Western Times News

Gujarati News

પોલીસ જીપને ઉથલાવવાના પ્રયાસમાં અનેકની અટકાયત

અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વડગામના છાપી હાઇવે (Vadgam Chhapi highway, Palanpur, Banaskantha District) પર પોલીસ પર હુમલાના મામલે પોલીસે ૪૦ તોફાની તત્વોની ધરપકડ કરી છે. પોલીસે ગઈકાલે કોમ્બીંગ બાદ ૪૦ આરોપીઓની ધરપકડ કરતાં અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસની સાથે હુમલાના પ્રયાસની ઘટનાના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને તેના પરિણામસ્વરૂપે હવે પોલીસે તોફાની તત્વોની વિરૂધ્ધ આકરી કાર્યવાહી હાથ ધરી હતી.

નાગરિકતા કાયદા મામલે બનાસકાંઠાના છાપીમાં વિરોધને લઈને ત્રણ દિવસ અગાઉ પરમિશન વગરની એક સભાનું આયોજન કરાયું હતું. અહીં પોલીસ બંદોબસ્તમાં હતી અને પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે એકત્ર થયેલા લઘુમતી સમાજના હજારો લોકોના ટોળાએ આ બંદોબસ્તમાં રહેલી પોલીસ ટીમ પર ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. આ દરમ્યાન એક ઉગ્ર ટોળાએ પોલીસવાનને ઉથલાવી મારવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસવાન પર હુમલાની ઘટનાને લઈને ત્રણ હજારના ટોળા સામે ફરિયાદ નોંધાઇ હતી અને ૨૨ વ્યક્તિઓને નામજોગ ફરિયાદ નોંધતા જ ગઈકાલે પોલીસે છાપી અને આસપાસનાં વિસ્તારમાં પોલીસે કોમ્બીંગ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાંથી ૧૦૦ જેટલા લોકોને વેરિફિકેશન માટે પોલીસમથકે લવાયા હતા. પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ વેરિફિકેશન પ્રક્રિયામાં ૪૦ જેટલા આરોપીઓ પોલીસ તપાસમાં સાબિત થતાં પોલીસે ૪૦ની ધરપકડ કરી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.