Western Times News

Gujarati News

એરિઝોના બોર્ડર ક્રોસ કરી અમેરિકામાં પ્રવેશતા ઈમિગ્રન્ટ્‌સ પરથી મોટું જોખમ ટળ્યું

અમદાવાદ, દર વર્ષે કેટલાય ગુજરાતીઓ મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ગેરકાયદે રીતે દાખલ થાય છે, અને આવા લોકોને બોર્ડર પેટ્રોલ દ્વારા અટકાયતમાં લઈને મોટાભાગે તેમને જરૂરી ફોર્માલિટી પૂરી કરીને રિલીઝ કરી દેવામાં આવે છે.

જોકે, એરિઝોનાનાં રિપબ્લિકન સેનેટર્સ એવો કાયદો લાવવા માગતા હતા કે જેમાં રાજ્યની પોલીસને બોર્ડર ક્રોસ કરીને આવેલા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્‌સની ધરપકડ કરવાની સત્તા હોય, તેમજ કોર્ટ આવા લોકોને ડિપોર્ટ કરી શકે. તેના માટે તેમણે રાજ્યની સેનેટના અપર હાઉસમાં એક બિલ પસાર કરી દીધું હતું.

આ બિલને જો કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત થયું હોત તો ટેક્સાસ અને ફ્લોરિડાની જેમ એરિઝોનામાં પણ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્‌સની મુશ્કેલી વધી શકે તેમ હતી, પરંતુ રાજ્યના ડેમોક્રેટ ગવર્નરે આ બિલને વીટો પાવર વાપરીને તેના પર બ્રેક લગાવી દીધી છે.

અમેરિકાના એક પછી એક રાજ્યો હાલ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્‌સ પર સંકજો કસવા માટે કડક કાયદા લાવવા માટે કવાયત કરી રહ્યા છે ત્યારે એરિઝોનાના ડેમોક્રેટ ગવર્નર કેટી હોબ્સે ઈલીગલ માઈગ્રન્ટ્‌સને મોટી રાહત આપતા રાજ્યના રિપબ્લિકન્સની બહુમતી ધરાવતા સેનેટના અપર હાઉસ દ્વારા પાસ કરાયેલા એક બિલને વીટો વાપરીને અટકાવી દીધું છે.

આ બિલની જોગવાઈઓ પર નજર કરીએ તો તેમાં ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરવાને ગુનો ગણીને આવા લોકોને પકડવાની એરિઝોનાને સત્તા આપવામાં આવી છે.

એટલું જ નહીં, પોલીસે બોર્ડર ક્રોસ કરતા પકડેલા લોકોને કોર્ટ ડિપોર્ટ કરવાની કે પછી એરિઝોનાની બહાર મોકલવા આદેશ કરી શકે તેવી જોગવાઈ પણ આ બિલમાં હતી.

ધ બિલ, કોલ્ડ ધી એરિઝોના બોર્ડર ઈનવેસન એક્ટને ગવર્નર કેટી હોબ્સે સોમવારે વીટોનો ઉપયોગ કરીને કાયદાનું સ્વરૂપ ધારણ કરતા અટકાવી દીધું હતું. કેટી હોબ્સ ભૂતકાળમાં બોર્ડર ક્રાઈસિસને જે રીતે બાઈડન સરકાર મેનેજ કરી રહી છે તે અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે, પરંતુ આ રિપબ્લિકન્સનો ટેકો ધરાવતા આ બિલ અંગે તેમનું એવું કહેવું હતું કે આ બિલ એન્ટી-ઈમિગ્રન્ટ તેમજ ગેરબંધારણીય છે.

ગવર્નરે એવું પણ જણાવ્યું હતું કે આ બિલમાં જે જોગવાઈઓ છે તેનાથી બોર્ડર સિક્યોર નથી થવાની, અને તેના કારણે એરિઝોનામાં રહેતા લોકો અને રાજ્યના અર્થતંત્ર પર અવળી અસર પડશે અને સાથે-સાથે પોલીસ પર કામનો બોજ પણ વધશે. સાથે જ કેટી હોબ્સે એવો પણ દાવો કર્યો હતો કે ઈલીગલી બોર્ડર ક્રોસ કરતા લોકોને અરેસ્ટ કરવાની તેમજ ઈલીગલ ઈમિગ્રન્ટને ડિપોર્ટ કરવાની સત્તા માત્ર ફેડરલ ગવર્મેન્ટ પાસે છે.

એરિઝોનાના રિપબ્લિકન સ્ટેટ સેનેટર્સ એવું બિલ પણ પસાર કરવાની તૈયારી કરી રહ્યા છે કે જેમાં સેલ્ફ ડિફેન્સના નામે ખેડૂતો અને પશુપાલકોને પોતાની પ્રોપર્ટીમાં ઘૂસેલા માઈગ્રન્ટ્‌સને શૂટ કરવાની પણ મંજૂરી મળશે, પરંતુ કેટી હોબ્સ તેની સામે પણ વીટો પાવરનો ઉપયોગ કરશે તે નક્કી મનાઈ રહ્યું છે.

એક તરફ કેટી હોબ્સે એન્ટી ઈમિગ્રન્ટ બિલને અટકાવી દીધું છે તો બીજી તરફ આ બિલ પસાર કરનારા રિપબ્લિકન્સનો એવો દાવો છે કે બોર્ડર ક્રોસ કરવી ગેરકાયદે છે છતાંય બાઈડનના કાર્યકાળમાં દુનિયાભરના લાખો લોકો ઈલીગલી અમેરિકામાં ઘૂસ્યા છે, તેવામાં ઈલીગલ ઈમિગ્રન્ટ્‌સને આવતા રોકવા માટે રાજ્ય પોતાનો કાયદો બનાવે તે જરૂરી છે.

માઈગ્રન્ટ્‌સના અસ્ખલિત પ્રવાહને કારણે બોર્ડર પેટ્રોલ પાસે સંસાધનો ખૂટી પડ્યા છે અને સરહદ પર આવેલા શહેરોમાં અને એરિઝોનામાં પણ ક્રાઈમ રેટ વધ્યો છે. જોકે, ડેમોક્રેટ્‌સ આંકડાઓ સાથેના પુરાવા રજૂ કરીને રિપબ્લિકન્સની આ દલીલને ખોટી ગણાવતા એવું કહી રહ્યા છે કે ટેક્સાસ જેવા રાજ્યના બોર્ડર પર આવેલા શહેરો અમેરિકાના બીજા કોઈ શહેરોની સરખામણીએ વધુ સુરક્ષિત છે.

એરિઝોનાએ ૨૦૧૦માં એક કાયદો બનાવી સ્થાનિક પોલીસને કોઈપણ વ્યક્તિનું ઈમિગ્રેશન સ્ટેટસ ચેક કરવાની સત્તા આપી હતી, જેનો તે વખતે જબરજસ્ત વિરોધ થયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.