Western Times News

Gujarati News

“ખેતી અને ખેતીલાયક જમીનને જો બચાવવી હોય તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ”

રાસાયણિક ખાતરોનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા આહ્વાન કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, બનાસકાંઠા અંતર્ગત સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેત પેદાશોના પ્રદર્શન અને વેચાણ સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી લોકોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત ખેડૂતો, સખી મંડળની બહેનો, શિક્ષકો અને યોગ પ્રશિક્ષકોને જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા. રાસાયણિક ખાતરોના વપરાશથી જમીન બંજર અને બિન ઉપજાઉ બને છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોને આમંત્રણ આપીએ છીએ.

ખેતીલાયક જમીન અને ખેતીને જો બચાવવી હશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે એમ જણાવી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને જીવામૃત બનાવવાની રીત સમજાવી લોકોને રાસાયણિક ખાતરોનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલ, જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ, કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી આર.એમ.ચૌહાણ, સંશોધન નિયામકશ્રી સી.એમ.મુરલીધરન,  આત્મા ડિરેક્ટરશ્રી પી.એસ.રબારી,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.એમ.પ્રજાપતિ, આત્મા પ્રોજેકટ જિલ્લા ડિરેક્ટરશ્રી જીંદાલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો પશુપાલક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.