Western Times News

Gujarati News

31 માર્ચના રોજ ૧.૩૭ લાખ વિદ્યાર્થીઓ 34 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા આપશે

Gujarat Univercity CCC exam cancelled

પ્રતિકાત્મક

ગુજરાતમાં તા. ૧૧ માર્ચથી શરૂ થતી ધોરણ ૧૦ની પરીક્ષામાં ૦૯ લાખથી વધુ તેમજ ધોરણ ૧૨ વિજ્ઞાન-સામાન્ય પ્રવાહમાં કુલ ૬.૨૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે – પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ

  • ધોરણ ૧૦માં રાજ્યભરના ૮૪ ઝોનમાં ૯૮૧ કેન્દ્રો તેમજ ધોરણ ૧૨ સામાન્યવિજ્ઞાન પ્રવાહમાં કુલ ૫૬ ઝોનમાં ૬૫૩ કેન્દ્રો પર પરીક્ષા યોજાશે
  • તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ
  • PATA એપ્લીકેશન દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળ સુધી અને પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીના ટ્રેકિંગની વ્યવસ્થા
  • પરીક્ષા સ્થળ ખાતે પહોંચવામાં રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવે તો ૧૦૦ નંબર ઉપરથી પોલીસની સહાય મેળવીને પહોંચી શકાશે
  • પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળ ઉપર સમયસર પહોંચે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પરત જઈ શકે તે માટે એસ.ટીના વિશેષ રૂટની વ્યવસ્થા
  • પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત ઠરેથી ૩ વર્ષ કરતાં ઓછી ન હોય અને ૫ વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂ।.,૦૦,૦૦૦/- સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ

પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં યોજાનાર ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ અંગે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ની સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની તેમજ ગુજકેટની પરીક્ષા શાંતિમય અને પ્રફુલીત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. આગામી તા. ૧૧ થી ૨૨ માર્ચ ૨૦૨૪ દરમિયાન ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે

જેમાં રાજ્યભરમાં કુલ ૯,૧૭,૬૮૭ વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૩૨,૦૭૩ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૮૯,૨૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ  ઉપરાંત તા. ૩૧ માર્ચ ૨૦૨૪ના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષામાં ૧,૩૭,૭૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ ગુજરાતમાં આગામી ૧૧ માર્ચથી ૩૧ માર્ચ સુધીમાં કુલ ૧૬,૭૬,૭૩૯ વિદ્યાર્થીઓ બોર્ડ-ગુજકેટની પરીક્ષા આપીને પોતાની સફળ કારકિર્દીનો પ્રારંભ કરશે તેમ, લાખો વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું.

પ્રવક્તા મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આગામી તા. ૧૧ થી ૨૨ માર્ચ ૨૦૨૪ દરમિયાન રાજ્યભરના વિવિધ ૮૪ ઝોનમાં ૯૮૧ કેન્દ્રો પર ધોરણ ૧૦ની પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં ૫૬ ઝોનમાં ૬૫૩ કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. આ ઉપરાંત રાજ્યના ૩૪ ઝોનના ૩૪ કેન્દ્રો પર આગામી તા. ૩૧ માર્ચના રોજ સવારે ૧૦ થી ૦૪ દરમિયાન ગુજકેટની પરીક્ષા યોજાશે.

પ્રવક્તા મંત્રીશ્રીએ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાની વિગતો જણાવતા કહ્યું હતું કે,પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરે નહિ અને પ્રમાણિકતાથી પરીક્ષા આપે તે જરૂરી છે. બોર્ડની જાહેર પરીક્ષાના તમામ પરીક્ષા સ્થળો (બિલ્ડીંગો) C.C.T.V. કેમેરાની દેખરેખ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. PATA એપ્લીકેશન દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળ સુધી અને પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે

ત્યાં સુધીનું ટ્રેકિંગ કરવામાં આવે છે. પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેટલાક તત્વો દ્વારા પ્રશ્નપત્ર અંગે સોસિયલ મિડિયામાં ગેરમાર્ગે દેરવાના સમાચારો ફેલાવવામાં આવે છે તેનાથી સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓએ સજાગ રહેવું અને અફવાઓ ધ્યાને ન લેવી.

તેમણે કહ્યું હતું કે, મહાનગર પાલિકા વિસ્તારમાં ટ્રાફિકવાળા વિસ્તારોમાં આવવા જવા માટે વિદ્યાર્થીઓએ ઘરથી પરીક્ષા સ્થળનું અંતર અને ટ્રાફિક ધ્યાને લઈને નીકળવું જેથી સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાય. પરીક્ષા સ્થળ ખાતે પહોંચવામાં રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવે તો ૧૦૦ નંબર ઉપરથી પોલીસની સહાય મેળવીને પણ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાશે.

પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત કર્યેથી ૩ વર્ષ કરતાં ઓછી ન હોય અને ૫ વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂ।.૨,૦૦,૦૦૦/- સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી  છે તેમ, મંત્રીશ્રીએ વિગતો આપતા ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.