Western Times News

Gujarati News

સરદારધામમાંથી તાલીમ મેળવી સરકારી સેવામાં પસંદગી પામેલા યુવાનોનો સન્માન સમારોહ યોજાયો

*વિદ્યાની પ્રાપ્તિ એ વ્યક્તિ માટે આજીવિકાનું સાધન બનાવે છે.  વિદ્યા એ કામ કરવાની ક્ષમતા વધારે છે: ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત*

*સરદાર પટેલે દેશની આઝાદી પછી 562 જેટલા રાજા રજવાડાઓનું એકત્રીકરણ કરી ભારત દેશનું નિર્માણ કર્યું: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત*

સરદારધામ સંસ્થામાંથી તાલીમ મેળવી સરકારી સેવામાં પસંદગી પામેલ યુવાનોનો અધિકારી સન્માન સમારોહ સરદારધામ અમદાવાદ ખાતે યોજાયો હતો.

જેમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે સરકારી સેવામાં પસંદગી પામેલ અધિકારીઓને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સરદાર ધામમાં મેડિકલ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, સરદાર ધામનું નિર્માણ જે ઉદ્દેશ સાથે થયું હતું, તે સંસ્થાના યુવાનોની ઉપલબ્ધિ જોઈને પરિપૂર્ણ થતું દેખાઈ રહ્યું છે. સરદાર ધામનું નિર્માણ પાટીદાર સમાજના એવા લોકોને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું છે કે, જેમની આર્થિક પરિસ્થિતિ યોગ્ય ન હોય અને શિક્ષણનું સાચું માર્ગદર્શન પ્રાપ્ત ન થતું હોય જેથી તેવા લોકોને સાચું માર્ગદર્શન આપી આગળ વધારી શકાય અને વિકાસની હરોળમાં લાવી શકાય તે ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, અને આજે અન્ય સ્થળો પર પણ સરદાર ધામ સંસ્થાની વિવિધ શાખાઓનું કામ ચાલુ છે તે સરાહનીય બાબત છે તેમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે વિદ્યાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, વિદ્યાની પ્રાપ્તિ એ વ્યક્તિ માટે આજીવિકાનું સાધન બનાવે છે.  વિદ્યા એ કામ કરવાની ક્ષમતા વધારે છે, બુદ્ધિ અને વિવેક અપાવે છે અને આ તમામ પાસાઓ થકી વ્યક્તિ- સમાજનો વિકાસ કરાવે છે. વિદ્યા એવી બાબત છે કે, જેને કોઈ ચોર ચોરી કરી શકતો નથી, સમાજમાં જેમ સંપત્તિના ભાગલા થાય છે તેમ વ્યક્તિની વિદ્યાના ભાગલા કરી શકાતા નથી તેથી વિદ્યા એ બહુમૂલ્ય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરતા જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે ભારત દેશની આઝાદી પછી તમામ રાજા રજવાડાઓ અને વિવિધ પ્રદેશના કુલ 562 જેટલા લોકોનું એકત્રીકરણ કરી ભારત દેશનું નિર્માણ કર્યું હતું. તેમજ વધુમાં કહ્યું કે, આઝાદી પછી રાષ્ટ્રનું કોઈ મહાપુરુષે નિર્માણ કર્યું છે, તો તે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ છે.

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતની ભૂમિએ સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, સવામી દયાનંદ સરસ્વતી, સરદાર પટેલ, નરસિંહ મહેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા સમાજ સુધારકો આપ્યા છે, તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત વધુમાં જણાવ્યું હતું કે, આજે અહી ઉપસ્થિત તમામ યુવાનો અધિકારીશ્રીઓ જે- તે ક્ષેત્રમાં કાર્ય કરવાના છે તે તમામ યુવાનો સારા સમાજનિર્માણ અને રાષ્ટ્રનિર્માણ માટે હર- હંમેશ પ્રયત્નશીલ રહેશે તેવી હું આશા રાખું છું અને જીવનમાં સૌથી અમૂલ્ય બાબત એ કર્મ છે, માટે કર્મના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી હર- હંમેશ લોકોને મદદરૂપ થશો અને ધન, વિદ્યા તેમજ બળનો સદઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું.

અંતે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ દેશ આજે આધ્યાત્મિક અને ભૌતિકરૂપે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે, અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ પણ થશે તો આપ સૌ ભારતના વિકાસમાં ભાગીદાર બનો તેવી હું આશા રાખું છું. આ સાથેજ આપને અને આપના પરિવારજનોને આ ઉપલબ્ધિ બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું તેમ તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન સરદારધામના પ્રમુખ શ્રી ગગજીભાઈ સુતરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સરદાર ધામના પ્રમુખશ્રી ગગજીભાઈ સુતરીયા, ટ્રસ્ટી શ્રી જશવંતભાઈ પટેલ, ચેરમેન શ્રી ટી.જે. ઝાલાવાડીયા તેમજ દાતાશ્રી ધોળું પરિવાર, સરદાર ધામના સભ્યશ્રીઓ અધિકારીશ્રીઓ, સ્ટાફ તેમજ યુવાન અધિકારીશ્રીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.