Western Times News

Gujarati News

કડીના ગેસ્ટહાઉસમાં પોલીસ તરીકે ખોટી ઓળખ આપી ગઠિયો છેતરી ગયો

CCTV ચેક કરતા આદુંદરાનો મોહસીન ચૌહાણ હોવાનું ખુલ્યું

મહેસાણા, કડીના નંદાસણ હાઈવે સ્થિત રંગોલી ગેસ્ટહાઉસમાં મહેસાણા એસઓજી પોલીસ કર્મી તરીકેની ખોટી ઓળખ આપી કેસ કરવાની ધમકી આપીને ગઠિયો મેનેજર પાસેથી રૂ.૪,પ૦૦ની રકમ લઈ ફરાર થઈ ગયો હતો. ગેસ્ટહાઉસના સીસીટીવીમાં ગઠિયાની ઓળખ થતાં મેનેજરે કડી પોલીસ મથકે પહોંચી લૂંટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગઠિયા વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

કડી તાલુકાના નંદાસણ હાઈવે પર આવેલી રંગોલી ગેસ્ટહાઉસમાં ગત મંગળવારે સાંજે પાંચ વાગે મેનેજર બાબુભાઈ સોમાભાઈ મેડા હાજર હતા. દરમિયાન એક અજાણ્યો શખ્સ ગેસ્ટહાઉસે આવ્યો હતો અને પોતે મહેસાણા એસઓજીનો પોલીસ કર્મી હોવાની ઓળખ આપી તપાસ કરવાની વાત કરી હતી.

ત્યારબાદ આ શખ્સે ગેસ્ટહાઉસનું રજિસ્ટર અને રોકાયેલા ગેસ્ટની માહિતી મેળવી રૂમમાં જઈ ગેસ્ટને ધમકાવી મોબાઈલમાં ફોટા પાડતા મેનેજરે વિરોધ નોંધાવતા ગાળો બોલવા માંડયો હતો.

ત્યારબાદ આ શખસ મેનેજરને રસોડા તરફ લઈ જઈ કેસ કરવાની ધમકી આપી ખિસ્સામાંથી રૂ.૪,પ૦૦ ઝુંટવીને લૂંટ ચલાવી જતો રહ્યો હતો. ઉપરોકત ઘટના અંગે મેનેજરે ગેસ્ટહાઉસના માલિક ભગાભાઈના પુત્ર અનિલભાઈ ધનવાણીને કરતા તેઓ બહારગામ હોઈ તેઓએ તેમના કાકા નારણદાસ ઉર્ફે સુનિલભાઈને મોકલ્યા હતા. ુનિલભાઈએ ગેસ્ટહાઉસમાં લગાડેલા સીસીટીવીના કુટેજ ચેક કરતા પોલીસની ખોટી ઓળખ આપી નાણાંની લૂંટ ચલાવનાર એકતા હોટલના માલિક સલીમભાઈનો સગો મોહસીન ચૌહાણ (આદુંદરા તા.કડી) થઈ હતી.

ત્યારબાદ રંગોલી ગેસ્ટહાઉસના મેનેજર બાબુભાઈ મેડાએ બીજા દિવસે કડી પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહેસાણા એસઓજીના પોલીસ કર્મી તરીકેની ખોટી ઓળખ આપી ગેસ્ટહાઉસમાં રોકાયેલ ગેસ્ટના ફોટા પાડવા સહિતની હેરાનગતી કરી તથા કેસ કરવાની ધમકી આપી મેનેજરના ખિસ્સામાંથી વેપારના રૂ.૪,પ૦૦ રોકડ ઝૂંટવી નાસી જનાર કડી તાલુકાના આદુંદરા ગામના મોહસીન ચૌહાણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.