અમદાવાદના રિક્ષાચાલક-ગઠિયાઓના ટાર્ગેટ પર બહારગામથી આવતા મુસાફરો
પાટણથી બસમાં આવી હોસ્પિટલ રીક્ષામાં જઈ રહેલા વેવાઈ સાથે આવેલા વ્યક્તિનું પાકિટ ચોરાયુંઃ ભાઈના ઓપરેશન માટે લાવેલા 42 હજાર ચોરી રિક્ષાડ્રાયવર-ગઠિયાઓ ફરાર
રિક્ષા ડ્રાઈવર-ગઠિયાઓની સાઠગાંઠ: બેસવાનું ફાવતું નથી કહી ગઠિયાએ સિફ્તપૂર્વક પ્રૌઢના રૂપિયા સેરવી લીધા
(એજન્સી)અમદાવાદ, ભાઈના ઓપરેશનમાં રૂપિયાની મદદ કરવાનો અવસર મળ્યો છે તો હું મદદ કરીશ તેવું વિચારીને ૪૨ હજાર રૂપિયા લઈને અમદાવાદ આવેલા આધેડને કડવો અનુભવ થયો છે. રિક્ષાચાલક અને તેની ગેંગે આધેડના સપના પર પાણી ફેરવી દઈને ૪૨ હજાર રૂપિયા ચોરી લીધાં છે. આધેડ તેમના વેવાઈ સાથે શટલ રિક્ષામાં બેઠા હતા, જ્યાં પેસેન્જર્સના સ્વાંગમાં બેઠેલા ગઠિયા સરખું બેસતાં ફાવતું નથી કહીને ૪૨ હજાર રૂપિયાની ચોરી કરીને નાસી ગયા હતા.
પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં રહેતા દેવાભાઈ રાવળે માધવપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષાચાલક વિરુદ્ધ ૪૨ હજાર રૂપિયાની ચોરીની ફરિયાદ કરી છે. દેવાભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દેવાભાઈના ભાઈ કાળાભાઈ રાવળ છેલ્લા દસ દિવસથી યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ છે.
બે દિવસ પહેલાં કાળાભાઈનું યુ.એન. મહેતા હોસ્પિટલમાં હૃદયનું ઓપરેશન હતું. મંગળવારે સવારે દેવાભાઈ તેમજ તેમના વેવાઈ ગોવિંદભાઈ પાટણથી એસ.ટી. બસમાં બેસીને અમદાવાદ આવ્યા હતા. બસ સુભાષબ્રિજ પાસે પહોંચતાં દેવાભાઈ અને ગોવિંદભાઈ ઉતરી ગયા હતા. બંને ચાલતાં ચાલતાં આરટીઓ સર્કલ સુધી પહોંચ્યા હતા. ત્યાર બાદ તે શટલ રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં પહેલાંથી ત્રણ પેસેન્જર્સ બેઠા હતા. દેવાભાઈ અને ગોવિંદભાઈ રિક્ષામાં બેસી ગયા ત્યારે એક યુવક બોલ્યો હતો કે મને બેસતાં ફાવતું નથી એટલે તમે થોડા ઉંચા થઈને પાછળ બેસી જાઓ.
દેવાભાઈ ઉંચા થઈને બેઠા, પરંતુ તેમને બેસતાં ફાવતું ન હતું, જેથી રિક્ષાચાલકે તમામની જગ્યા બદલાવી નાખી હતી. રિક્ષાચાલકે રિક્ષા શાહીબાગ અંડરબ્રિજ પાસે ઉભી રાખી હતી અને તે દેવાભાઈ તેમજ ગોવિંદભાઈને કહેવા લાગ્યા હતો કે તમને રિક્ષામાં બેસતાં આવડતું નથી એટલે તમે નીચે ઉતરી જાઓ. દેવાભાઈ તેમના વેવાઈ ગોવિંદભાઈ સાથે રિક્ષામાંતી ઉતરી ગયા હતા.
દેવાભાઈએ ભાડું આપવા માટે જ્યારે ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે રિક્ષાચાલક ભાડું લીધા વગર નાસી ગયો હતો. દેવાભાઈએ પોતાનું ખિસ્સું ચેક કર્યું તો તેમાંથી ૪૨ હજાર ગાયબ હતા. પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ત્રણ શખ્સોએ સરખું બેસતાં ફાવતું નથી તેમ કહીને દેવાભાઈના ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધા હતા.