Western Times News

Gujarati News

NRI બેંક ડિપોઝિટમાં અમદાવાદ સૌથી આગળ- બીજા નંબરે કચ્છ જીલ્લો

ગુજરાતના પાંચ જિલ્લામાં ૭૦ ટકા જેટલી NRI ડિપોઝિટ જમા-વડોદરા, આણંદ અને રાજકોટનો ત્રીજા, ચોથા અને પાંચમા નંબરે

નવી દિલ્હી,  અમેરિકા, યુકે સહિતના દેશોમાં ગુજરાતીઓ બહુ મોટી સંખ્યામાં વસે છે અને તેના કારણે ગુજરાતમાં એનઆરઆઈ ડિપોઝિટ પણ વધતી જાય છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે ગુજરાતના પાંચ જિલ્લામાં ૭૦ ટકા જેટલી એનઆરઆઈ ડિપોઝિટ જમા થઈ છે. તેમાં અમદાવાદ સૌથી આગળ છે. ત્યાર પછી કચ્છ, વડોદરા, આણંદ અને રાજકોટનો વારો આવે છે. આ ઉપરાંત નવસારી, ખેડા અને પોરબંદર પણ એનઆરઆઈ ડિપોઝિટ ધરાવતા ટોચના જિલ્લામાં સામેલ છે.

સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિના તાજેતરના અહેવાલ પ્રમાણે અમદાવાદ, કચ્છ, વડોદરા, આણંદ અને રાજકોટમાં કુલ ૬૧,૨૮૪ કરોડની એનઆરઆઈ ડિપોઝિટ જમા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં રાજ્યમાં કુલ ૮૬,૬૩૫ કરોડની એનઆરઆઈ ડિપોઝિટ હતી જેમાં આ પાંચ જિલ્લા જ ૭૦ ટકા હિસ્સો ધરાવતા હતા.

બેન્ક ઉદ્યોગના સૂત્રો જણાવે છે કે હવે બેન્કો વધારે ઊંચું વ્યાજ ઓફર કરતી હોવાથી એનઆરઆઈ ડિપોઝિટમાં વધારો થયો છે. ગુજરાતમાં આણંદ, પોરબંદર, કચ્છ, ખેડા અને નવસારીને પહેલેથી જ એનઆરઆઈ બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં મોટી સંખ્યામાં લોકો વિદેશમાં રહે છે. તેથી એનઆરઆઈ ડિપોઝિટમાં પણ આ જિલ્લાઓનું મોટું યોગદાન છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા શહેરો મોટી વસતીના કારણે ડિપોઝિટમાં આગળ છે અને ત્યાં એનઆરઆઈ એકાઉન્ટ પણ વધારે છે.

ડિસેમ્બર ૨૦૨૩ ક્વાર્ટરમાં અમદાવાદમાં ૧૮,૪૯૫ કરોડ રૂપિયાની એનઆરઆઈ ડિપોઝિટ જમા હતી જ્યારે કચ્છ જિલ્લામાં ૧૪,૨૮૩ કરોડ રૂપિયાની ડિપોઝિટ જમા હતી. વડોદરામાં ૧૩,૭૧૫ કરોડ અને આણંદમાં ૭૭૧૫ કરોડ રૂપિયાની એનઆરઆઈ ડિપોઝિટ હતી. જ્યારે રાજકોટમાં ૭૦૩૮ કરોડની એનઆરઆઈ ડિપોઝિટ હતી.
ડિસેમ્બર ૨૦૨૩ ક્વાર્ટરમાં એનઆરઆઈ ડિપોઝિટ ૩.૫ ટકા ઘટીને ૮૬,૬૩૫ રૂપિયા કરોડ થઈ હતી જે ડિસેમ્બર ૨૦૨૨ ક્વાર્ટરમાં ૮૯,૩૧૫ કરોડ રૂપિયા હતી. આ ગાળામાં રૂટિન ઉપાડ વધ્યો હોવાથી એનઆરઆઈ ડિપોઝિટમાં ઘટાડો થયો હતો.

ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશ રહે છે અને તેઓ પોતાના વતનની બેન્કોમાં રૂપિયા જમા કરતા રહે છે. તેમાં તેમને વધારે સારા વ્યાજદરનો ફાયદો મળે છે. હાલમાં અમેરિકામાં પણ વ્યાજના દર ૫થી ૬ ટકા જેટલા છે. ભારતમાં આના કરતા સહેજ વધારે વ્યાજ પ્રાપ્ત થાય છે.

ગુજરાતના કેટલાક જિલ્લામાં એનઆરઆઈ ડિપોઝિટમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જેમ કે બોટાદમાં એનઆરઆઈ ડિપોઝિટ ૨૨૮ ટકા વધી છે જ્યારે અમરેલીમાં ૧૧૭ ટકા, છોટા ઉદેપુરમાં ૬૭ ટકા, અરવલ્લીમાં ૫૧ ટકા અને સાબરકાંઠામાં ૪૮ ટકાનો વધારો થયો હતો.

મહેસાણામાં એક વર્ષમાં એનઆરઆઈ ડિપોઝિટમાં ૪૦ ટકા વધારો થયો છે. બીજી તરફ કેટલાક જિલ્લામાં એનઆરઆઈ ડિપોઝિટમાં મોટો ઘટાડો થયો છે જેમાં અમદાવાદ અને ગાંધીનગર સૌથી આગળ છે. ૨૦૨૨ અને ૨૦૨૩ના ડિસેમ્બર ક્વાર્ટરની તુલના કરવામાં આવે તો અમદાવાદમાં એનઆરઆઈ ડિપોઝિટ ૬૬૩ કરોડ ઘટી છે જ્યારે ગાંધીનગરમાં સૌથી વધુ ૨૧૦૪ કરોડનો ઘટાડો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.