Western Times News

Gujarati News

શંકાશીલ પતિના ત્રાસથી આપઘાત કર્યાે સિવિલ હોસ્પિટલની નર્સે

સિવિલ હોસ્પિટલની નર્સના આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક

(એજન્સી)અમદાવાદ, શહેરના મેઘાણીનગર વિસ્તારમાં સાત મહિના પહેલાં સિવિલમાં ફરજ બજાવતી નર્સે કરેલા આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. નર્સે પતિના ત્રાસથી ગળાફાંસો ખાઈને આપઘાત કર્યાે હતો, જેમાં પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. પતિ અવારનવાર ચારિત્ર્ય પર શંકા કરતાં અંતે તેણે જીવન ટૂંકાવ્યું છે.

દાહોદ જિલ્લામાં રહેતા અને નિવૃત્ત સ્કૂલના શિક્ષક પરવતભાઈ ખાંટે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જમાઈ રાજેન્દ્ર દામા (રહે.બાબરોલ, સંતરામપુર, નર્મદા) વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા તેમજ ઘરેલુ હિંસાની ફરિયાદ કરી છે. પરવતભાઈનો દીકરો નાયબ મામલતદાર છે, જ્યારે દીકરી સેજલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. સેજલે બીએસસી કરતાં તેને વર્ષ ૨૦૧૯માં સરકારી નોકરી મળી હતી. સેજલનું પહેલું પોસ્ટિંગ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામણા ગામ ખાતે હતું, જ્યાં તે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી હતી.

વર્ષ ૨૦૨૧માં કોરોના મહામારીના કારણે સેજલને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધારાની સેવા માટે મૂકી હતી. એક મહિના સુધી સિવિલમાં નોકરી કર્યા બાદ તે ફરીથી સુદામણા ખાતે નોકરી કરવા માટે જતી રહી હતી. થોડા સમય બાદ સેજલની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી લાગી ગઈ હતી. સિવિલમાં નોકરી હોવાના કારણે સેજલ તેના ભાઈ રામસિંગના ઘરે ગાંધીનગર ખાતે રહેતી હતી.

ગત વર્ષે સેજલનાં લગ્ન મહીસાગર જિલ્લામાં રહેતા રાજેન્દ્ર દામા સાથે થયાં હતાં. લગ્નના દસ દિવસ બાદ તે પરત પોતાના ભાઈના ઘરે રહેવા માટે જતી રહી હતી અને સિવિલ હોસ્પિટલમાં નોકરી પણ શરૂ કરી દીધી હતી. સેજલ અમદાવાદ આવી ગયા બાદ તેનો પતિ રાજેન્દ્ર તેની સાથે ફોન પર વાત કરતો હતો, પરંતુ મળવા આવતો નહીં, જેના કારણે તે ટેન્શનમાં રહેતી હતી.

એક દિવસ ઘરના તમામ સભ્યએ ભેગા થઇને સેજલને પૂછ્યું તો તેણે જણાવ્યું હતું કે મારા પતિ મારા ચારિત્ર્ય પર શંકા રાખી રહ્યા છે. રાજેન્દ્ર દામાએ મેઘાણીનગર વિસ્તારમાં એક મકાન ભાડે લીધું હતું, જ્યાં બંન સાથે રહેતા હતા. રાજેન્દ્ર રાજપીપળા ખાતે નોકરી કરતો હોવાથી સેજલ મેઘાણીનગર મકાનમાં એકલી રહેતી હતી. રજાના દિવસે રાજેન્દ્ર અમદાવાદ આવતો હતો.

ત્યાર બાદ પરત રાજપીપળા પહોંચી જતો હતો.સેજલ તેના પિયરમાં ફોન પર કહેતી હતી કે મારે સારા મહિના જાય છે, પરંતુ મારા પતિ મારા પર ચારિત્ર્યની શંકા કરીને મારઝૂડ કરી રહ્યા છે. ૨૨ સપ્ટેમ્બરના રોજ રાજેન્દ્રએ તેના સસરા પરવતભાઈને ફોન કરીને કહ્યું હતું કે સેજલ ફોન ઉપાડતી નથી, જેથી તમે કોઈને ઘરે મોકલીને ચેક કરાવો. પરવતભાઈએ ગાંધીનગરમાં રહેતા તેમના સંબંધીને સેજલના ઘરે જવા કહ્યું હતું. સંબંધી સેજલના ઘરે પહોંચ્યા ત્યારે તે ગળાફાંસો ખાધેલી હાલમાં મળી આવી હતી. સાત મહિના બાદ ગઇ કાલે પરવતભાઈએ દીકરીની આત્મહત્યા મામલે જમાઈ વિરુદ્ધ ફરિયાદ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.