Western Times News

Gujarati News

ટ્રાવેલર ગાડી આગળ જતી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ

રાજપારડી નજીક અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત -અંદાજે આઠથી દસ જેટલી વ્યક્તિઓને ઓછીવત્તી ઈજા થઈ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ પર દિવસે દિવસે વધતા જતા અકસ્માતોને લઈને જનતા ચિંતિત બની છે.તાલુકામાં ધોરીમાર્ગ ઉપરાંત અન્ય ગ્રામીણ માર્ગો પણ અકસ્માતોથી બાકાત નથી રહ્યા.ગતરોજ રાજપારડી નજીકના સારસા ગામે ઉમધરા ફાટક નજીક એક ઈકો ગાડી આગળ જતી એક ટ્રકના પાછળના ભાગે અથડાતા ત્રણ મહિલાઓ તેમજ ઈકોના ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી.

ત્યારે આવા અકસ્માતનું જાણે પુનરાવર્તન થતું હોય એમ રાજપારડી ચાર રસ્તા નજીક ઝઘડિયા તરફના માર્ગ પર ભરૂચ તરફથી આવતી એક ટ્રાવેલર ગાડી તેની આગળ જતી એક ટ્રકના પાછળના ભાગે અથડાઈ જતા અંદાજે આઠથી દસ જેટલી વ્યક્તિઓને ઓછીવત્તી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ આ ટ્રાવેલર ગાડી ચાર રસ્તાથી થોડે આગળથી ચાર રસ્તા તરફ આવી રહી હતી.

ત્યારે રોડ નજીક આવેલ એક શોપિંગ કોમ્પ્લેક્સ તરફથી કોઈ વાહન ડિવાઈડરના કટમાંથી રોડની એક તરફથી બીજી તરફ આવી રહ્યું હતું તેને લઈને ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી આ ટ્રાવેલર ગાડી ટ્રકના પાછળના ભાગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જોકે આ અકસ્માતમાં ટ્રાવેલર ગાડીમાં બેઠેલી વ્યક્તિઓને વત્તીઓછી ઈજા થઈ હતી અને કોઈ જાનહાની થઈ ન હતી.

ઉલ્લેખનીય છેકે આ સ્થળે મોટા વાહનો રોડની નજીક લાઈન બંધ ઉભા રહેતા હોઇ પસાર થતાં અન્ય વાહનો હાલાકિમાં મુકાય છે. ઉપરાંત આ સ્થળે આવેલ શોપિંગ કોમ્પ્લેક્સ નજીકથી રોડની એક સાઈડ તરફથી બીજી સાઈડે જતા વાહનો ડિવાઈડરના કટમાં થઈને આવે છે.ત્યારે કેટલીકવાર આવી દુર્ઘટનાઓ થતી હોવાનું સામે આવ્યું છે.તેથી આ સ્થળે રોડને અડીને લાઈન બંધ ઉભા રહેતા વાહનો બાબતે યોગ્ય કરવામાં આવે તે જરૂરી બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.