કોમામાં જતા રહેલા પતિ માટે પત્નિને ગાર્ડિયન બનાવવા પરિવારે અરજી કરી
51 વર્ષીય કરણસિંહ ડોડિયા ઘણી મિલકતોના માલિક હોવા છતાં, તેઓ તેનું સંચાલન કરવામાં અસમર્થ છે.-પરિવારે પત્નીને ગાર્ડિયન બનાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી
(એજન્સી)અમદાવાદ, ડેગ્યુની સારવાર દરમ્યાન પડી જવાથી કોમામાં ગયેલા કરણસિંહ ડોડિયાને પાંચ વર્ષ પહેલા માથામાં ઈજા થઈ હતી ત્યારથી તેઓ એક વેજિટેટિવ સ્ટેટમાં છે. આ એક કોમા જેવી સ્થિતિ હોય છે. 51 વર્ષીય કરણસિંહ ડોડિયા ઘણી મિલકતોના માલિક હોવા છતાં, તેઓ તેનું સંચાલન કરવામાં અસમર્થ છે.
તેથી તેમની સારવાર ચાલુ રાખવા અંગેના નાણાકીય દબાણ હેઠળ તેમના પરિવારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે કે તેમની પત્ની અંજુને ગાર્ડિયન (વાલી) તરીકે નિયુક્ત કરવામાં આવે અને તેમની મિલકતનું સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવે. જસ્ટિસ વૈભવી. ડી નાણાવટીએ અમદાવાદ જિલ્લા કલેક્ટરને ડોડિયાની સંપત્તિનું મૂલ્યાંકન કરવા અને તેમના સ્વાસ્થ્યની સ્થિતિની ચકાસણી કરવા એક ડોક્ટરની નિમણૂક કરીને ત્રણ અઠવાડિયામાં કોર્ટને રિપોર્ટ કરવા માટે આદેશ આપ્યો છે.
હાઈકોર્ટમાં કરેલી રિટ અરજીમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, ૨૦૧૯માં ડોડિયાને ડેન્ગ્યુ થયો હતો અને ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી હતી. જોકે, નબળાઈને કારણે બેહોશ થઈ જતાં તેઓ પડી ગયા હતા.
જેના કારણે તેમને માથામાં ઈજા થઈ હતી. બ્રેઈન હેમરેજને કારણે તેઓ કોમામાં જતાં રહ્યા હતા અને ક્યારેય ભાન ન આવ્યું. તેમને સ્થિર હેમોડાયનેમિક સ્થિતિ સાથે ટ્રેચેઓસ્ટોમી અને ખોરાક માટે પેટની દિવાલમાં દાખલ કરાયેલી નળી સાથે રજા આપવામાં આવી હતી.
ડોડિયાના પરિવારમાં તેમના પિતા, પત્ની અને બે પુત્રો છે. ડોડિયાઆ અસ્વસ્થતામાં ગયાના પાંચ વર્ષ પછી તેમના પરિવારે એક અરજી દાખલ કરી હતી કે તેમને ડોડિયાની સારવાર અને પરિવારની આર્થિક જરૂરિયાતો માટે ભંડોળની વ્યવસ્થા કરવામાં અસહ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડોડિયાના નામે વિવિધ જંગમ અને સ્થાવર મિલકતો છે
જેમ કે શહેરોમાં મિલકતો, વિવિધ સ્થળોએ ખેતીની જમીન અને બે પેઢી જેમાં તે ભાગીદાર છે. પરિવારે ડોડિયાની સારવાર પાછળ પત્ની અને પિતા માટે ઉપલબ્ધ વ્યક્તિગત બચત અને ખાતાઓમાંથી તમામ નાણાં ખર્ચી નાંખ્યા છે.