Western Times News

Gujarati News

મારો વિરોધ કરો પણ સરકારી સંપત્તિ અને ગરીબોના ઝુપડા ના સળગાવો: મોદી

નવી દિલ્હી, દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે યોજાયેલી એક જંગી રેલીમાં પીએમ નરેન્દ્ર મોદીએ નાગરિકતા બિલનો વિરોધ કરી રહેલા વિપક્ષો પર જોરદાર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આજે જે લોકો દસ્તાવેજોના નામે મુસ્લિમોને ભડકાવી રહ્યા છે તેઓ યાદ રાખે કે અમે ગરીબોના કલ્યાણ માટેની કોઈ યોજનામાં દસ્તાવેજોના આધારે ભેદભાવ નથી કર્યા કે રોક નથી લગાવી. જૂઠ્ઠાણા વેચવા નિકળેલા આ લોકોને ઓળખવાની જરુર છે.આ એવા લોકો છે જેમનુ અસ્તિત્વ વોટબેન્કના રાજકારણ પર ટકેલુ છે. બીજા એવા લોકો છે જેમણે આ રાજકારણનો લાભ લીધો છે.

પીએમ મોદીએ કોંગ્રેસ સહિતના વિપક્ષ પર હુમલો કરતા કહ્યુ હતુ કે, આ લોકો કેવી રીતે પોતાના સ્વાર્થ માટે કોઈ પણ હદે જઈ શકે છે તે તમે ગયા સપ્તાહે જોયુ જ છે. જે નિવેદનો અપાયા છે અને ખોટા વિડિયો બતાવીને ઉશ્કેરવાનો પ્રયાસ થયો છે તે તમે જોયુ છે.

તેમણે કહ્યુ હતુ કે, સ્કૂલ બસો પર , ટ્રેનો પર હુમલો, વાહનો , દુકાનો સળગાવાઈ છે. ભારતના ઈમાનદાર કરદાતાના પૈસાની સપંત્તિને ખાક કરી દેવાઈ છે. આવા લોકોના ઈરાદા શું છે તે દેશ જાણી ગયો છે. હું એ લોકોને કહેવા માંગુ છું કે, તમને મોદી પસંદ ના હોય તો મોદીને ગાળો આપો, મોદીનુ પુતળુ ફૂંકો પણ દેશની સંપત્તિ, ગરીબોની રીક્ષા અને ઝૂંપડા ના સળગાવો.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, અમે દિલ્હીની ગેરકાયદેસર કોલોનીઓને માન્યતા આપીને 40 લાખ લોકોને અધિકારીઓ આપ્યા તો અમે કોઈનો ધર્મ કે જાતિ પૂછ્યા છે?તેનો ફાયદો તમામ ધર્મના લોકોને મળવાન છે. અમે આ માટે કોઈના પૂરાવા નથી માંગ્યા. તમે કોને મત આપો છો તેવા સવાલ નથી પૂછ્યા. મારી સરકાર સબ કા સાથ અને સબ કા વિકાસના મંત્રને સમર્પિત છે. કેન્દ્ર સરકારની યોજનાઓનો ફાયદો કરાવવામાં કોઈનો ધર્મ કે જાતિ પૂછ્યા છે.

એક જ સત્રમાં બે બિલ પસાર થયા છે અને તેમાંનુ એક દિલ્હીના 40 લાખ લોકોને અધિકાર આપવાનુ છે અને આમ છતા વિપક્ષો જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે કે, હું અધિકાર છીનવી લેવાના કાયદા બનાવુ છું. આ જુઠ્ઠાણુ નહી ચાલે, દેશ નહી સ્વીકારે. તેમણે કહ્યુ હતુ કે, હું મારા માટે જુઠ્ઠાણા ફેલાવનારાઓને પડકાર ફેંકુ છું કે, મારા કામની તપાસ કરો અને તેમાં મેં કોઈ ભેદભાદ કર્યો હોવાની દૂર દુર સુધી પણ ગંધ આવે તો દેશ સામે લાવીને મુકી દો.

તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, કોંગ્રેસ નાગરિકતા કાયદા પર અફવાઓ ફેલાવીને મુસ્લિમોને ડરાવી રહી છે. આ બિલ પાસ થયા બાદ તેઓ લોકોની ભાવનાઓ ભડાકાવી રહ્યા છે. આ બિલ પાસ કરવામાં ભારતના સાંસદોએ મદદ કરી છે. દેશની સંસદનુ સન્માન કરો. હું પણ તમારી સાથે સંસદમાં બેઠેલા લોકોના પ્રતિનિધિઓનુ સન્માન કરુ છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.