Western Times News

Gujarati News

વધતા તાપમાન વચ્ચે બેંગલુરુમાં પાણીની અછત સર્જાઇ

નવી દિલ્હી, ફેબ્રુઆરીમાં કર્ણાટક સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં બિલકુલ વરસાદ થયો ન હતો. આ વધતા તાપમાનના કારણે બેંગ્લુરુમાં લોકો પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે. બેંગલુરુમાં આ દિવસોમાં તાપમાન ૩૪-૩૫ ડિગ્રીએ પહોંચી ગયું છે.

ફેબ્રુઆરીની શરૂઆતથી જ વધતા તાપમાને ચિંતા સર્જી છે. હીટવેવના પડકારોને ધ્યાનમાં રાખીને કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ રિપોર્ટ અનુસાર, આ સલાહ દરેકને લાગુ પડે છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ, શિશુઓ, બહાર કામ કરતા કામદારો, હૃદયરોગ અને હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે.

ફેબ્રુઆરીમાં અસાધારણ ગરમી પાછળ અલ નિનો પ્રક્રિયાને જવાબદાર ગણવામાં આવી છે. જેના કારણે શિયાળાના મહિનાઓમાં તાપમાનમાં વધારો થાય છે. તે સિવાય એડવાઇઝરીમાં લોકોને હાઈડ્રેટેડ રહેવા ઓઆરએસનો ઉપયોગ કરવા, લીંબુ પાણી, છાશ અથવા લસ્સી અને ફળોના રસનું સેવન કરવા અને વધુ પાણી ધરાવતા ફળો અને શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવી છે.

સુતરાઉ કપડા પહેરવાની પણ લોકોને સલાહ અપાઇ છે. સરકારે લોકોને સલાહ આપી છે કે તેઓ સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે તેમના માથાને ઢાંકીને વેન્ટિલેટેડ શૂઝ પહેરે.

સામાન્ય રીતે લોકોને સીધો સૂર્યપ્રકાશ ટાળીને અને દિવસ દરમિયાન આઉટડોર પ્રવૃત્તિઓને મર્યાદિત કરીને શક્ય તેટલું ઘરની અંદર અને સારી રીતે વેન્ટિલેટેડ ઠંડી જગ્યાએ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

વિભાગે જણાવ્યું હતું કે એકલા રહેતા વૃદ્ધ અથવા બીમાર લોકોની દેખરેખ રાખવી જોઈએ અને તેમના સ્વાસ્થ્યનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવું જોઈએ. ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે તાપમાન સામાન્ય છે, જ્યારે કર્ણાટક સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં ફેબ્રુઆરીમાં બિલકુલ વરસાદ પડ્યો નથી.

આ વધતા તાપમાનના કારણે બેંગ્લુરુના લોકો પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે. બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડના જણાવ્યા અનુસાર, બેંગલુરુની બહારના વિસ્તારો જ્યાં કાવેરી નદીમાંથી પાઈપ દ્વારા પાણીનો પુરવઠો નથી ત્યાં વધુ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

પાણીની અછતને જોતા એપાર્ટમેન્ટના લોકો તેમના માટે પૈસા આપવા તૈયાર છે, પરંતુ ખાનગી પાણીના ટેન્કરોના માલિકોના જણાવ્યા પ્રમાણે તેઓ પાણીની માંગને પહોંચી વળવા અસમર્થ છે.

પહેલા આ પાણીના ટેન્કરની કિંમત ૪૦૦-૬૦૦ રૂપિયા હતી જે હવે ૮૦૦-૨૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સપ્લાયર્સનું કહેવું છે કે સ્થાનિક પાણીના સ્ત્રોતો સૂકાઈ જવાને કારણે તેમને દૂરના વિસ્તારોમાંથી પાણી લાવવું પડે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.