Western Times News

Gujarati News

ઇસ્કોનથી સાણંદ સુધી પણ કોરિડોર બનાવવામાં આવશે

File photo

નારોલથી સરખેજ સુધી ૧૦.૫ કિ. મી.નો એલિવેટેડ કોરિડોર માટે કેન્દ્ર સરકાર ની લીલી ઝંડી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરની મુખ્ય ને એન્ટ્રી નારોલ અને સરખેજને સાંકળતો એલિવેટેડ કોરિડોર તૈયાર કરવામાં આવશે. જેના માટે કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે. કેન્દ્ર સરકાર ની જાહેરાત બાદ સરખેજ, મકતમપુરા, પીરાણા, ગ્યાસ પુર અને નારોલના રહીશો માં ખુશીની લહેર જોવા મળી છે. આ એલિવેટેડ કોરિડોર તૈયાર થયા બાદ ટ્રાફિક સમસ્યા માં નોંધપાત્ર ઘટાડો થશે. A corridor will also be built from ISKCON to Sanand

અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી એ આ અંગે વધુ વિગત આપતા જણાવ્યા હતું કે રૂપિયા ૧૨૯૫ કરોડના ખર્ચે નેશનલ હાઇવે ૪૭ પર નારોલ જંકશન થી સાબરમતી નદી ઉપરથી વિશાલા થઇ સરખેજ ચાર રસ્તા સુધીના કુલ ૧૦.૫ કીલોમીટર છ માર્ગીય એલિવેટેડ કોરિડોર તૈયાર કરવામાં આવશે. સદર બ્રીજનું ભૂમિપૂજન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે જેનાથી વિશાલા સરખેજ, જુહાપુરા, મક્તમપુરા વિગેરે વિસ્તારોની ટ્રાફિકની સમસ્યા હળવી થશે.જે શહેરને એક મોટી ભેટ સમાન છે.

શહેરના ઉજાલા સર્કલથી વિશાલા હોટલ વચ્ચે છ લેનનો એક એલિવેટેડ કોરિડોર બાંધવામાં આવશે. આ છ કિ.મી. લાંબા એલિવેટેડ કોરિડોર ઉપર આવતા મહત્વના જંકશન ઉપર રેમ્પ પણ બનાવવામાં આવશે. આ એલિવેટેડ કોરિડોર બે જગ્યાએ નીચે ઉતરતો બનાવાશે. જેમાં એક રસ્તો નારોલ સર્કલ તરફ જશે અને બીજો રસ્તો વાસણા તરફ જશે.

તે ઉપરાંત વિશાલા સર્કલથી નારોલ સર્કલ વચ્ચે છ લેન વાળો હાઇવે બનાવવામાં આવશે. જેના ઉપર ત્રણ જગ્યાએ ફ્‌લાયઓવર બ્રિજ બનાવાશે. વિશાલા સર્કલથી નારોલ સર્કલ વચ્ચે દરરોજ ખૂબ જ ગીચ ટ્રાફિક હોવાથી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા આ રોડ અને ફ્‌લાયઓવર બ્રિજ બાંધવાનો નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત ઇસ્કોન ફ્‌લાયઓવર બ્રિજથી સાણંદ ચાર રસ્તા સુધીનો ૪.૫ કિ.મી લાંબો એક એલિવેટેડ કોરિડોર બંધાશે. જેના ઉપર કર્ણાવતી ક્લબ ચાર રસ્તા, પ્રહલાદનગર ચાર રસ્તા અને વાયએમસીએ ચાર રસ્તા પાસે રેમ્પ પણ બનાવાશે. આ એલિવેટેડ કોરિડોર ઉજાલા સર્કલ પાસે બનનારા ફ્‌લાયઓવર બ્રિજની સાથે જોડાઇ જશે. વિશાલા સર્કલથી નારોલ હાઇવે ઉપર આવેલો જૂના શાસ્ત્રી બ્રિજને પણ નવેસરથી છ લેન વાળો બ્રિજ બનાવી દેવાશે.

ઉજાલાથી વિશાલા સર્કલ વચ્ચે છ લેનવાળો એલિવેટેડ કોરિડોર બનાવવાના નિર્ણયથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. કેમ કે, તે એલિવેટેડ કોરિડોરની નીચે આવેલા રોડ ઉપર અવર-જવર કરનારા વાહનો સરળતાથી પસાર થઇ શકશે અને જેમને એસ.જી હાઇવે જવું હશે તે એલિવેટેડ કોરિડોરનો ઉપયોગ કરીને જઈ શકશે. વિશાલા સર્કલથી સરખેજ વચ્ચેના પટ્ટા ઉપર દરરોજ ખૂબ જ ગીચ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાતા હોય છે

તેથી વિશાલાથી સરખેજ વચ્ચે ફ્‌લાયઓવર બ્રિજ બાંધવાની અગાઉ ઘણી વાર માગ ઉભી થઇ હતી. દરરોજ વિશાલા સર્કલથી નારોલ સર્કલ વચ્ચે પીક અવર્સમાં ખૂબ ગીચ ટ્રાફિક જામ સર્જાય છે, પરંતુ વિશાલાથી નારોલ વચ્ચે બનનારા ફ્‌લાયઓવર હાઇવેના કારણે આ રોડ ઉપર દરરોજ મુસાફરી કરનારા લોકોને ઘણી મોટી રાહત થઇ જશે.

ઇસ્કોન ફ્‌લાયઓવરથી સાણંદ ચાર રસ્તા વચ્ચે બનનારા એલિવેટેડ કોરિડોરમાં જે ત્રણ જગ્યાએ રેમ્પ મૂકાશે તેની પહોળાઇ ૭થી ૧૪ મીટરની હશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.