લોકસભા માટે BJPનું પહેલું લીસ્ટ જાહેર કરવામાં આવે તેવી શક્યતા?
ઉમેદવારો પસંદ કરવા ભાજપમાં મંથન -દિલ્હીમાં કમલમ ખાતે ભાજપ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈવડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ શાસિત તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ, ચૂંટણી સમિતિના સભ્યો અને આગેવાનો બેઠકમાં ઉપસ્થિત
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ગુરુવારે મોડીસાંજે દિલ્હી ભાજપના મુખ્યાલય ખાતે ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, ચૂંટણી સમિતિના સભ્યો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેટલાક ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતા છે. ભાજપ મોવડી મંડળ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરૂ કરાઈ છે.
જોકે, રાજકીય નિષ્ણાંતોના મત અનુસાર, ઉમેદવારોની પસંદગી થઈ ગઈ છે. માત્ર જાહેરાત જ કરવાની બાકી રહી છે. દિલ્હીમાં મોડી સાંજે યોજાયેલી ભાજપની બેઠક ઉપર તમામ લોકોની નજર મંડાયેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમલમ ખાતે પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ લોકસભાની ચૂંટણીમાં અનેક વર્તમાન સાંસદોના પત્તા કપાય તેવી સંપૂર્ણ શક્યતા છે. ખાસ કરીને, ઉત્તર પ્રદેશમાં ભાજપ મોવડી મંડળ વિશેષ તકેદારી રાખી રહ્યું છે. ઉમેદવારોની જીતની શક્યતાના તમામ પાસાં ચકાસવામાં આવી રહ્યાં છે. જોકે, છેલ્લા ઘણાં સમયથી ઉમેદવારોની પસંદગી માટે લોકસભા મત વિસ્તારદીઠ ઉમેદવારો અંગે માહિતી મેળવવાની પ્રક્રિયા ભાજપ દ્વારા શરૂ કરાઈ છે. આવતીકાલ સાંજ સુધીમાં ભાજપનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવે તેવું ચર્ચાઈ રહ્યું છે.
ભાજપની પ્રથમ ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે ત્યારે તેમાં કેટલાક મોટા ઉમેદવારોના નામો સિવાય મુશ્કેલ બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવી શકે છે. ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવારો જાહેર કરવા પાછળ ભાજપની રણનીતિ એ છે કે તેને પ્રચાર માટે સમય મળે. આ દરમિયાન એવી ચર્ચા છે કે ભાજપના ૭૦ થી ૮૦ જેટલા સાંસદો છે જેમની ટિકિટ આ વખતે કપાઈ શકે છે.
પાર્ટી આ સાંસદોના કામની સમીક્ષા કરી રહી છે અને તેમની જીતવાની શક્યતાઓનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. પાર્ટી એન્ટી ઈન્કમ્બન્સીના ડરથી તેમને ફરી તક આપવાથી ડરી રહી છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. આ બેઠકમાં વિચારમંથન બાદ પ્રથમ યાદી જાહેર કરવામાં આવી શકે છે.
ભાજપના ટોચના નેતૃત્વએ અત્યાર સુધી યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, ઉત્તરાખંડ, ત્રિપુરા અને અન્ય કેટલાક રાજ્યોના નેતાઓ સાથે બેઠકો કરી છે. આ બેઠકમાં કયા નવા ઉમેદવારોને તક આપવી અને ક્યાં ઉમેદવારોનું પુનરાવર્તન ન કરવું તે અંગે વિચાર-મંથન થયું હતું.
ભાજપના સૂત્રોનું કહેવું છે કે રાજ્યોમાંથી દરેક સીટ માટે ત્રણ ઉમેદવારોના નામ મોકલવામાં આવ્યા છે. હવે આ નામો પર કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં ચર્ચા થશે અને ત્યારબાદ જ જાહેરાત કરવામાં આવશે. એવું મનાય છે કે લગભગ ૮૦ સાંસદો એવા હશે જેમને ફરીથી ચૂંટણી લડવાની તક નહીં મળે.
આ સાંસદોમાં ૭૦ વર્ષથી વધુ ઉંમરના ઘણા લોકો છે. આ સિવાય કેટલાક એવા પણ છે જેમનું પ્રદર્શન નબળું રહ્યું છે. જેપી નડ્ડા અને અમિત શાહ ભૂતકાળમાં ઘણી બેઠકો કરી ચૂક્યા છે. સૂત્રોનું કહેવું છે કે સાંસદના ઉમેદવારોની યાદીમાં જે નેતાઓના નામ મોકલવામાં આવ્યા છે તેમાં શિવરાજ સિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયાનો સમાવેશ થાય છે. આ સિવાય રાજસ્થાનના પૂર્વ મંત્રી રાજેન્દ્ર રાઠોડનું નામ છે. એવા અહેવાલ છે કે તાજેતરમાં જ વિધાનસભામાં ઉતારવામાં આવેલા સાંસદોને લોકસભામાં બીજી તક નહીં મળે. તેમની જગ્યાએ નવા ચહેરાઓને તક મળશે.
ગુજરાત રાજસ્થાનમાં તમામ બેઠકો મેળવવા માટે ભાજપ દ્વારા સઘન ક્વાયત શરૂ કરવામાં આવી છે અને આ માટે ઉમેદવારોની પસંદગીમાં તમામ પાસાંઓ ચેક કરાયાં છે. આજે ચૂંંટણી સમિતિની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ હાજર હતા.