ્રેસિડન્ટ બને તો વાઈસ પ્રેસિડન્ટ બનવા માટે ક્રિસ્ટી નોએમ અને ભારતીય મૂળના વિવેક રામાસ્વામી વચ્ચે ટક્કર છે. આ બંનેને વાઈસ પ્રેસિડન્ટ માટે ફેવરિટ માનવામાં આવે છે. નિક્કી હેલી અને ટ્રમ્પ વચ્ચેની ટક્કરમાં ડોનાલ્ડ ટ્રમ્પનું પલડું પહેલેથી ભારે હતું. આ ટક્કરમાં તેઓ ૯૪ ટકા વોટ મેળવીને વિજેતા બન્યા છે જ્યારે હેલીને માંડ પાંચ ટકા વોટ મળ્યા હતા. સ્ટ્રો પોલમાં ક્રિસ્ટી નોએમ અને રામાસ્વામી બંનેને ૧૫-૧૫ ટકા વોટ મળ્યા હતા. જ્યારે તુલસી ગબ્બાર્ડ ત્રીજા ક્રમે હતા.

વર્ષ ૨૦૨૦માં ડેમોક્રેટ તરીકે ગબ્બાર્ડ હરીફાઈમાં હતા પરંતુ ત્યાર પછી તેમણે પક્ષ છોડી દીધો હતો અને હવે તેઓ સ્વતંત્ર ઉમેદવાર છે. તેઓ ૯ ટકા વોટ સાથે ત્રીજા ક્રમે હતા. ત્યાર બાદ સ્ટેફેનિક અને સેનેટર ટીમ સ્કોટ ૮-૮ ટકા વોટ મેળવીને સૌથી પાછળ હતા. ચૂંટણી જાહેર થયા પછી તાજેતરના લેટેસ્ટ સરવેમાં એવું જાણવા મળે છે કે ટ્રમ્પ જ જીતે તેમ છે. ટ્રમ્પ સામે ઘણા બધા ગંભીર આરોપો થયા છે અને તેમની સામે ક્રિમિનલ કેસ પણ થયેલા છે.

છતાં તેઓ લીડમાં સૌથી આગળ છે. ટ્રમ્પને ચેલેન્જ કરવામાં નિક્કી હેલી પણ હારી ગયા છે જેઓ બે વખત ગવર્નરની ચૂંટણી જીત્યા હતા. નિક્કી હેલી હવે ઉમેદવારોની રેસમાંથી નીકળી જાય તેવી શક્યતા છે. ન્યૂયોર્ક ટાઈમ્સે આપેલા અહેવાલ અનુસાર મત ગણતરી પૂર્ણ થાય તે પહેલા જ ટ્રમ્પને ૫૯ ટકાથી વધારે વોટ મળી ગયા હતા, ભારતીય મૂળના નિક્કી હેલીને ૩૯ ટકા વોટ મળ્યા હતા. બીજી તરફ, ડેમોક્રેટિક પાર્ટી માટે પ્રાઈમરી ચૂંટણી ૪ ફેબ્રુઆરીએ યોજાઈ હતી જેમાં બાઇડનની જીત થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.