Western Times News

Gujarati News

ગુજરાતમાં વર્ષ 2019માં ઔદ્યોગિક અકસ્માતો અને મૃત્યુ આંકમાં 20 ટકાનો ઘટાડો

  • અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા (add. sec. Vipul Mitra, Gujarat government) કહે છે કે સલામતિના ધોરણોના પાલનને કારણે પરિણામો મળ્યા છે

ગાંધીનગર : ઉદ્યોગોમાં સલામતિના ધોરણોનુ પાલન કરાવવા માટેના  રાજ્ય સરકારના ખાત્રીપૂર્વકના  બહૂપાંખીયા પ્રયાસોના ફળ મળી રહ્યા હોય તેમ જણાય છે.  અધિકૃત આંકડા પરથી જાણવા મળ્યું છે કે  ચાલુ વર્ષે રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતો  તથા તેને કારણે થતા મોતનુ પ્રમાણ 20 ટકા જેટલુ ઘટ્યું છે.

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નેજા હેઠળ કામ કરતા ડાયરેક્ટર ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (DISH) તરફથી બહાર પાડવામાં આવેલા આંકડા જણાવે છે કે રાજ્યમાં જાન્યુઆરીથી નવેમ્બર – 2018 વચ્ચે  213 ઔદ્યોગિક અકસ્માતો બન્યા હતા. વર્ષ 2019ના 11 માસના સમાન ગાળામાં 168 અકસ્માતો થયા છે.

આવા અકસ્માતોને કારણે જાન્યુઆરીથી નવેમ્બર – 2018 વચ્ચે  થયેલા મોતનો આંક 229 હતો તે સામે વર્ષ 2019ના 11 માસના સમાન ગાળામાં મોતની સંખ્યા ઘટીને 185 થઈ છે. ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ  શ્રી વિપુલ મિત્રા  ઔદ્યોગિક અકસ્માતો અને તેના કારણે થયેલા મોતની સંખ્યામાં ઘટાડા માટે જાગૃતિના સ્તરમાં વધારો તથા સલામતિના ધોરણોના બહેતર પાલનને જવાબદાર ગણાવે છે.

શ્રી વિપુલ મિત્રા જણાવે છે કે “ અમે ફેકટરીઓમાં  અને બાંધકામના સ્થળોએ ઝીરો અકસ્માતનુ ધ્યેય  માટે પગલાં લઈ રહ્યા છીએ અને અમે ઉદ્યોગો તેમજ કામદારોમાં માર્ગરેખાઓ અને પ્રોટોકોલને અનુસરવા માટે જાગૃતિ પેદા કરી રહ્યા છીએ. જયાં સુધી સલામતિને સંબંધ છે, અમે તેમાં ચૂક દાખવનાર  તથા કામના સ્થળે સલામતિની બાબતને હળવાશથી લેનાર સામે સામે  કડક પગલાં લેવાનુ શરૂ કર્યુ છે. “

શ્રમ અને રોજગાર વિભાગે  ઔદ્યોગિક સલામતિ  વધે તે હેતુથી આરોગ્ય અને સલામતિ માટેનાં પગલાં સૂચવવા માટે એક  નિષ્ણાત સમિતીની રચના પણ  કરી છે.

તેમણે જણાવ્યું કે “ અમે અન્ય સરકારી વિભાગો તથા એજન્સીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે મળીને ઘનિષ્ટ રીતે વ્યાપક જાણકારી  અને સલામતિનાં ધોરણોના પાલન માટે ખાત્રી રાખી રહ્યા છીએ. અમે નિયમિતપણે સમીક્ષા બેઠકોનુ આયોજન કરીને થયેલી પ્રગતિની સમીક્ષા  કરીએ છીએ કે જેથી  સલામતિના ધોરણોના પાલનમાં કઈ રીતે સુધારો લાવી શકાય તે બાબતે  ધ્યાન આપી શકાય. “

તાજેતરમાં ડાયરેક્ટર ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (DISH) તરફથી સરક્યુલર બહાર પાડીને ઔદ્યોગિક એકમોને જણાવવામાં આવ્યું છે કે કામદારોને પૂરા  પાડવામાં આવતા વ્યક્તિગત સુરક્ષા સાધનોમાં લઘુત્તમ ભારતીય ધોરણોનુ પાલન કરવામાં આવતુ હોવુ જોઈએ.

શ્રમ અને રોજગાર વિભાગે  કામદારોને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રમ એવોર્ડઝ ’ આપવાની શરૂઆત કરી છે અને આ હેતુ માટે સ્વૈચ્છિક સંસ્થાઓને સલામતિ અંગે સેમિનારો યોજવા માટે તથા જાગૃતિ કાર્યક્રમો યોજવા માટે  ગ્રાન્ટ પણ આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.