Western Times News

Gujarati News

ફાર્મા કંપનીઓએ ડોકટરને અપાતા સેમ્પલનો જથ્થો અને અન્ય તમામ વિગતો રાખવી પડશે

ડોકટરો ફાર્માસ્યુટિકલ કંપનીઓના ખર્ચે વિદેશ પ્રવાસના જલસા કરી શકશે નહીં
સરકાર દ્વારા કડક યુનિફોર્મ કોડ ફોર ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસીસ જાહેર: ગિફટ પર બાજ નજર

(એજન્સી) નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર શિકંજો કસીને દવાઓના માર્કેટિંગ માટે એકસમાન આચારસંહિતા જાહેર કરી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યુનિફોર્મ કોડ ફોર ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસીસ (યુસીપીએમપી) અનુસાર હવે કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની ના તો ડોકટરને કોઈ ગિફટ આપી શકશે કે ના તો વર્કશોપ, સેમિનાર કે કોન્ફરન્સના બહાને ડોકટર અને તેમના પરિવારો માટે વિદેશ પ્રવાસ સ્પોન્સર કરી શકશે. આમ હવે દવાઓની કંપનીઓના ખર્ચે ડોકટરના વિદેશ પ્રવાસોના જલસા બંધ થઈ જશે.

મેડિકલ કાઉÂન્સલ ઓફ ઈન્ડિયાની આચાર સમિતિ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ ડોકટરને ટાંકીને એક રિપોર્ટમાં જણાવાયું હતું કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ પોતાની પ્રોડકટસના માર્કેટિંગ પાછળ લખલૂંટ નાણાં ખર્ચે છે. વર્કશોપ, સેમિનાર અને કોન્ફરન્સના બહાને ડોકટરોને વિદેશ મોકલે છે અને તેમને મોંઘીદાટ ગિફટ પણ આપે છે એટલું જ નહીં, દવાના સેમ્પલ પણ વિનામુલ્યે આપે છે, જેથી તેમની દવાઓ ડોકટર દવારા પ્રિસ્ક્રાઈબ કરવામાં આવતી હોય છે અને તેનું વેચાણ વધી જતું હોય છે. દવાના માર્કેટિંગ પાછળ થતો ખર્ચ આખરે દર્દીઓ પર આવતો હોય છે અને જે બંધ થવો જોઈએ એવી ઘણા સમયથી માગણી થઈ રહી હતી.

કેન્દ્ર સરકારે આ માગણીને ધ્યાનમાં રાખીને દવાની કંપનીઓ માટે યુનિફોર્મ કોડ જાહેર કરેલ છે અને આ કોડ હેઠળ ડોકટરને ગિફટ આપવા પર તેમજ વિદેશ પ્રવાસે મોકલવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા યુસીપીએમપી અનુસાર હવે કોઈ પણ ફાર્મા કંપની કે તેના એજન્ટ (વિતરક, હોલસેલ ડિસ્ટ્રિબ્યુટર વગેરે) કોઈ પણ હેલ્થ પ્રોફેશનલ કે તેના પરિવારના સભ્યને કોઈ ગિફટ કે અંગત લાભ આપી શકશે નહી.

આ ગાઈડલાઈન્સમાં જણાવાયું છે કે કોઈપણ ફાર્મા કંપની- એજન્ટ- વિતરક – હોલસેલ અને રિટેલ ડિસ્ટ્રિબ્યુટર ડોકટરો દવારા જે દવા લખવામાં આવે છે તેના બદલામાં ડોકટરોને કોઈ પણ પ્રકારનો આર્થિક લાભ આપવાનું વચન આપી શકશે નહીં. યુનિફોર્મ કોડની જોગવાઈ અનુસાર ફાર્મા કંપનીઓ પ્રતિનિધિઓ ડોકટર કે તેમના પરિવારના સભ્યોને ટ્રેન, વિમાન, ક્રુઝ ટિકિટ સહિતના લાભો આપી શકશે નહી.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવા નિયમ અનુસાર કોઈ પણ એવી વ્યક્તિને દવાઓના ફ્રી સેમ્પલ પણ આપવામાં આવશે નહી કે જે દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવા માટે યોગ્ય ન હોય. પ્રત્યેક ફાર્મા કંપનીઓ પ્રોડકટનું નામ, ડોકટરનું નામ, આપવામાં આવેલ સેમ્પલનો જથ્થો, સેમ્પલના સપ્લાયની તારીખ વગેરેનો હિસાબ રાખવો પડશે અને તેની વિગતો સરકારને સુપરત કરવી પડશે. હેલ્થ કેર પ્રોવાઈડર દ્વારા વિતરણ કરવામાં આવતા દવાઓના સેમ્પલનું મુલ્ય પ્રતિ વર્ષ કંપનીના ઘરેલુ વેચાણના બે ટકાથી વધુ હોવું જોઈએ નહી.

સરકાર દ્વારા જારી કરવામાં આવેલ દવા કંપની માટેના યુનિફોર્મ કોડ અનુસાર જો કોઈ ફાર્મા કંપની કે એજન્ટ અથવા ડિસ્ટ્રિબ્યુટ ડોકટર કે તેમના પરિવારજનોને ગિફટ આપશે અને તેમના વિદેશ પ્રવાસને સ્પોન્સર કરશે તો આ કોડ હેઠળ અપરાધ ગણાશે. દેશનાં તમામ ફાર્મા એસોસિયેશનને લખેલા પત્રમાં કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયના સંયુક્ત સચિવ રવીન્દ્ર પ્રતાપસિંહે જણાવ્યું હતું કે તમામ ફાર્માસ્યુટિકલ એસોસિયેશને એક આચાર સમિતિની રચના કરવી પડશે અને પોતાની સત્તાવાર વેબસાઈટ પર યુસીપીએમપી પોર્ટલનો ઉલ્લેખ કરવો પડશે અને યુસીપીએમપીનો કડક અમલ કરવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.