Western Times News

Gujarati News

નર્મદાના નીર 106 તળાવોમાં ઠાલવવામાં આવતા લોકોએ વધામણાં કર્યા

મહાશિવરાત્રીથી ૧૦૬ તળાવો ભરવા માટેની શરુઆત

(એજન્સી)ડીસા, બનાસકાંઠા જિલ્લામાં નર્મદા નહેર આધારિત થરાદ-સીપુ પાઈપલાઈન થકી મહાશિવરાત્રીથી ૧૦૬ તળાવો ભરવા માટેની શરુઆત કરવામાં આવી છે. તળાવોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવતા ખેડૂતો અને સ્થાનિકો માટે ખુશીઓ વ્યાપી છે. થરાદ, ડીસા, લાખણી અને દાંતીવાડાના ૩૯ ગામના તળાવોમાં પાણી ભરવામાં આવનાર છે.

બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા વર્ષોથી સતાવી રહી છે. સરકાર દ્વારા આ સમસ્યા દૂર કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરુપે જ બનાસકાંઠામાં નર્મદા નહેર આધારિત ૭૦ કિલોમિટર લાંબી થરાદ-સીપુ પાઈપલાઈન યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના થકી પાઈપલાઈન મારફતે સીપુ ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવનાર છે.

આ સાથે જ પાઈપલાઈન પસાર થવાના વિસ્તારમાં નજીકમાં રહેલા તળાવોને લીંક પાઈપલાઈન વડે ભરવામાં આવી રહ્યા છે. તળાવોમાં નર્મદાના નીર પહોંચતા તેના વધામણા કરવામાં આવ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પાણીના વધામણા કર્યા હતા.

થરાદ સીપુ પાઈપલાઈન યોજના થકી બનાસકાંઠા જિલ્લાના ૩૯ ગામના ૧૦૬ જેટલા તળાવોમાં નર્મદાના નીર ઠલવવામાં આવશે. જેના થકી આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળ પણ ઉંચા આવશે. થરાદ તાલુકાના ૪૭, ડીસાના ૩૫, લાખણીના ૧૯ અને દાંતીવાડાના ૫ તળાવ ભરવામાં આવનાર છે. જેનાથી વિસ્તારના સ્થાનિકોને મોટી રાહત સર્જાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.