Western Times News

Gujarati News

103 સ્ટાર્ટઅપ્સને 5 કરોડ 84 લાખ જેટલી નાણાકીય સહાય અપાઈ

i-Hub ખાતે સ્ટાર્ટઅપ સૃજન અંતર્ગત સ્ટાર્ટઅપ્સ/ઇનોવેટર્સને ચેક વિતરણ સમારોહ યોજાયો-ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે ચેક વિતરણ એનાયત કરાયા

શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મૂકેશકુમાર રહ્યા ઉપસ્થિત

અમદાવાદ સ્થિત i-Hub ખાતે સ્ટાર્ટઅપ સૃજન સીડ સપોર્ટ પ્રોગ્રામ હેઠળ ચેક વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીના હસ્તે કુલ 103 સ્ટાર્ટઅપ/ઇનોવેટરને આશરે 5 કરોડ 84 લાખ જેટલી રકમના ચેક વિતરણ કરાયા હતા.

આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોના સપના સાકાર કરવા તથા તેમને પ્લેટફોર્મ આપવા સ્ટાર્ટઅપ પોલીસી શરૂ કરાવી હતી.

સ્ટાર્ટઅપ પોલીસીની સિદ્ધિઓ વિશે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, સ્ટાર્ટઅપ ક્ષેત્રે આજે ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબરે છે અને ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે, તે ગૌરવપૂર્ણ બાબત છે.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, યુવાનો જોબ સીકર નહીં પરંતુ જોબ ગિવર બને તેવો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર પણ યુવાઓના વિચારોને અવકાશ આપવા અનેક કાર્યો કરી રહી છે.

યુવાઓને આહ્વાન કરતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાઓએ મહત્ત્વની ભૂમિકા ભજવવી પડશે. આ પ્રસંગે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મૂકેશ કુમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર યુવાનોના વિઝનને સાકાર કરવા સતત કાર્યરત છે. સ્ટાર્ટઅપ પોલીસીનો લાભ મહત્યમ યુવાઓ મેળવી શકે તે દિશામાં રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. વધુમાં તેમણે i-Hubની સિદ્ધિ વિશે વાત કરતાં ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

સ્ટાર્ટઅપ ક્ષેત્રની વાત કરીએ તો, વિવિધ 27 જેટલા ક્ષેત્રોમાંથી પસંદગી કરાઈ છે. જેમાં હેલ્થકેર, મેન્યુફેકચરિંગ, એગ્રીટેક, બાયોટેકનોલોજી, ટેકસ્ટાઇલ, ડિફેન્સ જેવાં વિવિધ ક્ષેત્રોના સમાવેશ થાય છે.

પસંદગી કરાયેલા 103 જેટલા સ્ટાર્ટઅપ્સમાંથી સૌથી વધુ ગુજરાતના 96 જેટલા સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં 2, છતીસગઢ, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને તેલંગાણામાંથી 1-1 સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે.

ગુજરાતના 96 સ્ટાર્ટઅપ્સની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદના 49 જેટલા સ્ટાર્ટઅપ્સની પસંદગી થઈ છે. જ્યારે ગાંધીનગરના 13, વડોદરાના 9 અને સુરતના 6 સ્ટાર્ટઅપ્સની પસંદગી કરાઈ છે. જ્યારે આણંદ, અંકલેશ્વર, જૂનાગઢ અને રાજકોટના 2-2 સ્ટાર્ટઅપ્સની પસંદગી કરાઈ છે. આ ઉપરાંત બોટાદ, ડીસા, કપડવંજ, માંડવી, નડિયાદ, પાલનપુર, પંચમહાલ, પાટણ, પોરબંદર, વલસાડ, વેરાવળ માંથી 1-1 સ્ટાર્ટઅપ્સની પસંદગી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલીસી (SSIP 2.0) શરૂ કરાઇ છે, જે અંતર્ગત સ્ટાર્ટઅપ સૃજન સીડ સપોર્ટ પ્રોગ્રામ હેઠળ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા આર્થિક 2.5 લાખથી 10 લાખ જેટલી સહાય આપવામાં આવે છે. જેના ભાગરૂપે તબક્કા વાઈઝ 15 નવેમ્બર 2022થી 30 સપ્ટેમ્બર 2023 સુધીના સમયગાળા દરમિયાન સ્ક્રીનિંગ કમિટી દ્વારા નાણાકીય સહાય માટે પસંદ કરવામાં આવ્યા.

જેમાં કુલ 103 જેટલા લોકોને કુલ 5,84,95,000 (પાંચ કરોડ ચોયાર્સી લાખ પંચાણું હજાર)ની સહાય આપવામાં આવી. આ પ્રસંગે i-Hub ના સીઈઓ શ્રી હિરન્મય મહંતા, ગુજરાત નોલેજ સોસાયટીના એડીશનલ સીઈઓ શ્રી તુષાર રાવલ અને CII તરફથી શ્રી વિનોદ અગ્રવાલ તથા મોટી સંખ્યામાં સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.