Western Times News

Gujarati News

આવનારા બે વર્ષમાં ગુજરાતને યુરિયા, DAP, રસાયણમુક્ત ખેતી કરતું રાજ્ય બનાવવું છે: રાજ્યપાલ

ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ અંતર્ગત ઉદ્યોગ સાથે પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક જીવનને પણ લોકભોગ્ય બનાવવા ચેમ્બર ગંભીરતાથી પ્રયાસો કરશે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

સુરતના સરસાણા ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ‘પ્રાકૃતિક જીવન..શ્રેષ્ઠ જીવન’ થીમ પર આયોજિત સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો સાથે સંવાદ કરતાં જણાવ્યું કે, દેશના નાગરિકોનું સુપોષણ અને સુસ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા પ્રવર્તમાન કૃષિ પદ્ધતિઓ સુધારવાના દાયિત્વ સાથે ઉદ્યોગકારો આગળ આવે તે સમયની માંગ છે. તેમણે આ અભિયાનમાં ઉદ્યોગકારોને જોડાઈ જવા આહ્વાન કરતાં કહ્યું કે, ઉદ્યોગ અને ઉદ્યોગપતિઓ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે, ત્યારે ઉદ્યોગો અને પ્રાકૃતિક જીવનનું સંતુલન સાધવા અને આર્થિક પ્રગતિ સાથે પ્રાકૃતિક જીવન જીવવા સંકલ્પબદ્ધ થવા ભારપૂર્વક જણાવ્યું હતું.

રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભાલાભ વિશે વિશદ્ સમજ આપતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આગામી સમયમાં સારા અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી, ખર્ચ ઘટવા સાથે ઉત્પાદકતા વધે તે માટે ગૌ આધારિત ખેતી કરવા માટે સૌ કટિબદ્ધ થઈએ તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે.

ગુજરાતના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે આવેલી જાગૃતિની વિગતો આપતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ગુજરાતના ૯ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રાજ્યપાલશ્રીએ જાતે પોતાના ફાર્મ- ગુરુકુલ-કુરુક્ષેત્ર, હરિયાણામાં રાસાયણિક ખેતી કરી રહ્યા હોવાનું જણાવી સ્વાનુભવો વર્ણવતા કહ્યું કે, એક વખત એમના ખેતરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરી રહેલો વ્યક્તિ દવા છાંટતાં બેભાન થઈ ગયો.

તે દિવસથી તેમણે રાસાયણિક દવાઓ-ખાતરની ઝેરી અસરની ગંભીરતા સમજીને રાસાયણિક કૃષિને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. તેઓ છેલ્લા નવ વર્ષથી કુરુક્ષેત્ર ફાર્મમાં પદ્ધતિસર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. એટલું જ નહીં મબલખ ઉત્પાદન પણ મેળવી રહ્યા છે, અને એટલે જ પોતે અન્ય તમામ લોકો પણ કલ્યાણકારી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ માટે પરિશ્રમ કરી રહ્યા છે.

રાજ્યપાલશ્રી દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિગતવાર સમજાવીને તેની અતિ ઉપયોગિતા વર્ણવતાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણ અને સૂક્ષ્મ જીવાણુઓની રક્ષા થાય છે. હવા શુદ્ધ રહે છે અને જમીનની ફળદ્રુપતા વધે છે. ગાયમાતા અને ધરતીમાતાનું સંરક્ષણ થાય છે. આવનારા બે વર્ષમાં ગુજરાતને યુરિયા,  ડી.એ.પી., રસાયણમુક્ત ખેતી કરતું રાજ્ય બનાવવું છે એમ સ્પષ્ટપણે જણાવી પ્રાકૃતિક ખેતી સાથે પ્રાકૃતિક જીવન જીવવાની સૌને હાંકલ કરી હતી.

સરસાણા કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા સંવાદ સમારોહમાં રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યું કે, જંગલમાં ઉછરતા ઝાડ-પાન, ફળ-ફૂલને કોઈ રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી. કુદરતી રીતે તેમાં તમામ ઓર્ગેનિક તત્વોની દેન પરમાત્માએ મુકી છે. સંપૂર્ણ પ્રાકૃતિક રીતે જો આ વન સંપદા ઉછરી શકતી હોય તો આપણા ખેતરમાં આ કેમ થઈ ના શકે ? આ પ્રકારે જંગલના પ્રાકૃતિક નિયમો આપણી કૃષિ પદ્ધતિમાં પણ લાગુ પડે છે. અને જંગલની માફક આપણા ખેતરમાં કારગર નીવડે એનું નામ પ્રાકૃતિક ખેતી છે.

તેમણે ફેમિલી ડોક્ટરની માફક ફેમિલી ફાર્મર અપનાવવા, જંક ફૂડનો ત્યાગ કરી ફાયબરયુક્ત અને અંકુરિત પ્રકારના આહારનો ઉપયોગ વધારવા પર પણ ભાર મૂક્યો હતો.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃત છે અને દેશમાં તેના પ્રસાર પ્રચાર માટે સતત કાર્યરત છે, ત્યારે દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવા માટે ‘વિકસિત ભારત@૨૦૪૭’નો સંકલ્પ સાકાર કરવા માટે સક્રિય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જનહિતની યોજનાઓનો લાભ લઈ દેશના ૨૫ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. ભારત ૧૧મા ક્રમેથી પાંચમા ક્રમની વિશ્વની સૌથી મોટી ઈકોનોમી ધરાવતો દેશ બન્યો છે.

આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે પ્રકૃતિને માનવજાતિએ નુકસાન પહોંચાડ્યુ છે ત્યારે પ્રકૃતિએ માનવજાતિને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન પહોંચાડ્યુ છે. એટલે જ પ્રકૃતિ સાથે તાલમેલ સાધી પ્રકૃતિની જાળવણી કરવી એ આપણી ફરજ છે.

વિકસિત ભારત અને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઈકોનોમી બનાવવાના વડાપ્રધાનશ્રીના લક્ષ્યને સાકાર કરવાના હેતુથી ગુજરાત રિજીયનમાંથી ઉદ્યોગકારોનું એક્ષ્પોર્ટમાં યોગદાન વધે તે માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ‘SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન ૮૪’ અંતર્ગત વિવિધ પ્રયાસો કરાઈ રહ્યા છે, એમ જણાવી ઉદ્યોગ સાથે પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક જીવનને પણ લોકભોગ્ય બનાવવા ચેમ્બર ગંભીરતાથી પ્રયાસો કરશે એમ શ્રી વઘાસિયાએ ઉમેર્યું હતું.

આ વેળાએ રાજ્યપાલશ્રીએ અહીં આયોજિત ઉદ્યોગ પ્રદર્શન:૨૦૨૪ની મુલાકાત લઈને વિવિધ સ્ટોલ ધારકોના ઉત્પાદનો નિહાળ્યા હતા. ઉદ્યોગકારો સાથે ઉષ્માસભર સંવાદ કરી ઉદ્યોગ પ્રદર્શન અંગે જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદશ્રી ગોવિંદભાઈ ધોળકિયા, ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી મેવાવાલા, પૂર્વ ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાળા, ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશ નાવડિયા, ચેમ્બરના પદાધિકારીઓ, પ્રતિનિધિઓ, ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.